‘આપ’ નેતાએ ગુજરાતની સ્થિતિ બતાવવા પાકિસ્તાનની તસવીર શેર કરી, વિરોધ થતા પોસ્ટ ડિલીટ કરી નાંખી

‘આપ’ નેતાએ ગુજરાતની સ્થિતિ બતાવવા પાકિસ્તાનની તસવીર શેર કરી, વિરોધ થતા પોસ્ટ ડિલીટ કરી નાંખી

07/18/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

‘આપ’ નેતાએ ગુજરાતની સ્થિતિ બતાવવા પાકિસ્તાનની તસવીર શેર કરી, વિરોધ થતા પોસ્ટ ડિલીટ કરી નાંખી

સુરત: સુરતના ઉદ્યોગપતિ અને હાલમાં જ દિલ્હીના ઉપ-મુખ્યમંત્રી મનિષ સિસોદિયાની હાજરીમાં આમ આદમી પાર્ટીમાં (Aam Aadmi Party) જોડાયેલા મહેશ સવાણી (Mahesh Savani) એક ફેસબુક પોસ્ટને લઈને આજકાલ ચર્ચામાં છે. જોકે, તેમણે પોસ્ટ ડિલીટ કરી નાંખી છે પરંતુ તેના સ્ક્રીનશોટ સોશિયલ મીડિયા ઉપર ઝડપથી વાઈરલ થઇ રહ્યા છે.

‘આપ’ નેતા મહેશ સવાણીએ તાજેતરમાં જ સરકારને ઘેરવા માટે પોતાના અધિકારીક ફેસબુક અકાઉન્ટ પરથી એક તસવીર શેર કરી હતી. તસવીરમાં દેખાય છે કે પસાર થતા વીજળીના તાર માટે કોઈ થાંભલો ન હોવાના કારણે લાકડાનો ટેકો આપવામાં આવ્યો છે.’ તસવીર સાથે લખ્યું હતું કે, ‘ગુજરાતમાં વાવાઝોડાને બે મહિના થવા છતાં વીજળીની કોઈ વ્યવસ્થા ન થતા લોકો ખુદ બન્યા આત્મનિર્ભર. વીજળી માટે થાંભલાઓની વ્યવસ્થા કરી. ગુજરાત મોડેલ. ડિજીટલ ઇન્ડિયા.’

તેમણે ભલે સરકારનો વિરોધ કરવા માટે પોસ્ટ મૂકી હોય પરંતુ આ પોસ્ટ કર્યાના થોડા જ કલાકોમાં તેમનો જ વિરોધ થવા માંડ્યો હતો. કારણ કે આ તસવીર ગુજરાતની નહીં પરંતુ પાડોશી રાષ્ટ્ર પાકિસ્તાનની છે. ટ્વીટર ઉપર ખાલિદ મોહમ્મદ નામના એક ટ્વીટર હેન્ડલે ગત ૧૧ જૂનના રોજ આ જ તસવીર શેર કરી ટ્વીટ કર્યું હતું અને સાથે ઉર્દુમાં કેપ્શન લખ્યું હતું. તેમણે લખ્યું હતું કે, ‘સિંધ સરકારે પ્રાચીન તકનીકીથી સસ્તા વીજ થાંભલાની શોધ કરી.’ સાથે તેમણે કટાક્ષ કર્યો કે, ‘આમાં કરંટ લાગવાનો કોઈ ભય નથી. લોકોની સેવામાં મોખરે સિંધ સરકાર.’

ઉપરાંત, લગભગ બે અઠવાડિયા પહેલા ફેસબુક ઉપર એક ‘Peaceful Sukkur’ નામના પેજ ઉપરથી આ જ તસવીર શેર કરવામાં આવી હતી. જેની સાથે લખવામાં આવ્યું કે, ‘સર્જનાત્મકતા.. આ અસલ કામ ફક્ત પાકિસ્તાનના સિંધમાં જ ઉપલબ્ધ છે.’ સુક્કુર પાકિસ્તાનના સિંધનું એક શહેર છે. આ પેજ ઉપર આ જ નગરની તસવીરો જોવા મળે છે.

તસવીર ગુજરાતની નહીં પરંતુ પાકિસ્તાનની છે તેમ સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા ઉપર મહેશ સવાણીનો વિરોધ થવા માંડ્યો. ત્યારબાદ તેમણે પોસ્ટ ડીલીટ કરી નાંખી હતી. અહીં નોંધવું જરૂરી છે કે આ પહેલા ‘આપ’ના નેતાઓ ગોપાલ ઇટાલિયા અને ઇસુદાન ગઢવીએ પણ તેમના ફેસબુક ઉપરના પર્સનલ અકાઉન્ટ ડિ-એક્તિવેટ કરી દીધા હતા.

ગુજરાતમાં મે મહિનામાં તાઉ-તે વાવાઝોડું ટકરાયું હતું. સૌરાષ્ટ્રના ઉના, જાફરાબાદ વગેરે વિસ્તારોમાં વાવાઝોડાએ ઘણું નુકસાન પહોંચાડ્યું હતું અને વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. જેને લઈને ‘આપ’ નેતાએ ફેસબુક ઉપર પોસ્ટ મૂકી હતી પરંતુ તસવીર પાકિસ્તાનની હોવાના કારણે ટીકાનો સામનો કરવો પડ્યો હતો.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top