ગુજરાતમાં લુંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ! ટોળકીએ સમગ્ર ગુજરાતમાં આટલા યુવાનોને શિકાર બનાવ્યા, જાણો
ગુજરાત પોલીસને યુવકો સાથે લગ્ન કરી છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ કર્યો છે. મહેસાણા જિલ્લાના બેચરાજી તાલુકાના આદિવાડા ગામના એક યુવક સાથે લગ્ન કરી લાખો રૂપિયાની છેતરપિંડી આચરવાના ગુનામાં આ મોટી સફળતા મેળવી છે. બેચરાજી પોલીસે આંતર જિલ્લા ‘લૂંટેરી દુલ્હન’ ગેંગનો પર્દાફાશ કરી ત્રણ મહિલાઓ સહિત કુલ ચાર આરોપીઓની ધરપકડ કરી છે. અહીં ચોંકાવનારી બાબત એ છે કે, આ ટોળકીએ માત્ર બેચરાજી જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં અનેક યુવાનોને લગ્નની જાળમાં ફસાવી શિકાર બનાવ્યા હતા.
આદિવાડા ગામના 31 વર્ષીય સચિનભાઈ રાજેશકુમાર પટેલે નોંધાવેલી ફરિયાદ અનુસાર, અમદાવાદની એક યુવતી સાથે તેમના લગ્ન થયા હતા. લગ્નના ચારેક દિવસ બાદ યુવતીના બનેવી તરીકે ઓળખ આપનાર રાજુ ઠક્કર ‘પિતા બીમાર છે’ તેમ કહીને યુવતીને લઈ ગયા હતા. ત્યારબાદ યુવતી પરત ન ફરતા યુવાને છૂટાછેડાની વાત કરી હતી, જેના માટે આરોપીઓએ રૂ. 50 હજારની માંગણી કરી અમદાવાદ બોલાવ્યા હતા. ત્યાં યુવક સાથે ગાળાગાળી કરી, છૂટાછેડા આપવાને બદલે બળાત્કારના ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી પૈસા પડાવ્યા હતા. જે અંગે રૂ. 5.57 લાખની છેતરપિંડીનો ગુનો નોંધાયો હતો.
આ મામલે કાર્યવાહી કરતા, ત્રણ મહિલા અને એક પુરૂષની ધરપકડ કરાઇ હતી. પૂછપરછ દરમિયાન ઘટસ્ફોટો થયા છે કે, મુખ્ય આરોપી ચાંદનીએ અલગ-અલગ જગ્યાએ ખોટા નામ અને દસ્તાવેજોના આધારે 15 યુવાનો સાથે લગ્ન કર્યા હતા. જ્યારે અન્ય આરોપી રશ્મિકાએ 4 અને સોનલ ઉર્ફે રીંકલ પ્રજાપતિએ 2 યુવાનો સાથે લગ્ન કરી છેતરપિંડી કરી હતી. આમ આ ટોળકીએ અલગ અલગ યુવતીઓ મારફતે અનેક યુવકોને ફસાવ્યા છે.
અમદાવાદની રશ્મિકા પંચાલ નામની મહિલા પોતે મેરેજ બ્યુરો ચલાવતી હોવાની ઓળખ આપીને શિકાર શોધતી હતી. લગ્નવાંછુ યુવક અને તેના પરિવારને પોતાની ટોળકીની યુવતી સાથે મુલાકાત કરાવતી હતી. ત્યારબાદ ખોટા સંબંધો બતાવીને અને લગ્નની શરતો નક્કી કરીને પૈસા તથા દાગીના પડાવતા હતા. લગ્ન માટે યુવતીના નામ, આધારકાર્ડ, એલસી (LC) જેવા દસ્તાવેજો પણ બનાવટી તૈયાર કરવામાં આવતા હતા. એક જગ્યાએ લગ્ન કરાવ્યા બાદ થોડા સમયમાં જ યુવતીને ત્યાંથી ભગાડી, બીજા શિકાર સાથે પરણાવી દેવામાં આવતી હતી.આ ટોળકીએ ગુજરાતના અનેક જિલ્લાઓના અનેક યુવાનોને આ રીતે લગ્નના બહાને છેતર્યા છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp