જૂના મુંજીયાસર બાદ વધુ એક શાળાના બાળકોના હાથમાં પણ બ્લેડના કાપા!
Rajpur Primary School: થોડા દિવસ અગાઉ બગાસરાનાં જૂના મુંજીયાસરની એક શાળામાં 40 જેટલા બાળકોએ પેન્સિલના શર્પનરથી હાથ પર કાપા પાડી દીધાની ઘટના પ્રકાશમાં આવી હતી. આ ઘટનાને શાળા સંચાલકો દ્વારા છુપાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ કેટલાક વાલીઓને કારણે આ ઘટના લોકો સમક્ષ આવી હતી. ત્યારબાદ ગામના સરપંચે જવાબદાર લોકો વિરુદ્ધ કાર્યવાહી કરવા માટે પોલીસને જાણ કરી હતી. હવે આવી જ વધુ એક ઘટના બનાસકાંઠાથી સામે આવી છે.
ડીસાની રાજપુર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓના હાથ પર કાપા જોવા મળતા હાહાકાર મચી ગયો હતો. આ બાબતે એક પરિવાર દ્વારા જિલ્લા શિક્ષણ વિભાગને જાણ કરાઈ હતી. તેમાં જિલ્લા શિક્ષણ અધિકારીની સૂચના મૂજબ અધિકારીઓએ તપાસ કરી છે. TPEOએ જણાવ્યું હતું કે વિદ્યાર્થીઓએ રમતા-રમતા શરત લગાવી હતી, જેના કારણે તેમણે આ કાપા પાડ્યા હોવાનું સામે આવ્યું છે. વિદ્યાર્થીઓને મોબાઈલથી દૂર રહેવા અને ગેમ ન રમવા, હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની સૂચના આપવામાં આવી છે.
સ્થાનિક વહીવટીતંત્રએ ડીસા પહોંચી તપાસ કરી હતી. જોકે આખો મામલો દબાવી દેવાનો પ્રયાસ કરાઇ રહ્યો હોય તેમ કોઇ પણ શિક્ષકે મોઢામાંથી માખી પણ ઉડાડી નથી. પ્રાથમિક શાળાના બાળકોના કાઉન્સેલિંગ માટે ટીમ આવતા આખા મામલા પરથી પડદો ઉઘાડો પડ્યો હતો. ડીસાની શાળામાં બાળકોના હાથ પર બ્લેડના કાપા જોતા કાઉન્સેલિંગ કરવામાં આવ્યું હતુ. અને કોઈ સમસ્યા હોય તો હેલ્પલાઈન નંબર 1098 પર કોલ કરવા માટે જણાવ્યું હતું.
બાળકો અને વાલીઓને પણ ગેમના હાનિકારક પ્રભાવો, હિંસક પ્રવૃત્તિઓથી દૂર રહેવાની જરૂરિયાત અને બાળકોની સુરક્ષા સંબંધિત અન્ય મહત્ત્વપૂર્ણ બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ. તંત્ર આ મામલે તપાસ કરી રહી છે. પ્રશાસનના અધિકારીઓએ તાત્કાલિક આવા બાળકોના પરિવારજનો સાથે વાતચીત કરવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કેટલીક ચોંકાવનારી બાબતો પણ સામે આવી હતી. જેમાં પ્રાથમિક તબક્કે અહીં વીડિયો ગેમવાળી કોઈ બાબત સામે આવી નહોતી, પરંતુ દેખાદેખીમાં આ પ્રકારના કાપા પાડ્યા હતા. ડીસા શહેર અને તાલુકાની જૂદી જૂદી બે શાળાના બાળકોએ આ પ્રકારની પ્રવૃત્તિ કરી હોવાનું સામે આવ્યું છે. પરંતુ આ દેખાદેખીમાં કાપા પાડવાની વાત ગળે ઉતરે ઉતરતી નથી.
તો આચાર્યએ આ ઘટનાનું કારણ આપતા કહ્યું કે બાળકોએ અંદરો-અંદર એકબીજાને ચેલેન્જ આપ્યું હતું. મોબાઇલ ગેમને કારણે આમ થયું હોઇ શકે છે.
સૌથી પહેલા તો સવાલ એ જ થાય કે આ માસૂમોને પોતાના જ હાથો પર કાપા પાડવાનો વિચાર કેવી રીતે આવ્યો? એક જ અઠવાડિયામાં ૩ શાળામાં આ પ્રકાર ઘટના સામે આવવાનો મામલો ખૂબ જ ગંભીર લાગી રહ્યો છે. બાળકોને પોતાની જાતે જ હાથો પર કાપા પાડવાનું સુઝે એ તો લગભગ અશક્ય લાગે છે. તેઓ કોઈક વીડિયો કે વીડિયો ગેમના પ્રભાવથી એવું કરી રહ્યા હોય એમ પણ બને. તેમને આમ કરાવવા પાછળ કોઇ વ્યક્તિનો હાથ છે કે કેમ એ પણ તપાસનો વિષય છે. પ્રશાસને આ મામલાને ગંભીરતાથી લઈને આવી ઘટના પાછળના સાચા કારણ જાણી તેનું નિવારણ કરવું હિતાવહ છે. જો પ્રશાસન આ ઘટનાઓને સિરિયસલી નહીં લે તો અગામી સમયમાં ગુજરાતની બીજી શાળાઓમાં પણ આવી ઘટના સામે આવે અને એવું પણ બને કે કોઈક અણધારી ઘટના ઘટે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp