અમેરિકાના ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે આ દેશની ગ્રીનલેન્ડ પર નજર, જનરલે આપી મોટી ધમકી
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બાદ હવે રશિયાની નજર ગ્રીનલેન્ડ પર છે. રશિયન સેનાના એક જનરલે પ્રસ્તાવ મૂક્યો છે કે ટ્રમ્પ અને પુતિને ગ્રીનલેન્ડને પરસ્પર વહેંચી દેવું જોઈએ. પરંતુ તેમણે એમ પણ કહ્યું કે પુતિને NATO પાસેથી આર્કટિક ક્ષેત્રમાં એક ટાપુ પણ છીનવી લેવો જોઈએ. અમેરિકાના ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે "વૈશ્વિક રાષ્ટ્રીય સુરક્ષા અને સ્વતંત્રતા" માટે ગ્રીનલેન્ડને પોતાનામાં ભેળવી દેવાની ધમકી આપી હોવાથી યુરોપિયન યુનિયન આઘાતમાં છે. પુતિન પણ હવે વિશ્વના સૌથી મોટા ટાપુનો એક ભાગ ઇચ્છે છે.
ધ સનમાં પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ, રશિયન જનરલ આન્દ્રે ગુરુલેવે કહ્યું કે ટ્રમ્પ અને પુતિને ગ્રીનલેન્ડ ટાપુને લઇને લડવાને બદલે તેને પરસ્પર વહેંચી લેવો જોઈએ. પરંતુ ગુરુલેવ માને છે કે ક્રેમલિને આર્કટિકમાં સ્પિટ્સબર્ગનનો કબજો લેવો જોઈએ. આર્કટિકમાં સ્થિત એક નોર્વેજીયન ટાપુ છે, જ્યાં લશ્કરી કામગીરી પર પ્રતિબંધ છે. તેમનું માનવું છે કે તેનો ઉપયોગ અસરકારક સંરક્ષણ આધાર તરીકે થવો જોઈએ. ગુરુલેવ પુતિન તરફી કટ્ટરપંથી સાંસદ છે. પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવે ટ્રમ્પને ગ્રીનલેન્ડ પરનો પોતાના દાવાથી પાછળ હટવાનું સુચન કર્યું.
ગુરુલેવ કહે છે કે જો ટ્રમ્પ ગ્રીનલેન્ડ પર દાવો કરે છે, તો અમે કેમ ન કરીએ? ગ્રીનલેન્ડ આર્કટિક મહાસાગરની મધ્યમાં આવેલું છે. તે પ્રદેશના મહત્ત્વપૂર્ણ વેપાર માર્ગોમાનો એક છે. આ ઉપરાંત, અહીં દુર્લભ ખનિજોનો ભંડાર છે. રશિયા અને ચીન બંને આર્કટિક પર નિયંત્રણ મેળવવા માગે છે. અમને ગ્રીનલેન્ડ જોઈએ છે અને આ મજાક નથી. અમને તેની ખૂબ જરૂર છે. થોડા પૈસા લઈને આ મુદ્દાનું કાયમ માટે સમાધાન કેમ ન કરી લેવું જોઇએ? સૌથી ખરાબ પરિસ્થિતિમાં, ટ્રમ્પ ગ્રીનલેન્ડને ઘણા ભાગોમાં વિભાજીત કરવા માટે સંમત થઈ શકે છે. એ સ્પષ્ટ છે કે ત્યારે ડેનમાર્કનું ત્યાં કોઈ અસ્તિત્વ નહીં રહે.
ગુરુલેવે વધુમાં કહ્યું કે રશિયાએ સ્પિટ્સબર્ગન પર પણ નજર રાખવી જોઈએ, જે નોર્વેના સાર્વભૌમત્વ હેઠળ છે. 1920ની સ્વાલબાર્ડ સંધિ હેઠળ રશિયાને ખનન જેવા વિવિધ આર્થિક પ્રયાસોને આગળ વધારવાનો અધિકાર છે. રશિયાનું અહીં એક વાણિજ્યિક દૂતાવાસ પણ છે. જોકે, આંતરરાષ્ટ્રીય કરાર હેઠળ ટાપુ પર લશ્કરી પ્રવૃત્તિઓ પ્રતિબંધિત છે. પરંતુ ગુરુલેવનું માનવું છે કે રશિયાએ તેને ઉલટાવી દેવું જોઈએ. એક ટી.વી. કાર્યક્રમમાં તેમણે કહ્યું કે, 'સ્પિટ્સબર્ગેન આપણા ઉત્તરી વિભાગની નજીક છે, જે આપણા માટે મહત્ત્વપૂર્ણ છે. તેને સંયુક્ત વિકાસમાંથી દૂર કરીને રશિયન નિયંત્રણ હેઠળ લઈ લેવું જોઈએ અને ત્યાં લશ્કરી થાણા બનાવવા જોઈએ.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp