આપણે જેમને અભિનેતા ડેવિડ રૂપે ઓળખીયે છીએ તે ડેવિડ અબ્રાહમ ચેઉલકરનો આજે ૧૧૧મો જન્મ દિન. ૨૧ જૂન ૧૯૦૯ના રોજ તેમનો જન્મ. ડેવિડ જ્યુઇશ-ઇન્ડિયન હતા. મુંબઈના મરાઠી ભાષી ‘બેને ઈસરાએલ’સમાજના તેઓ સભ્ય. ચાર દાયકા સુધી વિસ્તરેલી તેમની કરિયરમાં તેમણે ૧૧૦થી વધુ ફિલ્મોમાં મુખ્યત્વે ચરિત્ર ભૂમિકાઓ ભજવી હતી.‘ઝામ્બો’ (૧૯૩૭)થી તેમણે અભિનય યાત્રા શરૂ કરી હતી. તેઓ તેમની ‘બૂટ પોલિશ’,‘ગોલમાલ’, ‘ખટ્ટા મીઠા’, કે ‘બાતો બાતો મે’ જેવી ફિલ્મોથી યાદ રહેશે. ‘બૂટ પોલિશ’ના અપાહિજ જ્હોન ચાચા રૂપે તેમને શ્રેષ્ઠ સહાયક અભિનેતાનો ૧૯૫૫નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો.એ ફિલ્મના ‘લપક ઝપક તુ આરે બદરિયા’ કે ‘નન્હેં મુન્ને બચ્ચે તેરી મુઠ્ઠી મેં ક્યા હૈ’ કે ‘ચલી કૌન સે દેશ’ જેવા શંકર જયકિશનના યાદગાર ગીતો ગાતા ડેવિડ યાદગાર હતા. તેજ રીતે હૃષીકેશ મુખર્જીની ‘અભિમાન’માં છુટા પડી રહેલા ગાયક દંપતીને એક વડીલ રૂપે જોડતા અને તેઓ ‘તેરે મેરે મિલન કી યે રૈના’ મંચ પર ગાતા ત્યારે વિંગ્સમાં ઉભેલા ડેવિડ પણ યાદગાર હતા.તો ‘ખટ્ટા મીઠા’માં પારસી પરિવેશવાળા ડેવિડ પણ મઝાના હતા.તેઓ એક સરખી આસાનીથી કોમિક અને ગંભીર ભૂમિકાઓ કરતા.
મોટે ભાગે ડેવિડ સારપ દર્શાવતા પાત્રો કરતા, ભાગ્યે જ ડેવિડ નકારાત્મક ભૂમિકા કરતા જોવા મળતા.અનેક ફિલ્મોની વાર્તાઓમાં જયારે ઉલઝન આવી જાય ત્યારે એક વડીલની ઠરેલતાની જરૂર પડતી અને ત્યારે ડેવિડ સાહેબ કાકા, વકીલ, ડોક્ટર જેવા સંબંધે આવીને કથાને સુપેરે આગળ વધારતા.એક દયાળુ કે સૌને મદદ કરનાર પાત્ર રૂપે ડેવિડે અનેક ભૂમિકાઓ કરી છે.
ડેવિડ મુંબઈ યુનિવર્સીટીના તે જમાનાના ૧૯૩૦ના આર્ટસ ગ્રેજ્યુએટ હતા. વ્યવસ્થિત કામ મેળવવાના ચક્કરમાં છ વર્ષ સુધી તેઓ કામ શોધતા રહ્યા અને પછી વ્યાવસાયિક અભિનેતા બની ગયા. એ દરમિયાનમાં તેઓ મુંબઈની ગવર્નમેન્ટ લો કોલેજમાંથી લો ગ્રેજ્યુએટ પણ થયા હતા. આખરે તેમના જેવા ત્યારના ચરિત્ર અભિનેતા નાયામપલ્લીની મદદથી ડેવિડ કેમેરા સામે પહોચી શક્યા હતા.
ડેવિડ ભારતીય જન મંચ સંઘ (ઇપ્ટા) સાથે સક્રિય રીતે સંકળાયા હતા. ત્યાંથી તેઓ અનેક કલાકારોના સંપર્કમાં હતા. ખ્વાજા અહમદ અબ્બાસના નાટકો અને પછી ફિલ્મોમાં પણ તેઓ અભિનય કરતા હતા. જેમાં ૧૯૫૭ની ‘પરદેસી’ ફિલ્મ તો પાલ્મે ડી ઓર આંતરરાષ્ટ્રીય ફિલ્મોત્સવમાં નામાંકિત થઇ હતી. તેમની ‘શહર ઔર સપના’ને ૧૯૬૪નો શ્રેષ્ઠ ફિલ્મનો નેશનલ ફિલ્મ એવોર્ડ મળ્યો હતો.તે ઉપરાંત અબ્બાસની ‘મુન્ના’ અને ‘ચાર દિલ ચાર રાહે’ જેવી ફિલ્મોમાં પણ ડેવિડે અભિનય કર્યો હતો.
ડેવિડની યાદગાર ભૂમિકાઓ માટે આપણે ‘ઝામ્બો’ (૧૯૩૭), નયા સંસાર,રાહી, બૂટ પોલિશ, ભાઈ ભાઈ, પરદેશી, અમર દીપ,એક ફૂલ ચાર કાંટે, સંગીત સમ્રાટ તાનસેન, હિમાલય કી ગોદ મેં, મમતા, અનુપમા, ઉપકાર, બમ્બઈ રાત કી બાંહો મેં, મેરે હુઝુર,સપનોં કા સૌદાગર, એક ફૂલ દો માલી, સત્યકામ, હાથી મેરે સાથી, અનુરાગ, અભિમાન, ચુપકે ચુપકે, શતરંજ કે ખિલાડી, ખટ્ટા મીઠા, સત્યમ શિવમ સુન્દરમ, હમારે તુમ્હારે, બાતો બાતો મેં, ગોલમાલ, ખુબસુરત, અને તેમના નિધન પછી રજૂ થયેલી ફિલ્મ ‘સંબંધ’ (૧૯૮૨)ને યાદ કરી શકીએ.
ડેવિડ સાહેબ ખુબ સારા મંચ સંચાલક પણ હતા. ૧૯૫૯થી ૧૯૭૫ સુધીના ગાળામાં અનેક મોટા કાર્યક્રમોના ઉદઘોષક રૂપે તેઓ જોવા મળતા. અનેક એવોર્ડ શોઝ કે અન્ય મહત્વના કાર્યક્રમોનું તેઓ સંચાલન કરતા. ત્યાં સુધી કે વડાપ્રધાન જવાહરલાલ નેહરુએ તેમના એક વક્તવ્યમાં કહ્યું હતું કે ડેવિડ સાહેબની સ્પિચ વિના પ્રસંગ અધુરો લાગતો હતો. તેમને રમતગમતનો પણ શોખ હતો. તેઓ સ્પોર્ટ્સનું પ્રમોશન કરતા. તેઓ ભારતના ‘ઓલિમ્પિક ગેમ્સ’ના પ્રતિનિધિ પણ બન્યા હતા. ૧૯૬૯માં ડેવિડને સરકારે પદ્મશ્રીનો ઈલ્કાબ આપીને તેમનું સન્માન કર્યું હતું. ડેવિડ આજીવન કુંવારા રહ્યા હતા.
૨૮ ડીસેમ્બર, ૧૯૮૧ના રોજ ૭૩ વર્ષની વયે ટોરોન્ટો, કેનેડામાં હૃદય રોગના હુમલામાં ડેવિડ અબ્રાહમનું નિધન થયું હતું.