સુખની વ્યાખ્યા શું? : સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત

સુખની વ્યાખ્યા શું? : સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત

10/19/2020 Magazine

બ્રિન્દા ઠક્કર
છોટી સી બાત
બ્રિન્દા ઠક્કર

સુખની વ્યાખ્યા શું? : સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત

હવે તું સુખ વિશેની માન્યતા બદલે તો સારું છે,
કિરણ લાવ્યો છું બસ, સૂરજ ઘરે લાવી નથી શક્તો.

~ ગૌરાંગ ઠાકર

આજે વાત કરવી છે સુખ-દુઃખની. આપણા જિંદગી પ્રત્યેના અભિગમની. ’જેવી દૃષ્ટિ એવી સૃષ્ટિ’ એવું આપણે અનેકવાર બોલીએ છીએ,બીજાને સલાહ આપતી વખતે તો જોરશોરથી કહીએ છીએ પણ એવી જ કોઈ સ્થિતિ આપણા જીવનમાં બને ત્યારે? ત્યારે દૃષ્ટિ આપણી પાસે હોતી નથી અને સૃષ્ટિ પ્રત્યે લગાવ રહેતો નથી.

આ વાત સમજાવવા એક નાનકડી વાર્તા કહું. મેં ઘણીવાર આ વાર્તા સાંભળી છે, વાંચી છે અને દરેક વખતે ભૂલાઈ ગયેલો અભિગમ પાછો મેળવ્યો છે. વાત મુલ્લા નસરુદ્દીનની છે.

એકવાર મુલ્લા નસરુદ્દીને એક માણસને જોયો. કોઈ રસ્તાની સાઈડમાં એ બેઠો હતો અને બહુ ઉદાસ લાગતો હતો. જાણે એના જીવનમાં કશું બચ્યું જ નહોતું. મુલ્લા હળવેથી તેની પાસે ગયા અને શાંતિથી પૂછ્યું કે ભાઈ શું થયું છે? પેલા માણસે કંટાળેલા સ્વરમાં જવાબ આપ્યો, ”જુઓ ભાઈ,આ જીવન મને સાવ નકામું લાગે છે. મારી પાસે દુનિયાની બધી જ સુખ-સગવડો છે, મિલકત છે, સ્વાસ્થ્ય પણ સારું છે અને છતાં મને કશું ગમતું જ નથી. કોઈ વસ્તુ કે પરિસ્થિતિ મને સુખ આપી નથી શકતી. છેલ્લે મેં એવું વિચાર્યું કે હું પ્રવાસ કરું, અને મને કશુંક એવું મળે જેમાં મને રસ પડે અથવા કશુંક એવું બને જેનાથી હું સુખી થઇ શકું, સુખ અનુભવી શકું.પણ તમે માનશો? મને પ્રવાસમાંથી પણ હજી કશું મળ્યું નથી. સાચે જ મારા જીવનમાં મને ક્યારેય સુખ નહી મળી શકે.”

આટલું સાંભળતા વેંત મુલ્લા નસરુદ્દીને તે ભાઈનો થેલો ઉપાડ્યો અને દોડવા લાગ્યા. પેલો માણસ તો હેબતાઈ ગયો અને મુલ્લાની પાછળ દોડવા લાગ્યો. મુલ્લા પોતે બહુ ઝડપથી દોડી રહ્યા હતા અને પેલો માણસ એમને જલ્દી આંબી શકે તેમ નહોતો. થોડે આગળ જઈને મુલ્લા નસરુદ્દીને થેલો રસ્તા પર જ મૂકી દીધો અને પોતે એક ઝાડ પાછળ સંતાઈ ગયા.

થોડીવારે પેલો હાંફતો-હાંફતો આવ્યો અને થેલો જોઇને બહુ જ ખુશ થયો,એને હાશકારો થયો.ખુશીથી ઝૂમી ઉઠ્યો.મુલ્લા આ જોઇને મુસ્કુરાયા,કે આખરે પેલાને સુખ દેખાયું ખરું!

આ વાત એક રીતે સાવ નાની અને સામાન્ય લાગે પણ માનવ મનની ગહેરાઈ અહીં સમજી શકાય છે. આજકાલ મોટાભાગે આપણે જોઈએ છીએ અને અનુભવીએ પણ છીએ કે લગભગ બધું જ હોવા છતાં માણસ ખુશ નથી.સતત દોડે છે, અંગત લોકોથી જોડાઈને રહી નથી શકતો,જેટલું પણ મળે એટલું ઓછું જ લાગે છે. અને આ ઇચ્છાઓની ખાઈ તો ક્યારેય અંત પામવાની નથી. અને એમાં ને એમાં એક દિવસ જિંદગી પૂરી થઇ જાય છે, પસાર થઇ જાય છે. પણ તમે ખરેખર એમાં જીવ્યા કેટલું?

 

મુલ્લા નસરુદ્દીનની આ વાતમાં પણ એ જ કહેવામાં આવ્યું છે કે આપણી પાસે આટલું બધું હોવા છતાં આપણને ક્યાંય સુખ દેખાતું નથી અને દુનિયામાં બીજા કેટલાં એવા લોકો છે જેમને બે ટાઇમનું જમવાનું પણ નસીબ નથી થતું! અનેક લોકોના ઘરમાં પૈસાના અભાવે છોકરાઓ દર દિવાળીએ નવા કપડાં નથી લઇ શકતાં, સારી સ્કૂલમાં ભણી નથી શકતાં અને બીમાર-ઘરડાં માતાપિતાનો સરખો ઈલાજ નથી થઇ શકતો! અને આપણે આટલું હોવા છતાં જીવનને કોસતા કરીએ છીએ. આ બધું જ આપણા અભિગમને લીધે થાય છે. આપણું જ મન સુખ જોઈ નથી શકતું અને દુઃખને શોધ્યા કરે છે. કોઈ એક ઘટનાને એક વ્યક્તિ સારા મનથી જુએ તો એ સુખી અને એ જ ઘટના નેગેટીવ માણસને દુઃખી-દુઃખી કરી નાંખે! અજબ વાત છે!

કદાચ આઠમા ધોરણમાં એક કવિતા આવતી, સાંઈ મકરંદ એટલે કે મકરંદ દવેની. મને અતિશય પ્રિય. આ કવિતાનો રાગ પણ હજી યાદ છે ને કેટલીયે વાર મન આ કવિતા ગણગણે છે. કવિતાનું શીર્ષક છે ‘ધૂળિયે મારગ.’

કોણે કીધું ગરીબ છીએ? કોણે કીધું રાંક?
કાં ભૂલીજા, મન રે ભોળા ! આપણા જુદા આંક.

થોડાક નથી સિક્કા પાસે, થોડીક નથી નોટ.
એમાં તે શું બગડી ગયું? એમાં તે શી ખોટ?

ઉપરવાળી બેંક બેઠી છે આપણી માલંમાલ,
આજનું ખાણું આજ આપેને કાલની વાતો કાલ

ધૂળિયે મારગ કૈંક મળે જો આપણા જેવો સાથ
સુખદુ:ખોની વારતા કે’તા, બાથમાં ભીડી બાથ.

ખુલ્લાં ખેતર અડખે પડખે આઘે નીલું આભ,
વચ્ચે નાનું ગામડું બેઠું; ક્યાંય આવો છે લાભ?

સોનાની તો સાંકડી ગલી, હેતુ ગણતું હેત;
દોઢિયા માટે દોડતા જીવતા જોને પ્રેત

માનવી ભાળી અમથું અમથું આપણું ફોરે વ્હાલ,
નોટને સિક્કા નાખ નદીમાં ધૂળિયે મારગ ચાલ

 

તો બસ, આ વાત છે. ખરેખર જીવનમાં શું મહત્વનું છે-તેટલું પણ જો સમજાઈ જાય તો આ ખોટી ભાગદોડ અને અસંતોષી સ્વભાવથી છુટકારો મળી શકે હોં!

નઝર બદલીએ,નઝરીયા ખુદ બદલ જાયેગા


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top