આઝાદી બાદ વિકૃત માનસિકતા અને સ્વાર્થી રાજનીતિના કારણે દેશની એકતા પર ગંભીર હુમલા કરવામાં આવ્યા: નરેન્દ્ર મોદી
12/14/2024
National
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠ પર લોકસભામાં પોતાના સંબોધનમાં કહ્યું હતું કે ભારત લોકશાહીની જનની છે અને આપણું ગણતંત્ર સમગ્ર વિશ્વ માટે પ્રેરણા સ્ત્રોત છે. આ આપણી લોકશાહીની ઉજવણી કરવાનો અવસર છે. ભારતનો નાગરિક દરેક કસોટી પર ખરા ઉતર્યો છે અને આપણી લોકશાહીની સફળતાનો આધાર રહ્યો છે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બંધારણની 75મી વર્ષગાંઠના અવસર પર લોકસભામાં પોતાના સંબોધનમાં રાજર્ષિ પુરુષોત્તમ દાસ ટંડન અને બાબા સાહેબ ભીમરાવ આંબેડકરના યોગદાનને યાદ કર્યા. PMએ ભારતની લોકશાહી યાત્રા અને તેની સિદ્ધિઓને અસાધારણ ગણાવી. PM મોદીએ કહ્યું કે, "રાજર્ષિ ટંડન અને બાબા સાહેબ આંબેડકર જેવી મહાન હસ્તીઓએ ભારતના લોકતાંત્રિક પાયાને મજબૂત કરવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. તેમનું યોગદાન અમૂલ્ય છે." 75 વર્ષની લોકતાંત્રિક યાત્રાને દેશના નાગરિકોની એક મહાન ઉપલબ્ધિ ગણાવતા વડાપ્રધાને કહ્યું કે, આ મહાન સિદ્ધિ માટે હું દેશના નાગરિકોને સલામ કરું છું.
ભારતના લોકશાહી માળખાને તેની સંસ્કૃતિનો એક ભાગ ગણાવતા PM મોદીએ કહ્યું કે, "ભારતની લોકશાહી ખૂબ જ સમૃદ્ધ રહી છે. તે આપણી સંસ્કૃતિ અને પરંપરામાં ઊંડાણ જડેલી છે. ભારતની લોકશાહીએ સમગ્ર વિશ્વને પ્રેરણા આપી છે. ભારતે 75 વર્ષમાં અસાધારણ સિદ્ધિઓ હાંસલ કરી છે. લોકશાહીએ આપણને દરેક પડકારને પાર કરીને આગળ વધવાની તાકત આપી છે.
લોકસભામાં ભારતની એકતા અને અખંડિતતા પર ભાર મૂકતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, સંકલ્પથી સિદ્ધિ સુધી પહોંચવાની સૌથી મોટી જરૂરિયાત ભારતની એકતા છે. આઝાદી બાદ વિકૃત માનસિકતા અને સ્વાર્થી રાજનીતિના કારણે દેશની એકતા પર ગંભીર હુમલા કરવામાં આવ્યા. આપણી સંસ્કૃતિ અને પરંપરામાં વિવિધતાની ઉજવણી કરવાની પરંપરા છે, પરંતુ ગુલામીની માનસિકતામાં ઉછરેલા લોકોએ હંમેશા વિવિધતામાં વિરોધાભાસ શોધવાનો પ્રયાસ કર્યો."
વડાપ્રધાને કહ્યું કે, "આઝાદી પછી વિકૃત માનસિકતા કે સ્વાર્થના કારણે સૌથી મોટો હુમલો દેશની એકતા અને અખંડિતતા પર થયો હતો." દેશે આ પડકારોને પાર કરીને એકજૂથ રહેવાની જરૂર છે. વડાપ્રધાને સ્પષ્ટ કર્યું કે દેશની પ્રગતિ અને વિકાસની ચાવી તેની એકતામાં રહેલી છે. તેમણે કહ્યું કે જ્યારે દેશ એક થઈને કામ કરશે તો દરેક પડકારને તકમાં ફેરવી શકાય છે.
દેશની ઝડપી આર્થિક પ્રગતિ પર ભાર મૂકતા વડાપ્રધાને કહ્યું કે, "આજે ભારત ઝડપી ગતિએ વિકાસ કરી રહ્યું છે અને ટૂંક સમયમાં વિશ્વની ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બની જશે. આ સિદ્ધિ દરેક ભારતીયની સખત મહેનત અને સંકલ્પનું પરિણામ છે. મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવું એ અમારી પ્રાથમિકતા છે. જ્યારે મહિલા શક્તિ આગળ વધશે, ત્યારે દેશ દરેક ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શશે. આપણી લોકશાહી અને આપણી અર્થવ્યવસ્થા વિશ્વ માટે પ્રેરણા બની રહી છે. ભારતનું ભવિષ્ય ઉજ્જવળ છે, અને વિકાસની આ યાત્રા અવિરત ચાલુ રહેશે."
PM મોદીએ કલમ 370 પર શું કહ્યું?
PM મોદીએ કહ્યું કે, આપણે વિવિધતાની ઉજવણી કરીએ છીએ, પરંતુ ગુલામીની માનસિકતામાં ઉછરેલા લોકો વિવિધતામાં વિરોધાભાસ શોધતા રહે છે. આવા લોકો વિવિધતામાં ઝેરી બીજ વાવવાનો પ્રયાસ કરતા રહ્યા જે એકતાને નુકસાન પહોંચાડે. આર્ટિકલ 370 દેશની એકતામાં અવરોધ હતો, તેથી અમે કલમ 370ને દફનાવી દીધી.
PMએ વન નેશન, વન ગ્રીડ અને ડિજિટલ સમાનતા વિશે વાત કરી
PM મોદીએ કહ્યું કે એક સમય હતો જ્યારે દેશના એક ભાગમાં વીજળી હતી, પરંતુ તેની સપ્લાય થતી નહોતી. વન નેશન, વન ગ્રીડે આ સમસ્યાનું નિરાકરણ કર્યું અને સમગ્ર દેશમાં વીજળીનો પુરવઠો સરળ અને અસરકારક બનાવ્યો. GSTથી દેશની આર્થિક એકતા મજબૂત થઈ છે. તેનાથી ભારતમાં એક સામાન્ય બજાર ઊભું થયું છે, જેણે વેપાર અને ઉદ્યોગને નવી ગતિ આપી છે. ડિજિટલ સેક્ટરમાં સમાનતા પર ભાર મૂકતા વડાપ્રધાન મોદીએ કહ્યું કે, આજનો યુગ બદલાઈ ગયો છે. અમે નથી ઇચ્છતા કે ડિજિટલ સેક્ટરમાં “હેવ્સ અને હેવ્સ નોટ” (વિભાજિત સમાજ)ની સ્થિતિ ઊભી થાય. ડિજિટલ ક્રાંતિ દ્વારા દરેક વ્યક્તિને સમાન તકો આપવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.
બંધારણના 25માં વર્ષે દેશને જેલમાં ફેરવી દેવામાં આવ્યો - PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકસભામાં કોંગ્રેસ પર આકરા પ્રહારો કરતા કહ્યું કે, જ્યારે દેશ બંધારણના 25 વર્ષ પૂરા કરી રહ્યો હતો ત્યારે બંધારણ છીનવાઈ ગયું હતું. દેશને જેલમાં ફેરવી દેવામાં આવ્યો અને નાગરિકોના અધિકારો છીનવાઈ ગયા હતા. આ કોંગ્રેસના કપાળ પરનું પાપ છે જે ક્યારેય ધોઈ નહીં શકાય. PM મોદીએ બંધારણ ઘડનારાઓની તપસ્યાનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેમની મહેનતને નષ્ટ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો. આ લોકશાહી અને બંધારણ સાથે વિશ્વાસઘાત હતો.
બંધારણની પ્રક્રિયા દ્વારા મને પણ મુખ્યમંત્રી બનવાની તક મળીઃ પીએમ મોદી
PM મોદીએ કહ્યું કે, જ્યારે દેશ બંધારણના 50 વર્ષની ઉજવણી કરી રહ્યો હતો ત્યારે આ મારું સૌભાગ્ય હતું કે મને પણ બંધારણની પ્રક્રિયા દ્વારા મુખ્યમંત્રી બનવાની તક મળી. મેં 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવાની વાત કરી તો સામે એક નેતાએ કહ્યું, 'આપણે 26 જાન્યુઆરી ઉજવીએ છીએ, તો 26 નવેમ્બર ઉજવવાની શું જરૂર છે?'
કૉંગ્રેસના એક પરિવારે બંધારણને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડી નહોતી - PM મોદી
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા અને કહ્યું કે એક પરિવારે બંધારણને નુકસાન પહોંચાડવામાં કોઈ કસર છોડી નથી. એક જ પરિવારે 55 વર્ષ સુધી શાસન કર્યું અને આ દરમિયાન બંધારણ પર સતત પ્રહારો થયા. આ પરિવારની કુવિચાર,કુરિતી અને કુનીતિની પરંપરાએ દેશને ખૂબ મુશ્કેલીઓમાં મૂક્યો છે. 1951ની ઘટનાનો ઉલ્લેખ કરતા PM મોદીએ કહ્યું કે તે સમયે જ્યારે કોઈ ચૂંટાયેલી સરકાર નહોતી ત્યારે કોંગ્રેસે વટહુકમ લાવીને બંધારણમાં ફેરફાર કર્યો હતો અને અભિવ્યક્તિની સ્વતંત્રતા પર હુમલો કર્યો હતો. આ પરિવાર દરેક સ્તરે બંધારણને પડકારી રહ્યો છે અને દેશવાસીઓને એ જાણવાનો અધિકાર છે કે તેમના શાસન દરમિયાન શું થયું.
કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ ત્યારે બાબા સાહેબને ભારત રત્ન આપી શકાયો
PM મોદીએ કહ્યું કે બાબા સાહેબને ભારત રત્ન આપવાનું કામ પણ ત્યારે શક્ય બન્યું જ્યારે કોંગ્રેસ સત્તામાંથી બહાર થઈ. વોટ બેંકની રાજનીતિમાં ડૂબેલા લોકોએ અનામતની અંદર નીટપિકીંગ કરવાનું કામ કર્યું છે અને તેનાથી સૌથી વધુ નુકસાન SC-ST અને OBCને થયું છે. મંડલ કમિશનનો રિપોર્ટ દાયકાઓ સુધી એક બોક્સમાં નાખી દેવામાં આવ્યો હતો.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp