SIR પ્રક્રિયાની કામગીરી કરતાં BLOના સહાયકનું મોત, શિક્ષકોને BLOની ફરજમાંથી મુક્તિની માંગણી, જાણો
BLO અધિકારીઓના SIR ના મૃત્યુના અહેવાલો સતત વધી રહ્યા છે. ત્યારે રાજ્યમાં હાલ ચાલી રહેલી SIR અને ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણને કારણે શિક્ષકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ કામગીરીના તણાવ વચ્ચે શિક્ષકોના મોતના સિલસિલામાં વધુ એક દુખદ ઘટના સામે આવી છે. તાપી જિલ્લાના વાલોડમાં BLO સહાયક તરીકે ફરજ બજાવતા એક મહિલા આચાર્યનું હાર્ટ એટેકના કારણે નિધન થયું છે.
માહિતી અનુસાર, તાપી જિલ્લાના વાલોડ તાલુકાના બેલધા ગામની પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા 56 વર્ષીય કલ્પનાબેન પટેલને BLO સહાયક તરીકેની જવાબદારી સોંપવામાં આવી હતી. ગુરુવારે રાત્રિ દરમિયાન અચાનક તેમને હૃદયરોગનો હુમલો આવ્યો હતો, જેના કારણે તેમનું દુઃખદ અવસાન થયું છે. જો કે આ બાબતે મુખ્ય BLO જોડે વાત કરતા તેમણે જણાવ્યું હતું કે, BLO સહાયકની કામગીરીમાં તેમને કોઈ ટેન્શન ન હતું. સાથે બેલધા ગામ SIR ની કામગીરીમાં હાલ ગ્રીન ઝોનમાં છે. તેમ છતાં આ કામગીરીના અતિશય ભારણને કારણે શિક્ષકો માનસિક તણાવ અનુભવી રહ્યા હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. તેથી રાજ્ય સરકાર દ્વારા શિક્ષકોને શિક્ષણ સિવાયની અન્ય કામગીરી સોંપવામાં આવતા તેનો ઠેર-ઠેર વિરોધ થઈ રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે, આ ઘટના પહેલાં ગીર સોમનાથના કોડીનારમાં પણ ચૂંટણીલક્ષી કામગીરીના અસહ્ય ભારણ અને માનસિક તણાવને કારણે એક શિક્ષકે આપઘાત કરી લીધો હતો. તે અગાઉ કપડવંજમાં રમેશ પરમાર નામના શિક્ષકનું પણ BLO કામગીરી દરમિયાન જ હાર્ટ એટેકથી મૃત્યુ થયું હતું. શિક્ષક સંઘો દ્વારા વારંવાર રજૂઆતો કરવા છતાં કામનું ભારણ યથાવત રહેતા આ પ્રકારની ઘટનાઓ બની રહી હોવાનો સુર શિક્ષકોમાં ઉઠી રહ્યો છે.
રાજ્યના વિવિધ શિક્ષક સંઘોએ SIR (મતદાર યાદી સુધારણા કાર્યક્રમ)ની કામગીરીના અસહ્ય ભારણને તાત્કાલિક ઘટાડવા અને શિક્ષકોને BLOની ફરજમાંથી મુક્તિ આપવા માટે સરકાર અને ચૂંટણી પંચ સમક્ષ રજૂઆતો કરી છે. રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ સહિતના સંગઠનનો આક્ષેપ છે કે, 95% જેટલા પ્રાથમિક શિક્ષકોને BLOની કામગીરી સોંપાઈ છે, જેના કારણે શિક્ષકો સવારે 8 વાગ્યાથી રાતના 8 વાગ્યા સુધી આ કામગીરીમાં જોતરાયેલા રહે છે, અને શૈક્ષણિક કાર્ય સંપૂર્ણપણે ખોરવાયું છે. મળતી માહિતી મુજબ SIRની કામગીરીમાં સમગ્ર રાજ્યમાં 5.08 કરોડ મતદારો માટે લગભગ 50,963 BLO કાર્યરત છે, જેમાંથી મોટા ભાગના શિક્ષકો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp