કોવિડ-19 અને શેરબજારના જોખમ સમજીને જ આગળ વધવામાં સાર

કોવિડ-19 અને શેરબજારના જોખમ સમજીને જ આગળ વધવામાં સાર

06/22/2020 Business

જયેશ ચિતલીયા
માર્કેટ ટ્રેન્ડ
જયેશ ચિતલીયા
ફાયનાન્સીયલ એક્સપર્ટ

કોવિડ-19 અને શેરબજારના જોખમ સમજીને જ આગળ વધવામાં સાર

શેરબજાર  દિમાગ ડાયજેસ્ટ  કરે તેવી ચાલ બતાવી રહયું છે. માત્ર સેન્ટીમેન્ટ પર બજાર વધી રહયું છે. રોકાણકારોને વધતા બજારને જોઈ સવાલ થઈ રહયા છે કે આવા સંજોગોમાં બજાર કઈ રીતે વધે છે? જો કે સવાલોના કોઈ સ્પષ્ટ ઉત્તર નથી. વાસ્તે સાવચેતી સાથે લાંબા ગાળાનું રોકાણ કરવામાં સાર. બાકી, ટુંકાગાળાનો લાભ લેવા ચોકકસ ભંડોળ સાથે લે-વેચ કરી શકાય. પોતાના હિસાબે અને જોખમે. જેથી ટુંકા ગાળામાં નફો બુક કરવાની તક મળે તો કરી શકાય.

 નકકર પોઝિટિવ કારણ વિના વધેલા બજાર પાસે કરેકશન સિવાય કોઈ વિકલ્પ નહોતો.  ગયા સોમવારે તેનો વધુ એક સચોટ  પુરાવો જોવાયો, સેન્સેકસ 552 પોઈન્ટ તૂટી 33,228 અને નિફટી 159 પોઈન્ટ તુટીને 9813 બંધ રહયા હતા. કોરોના ઈન્ફેકશનનો  બીજો આક્રમક સપાટો શરૂ થવાના સમાચારે-સંકેતે વેચાણનું દબાણ વધારી દીધું હતું. ગ્લોબલ સંકેતોમાં પણ નબળાઈ હતી. આગલા સપ્તાહમાં 10,000 વટાવી ગયેલો નિફટી હાલ તો 10 હજારની નીચે અથવા આસપાસ  જ રહે એવા સંકેત છે.  જો કે મંગળવારે બજારે નવા  ગ્લોબલ સંકેતને પરિણામે પોઝીટિવ  ટર્ન લઈ દિવસની શરૂઆત કરી હતી, જેમાં સેન્સેકસ 700 પોઈન્ટ ઉપર ઉછળી ગયો હતો. યુએસ ફેડરલ રિઝર્વ તરફથી કોર્પોરેટ  બોન્ડ બાઈંગના અહેવાલને પગલે યુએસ સેન્ટીમેન્ટમાં સકારાત્મક સુધારો  નોંધાયો હતો. જેની અસર રૂપે ભારતીય શેરબજારમાં પણ ઉછાળો જોવાયો હતો, પરંતુ આ ઉછાળો થોડીવારમાં જ નીચે ઉતરવા લાગ્યો હતો. જેનું કારણ કોવિડ-19 ઈન્ફેકશનનો ફરી મોટેપાયે હુમલો આવવાના સંકેત હતા. ખાસ કરીને ભારતમાં આ આક્રમણ સ્વરૂપે કોવિડ અસરગ્રસ્ત લોકોની સંખ્યામાં જબ્બર વધારો થવાની શકયતા વ્યકત થઈ હતી. આ બધા સંકેત એક વૈશ્વિક અભ્યાસમાં બહાર આવ્યા હતા.  આ ઉપરાંત ચીન સાથેના ભારતના સીમા વિવાદની પણ બજાર પર નેગેટિવ અસર થઈ હતી, જેને કારણે માર્કેટ વધ્યા બાદ ફરી ઘટયું હતું. જો કે અંતમાં માર્કેટ પોઝિટિવ બંધ થયું હતું. સેન્સેકસ 376 પોઈન્ટ પ્લસ રહી 33,605 અને નિફટી 100 પોઈન્ટ પ્લસ રહી 9914 બંધ રહયા હતા. રોકાણકારોનું ધ્યાન ગ્લોબલ સંજોગો પર છે. પ્રવાહિતાને કારણે માર્કેટમાં વૃધ્ધિ સંભવ છે. જો કે તેને ફંડામેન્ટલ્સ ગણી શકાય નહીં.


પ્રવાહિતાની પોઝિટિવ અસર

બુધવારે બજારે સાધારણ ઘટાડા સાથે આરંભ કર્યો હતો. ચીન સાથેના સીમા વિવાદની અસર ચાલુ હોવાથી માર્કેટમાં થોડા ગભરાટ અને સાવચેતીનું વલણ હતું. અંતમાં સેન્સેકસ 97 પોઈન્ટ અને નિફટી 33 પોઈન્ટ માઈનસ બંધ રહયા હતા. જો કે ગુરુવારે બજારે નવો જ વળાંક લીધો હતો. શરૂઆત નબળી કર્યા બાદ સેન્સેકસ અંતમાં 700 પોઈન્ટ પ્લસ બંધ રહીને 34 હજારને પાર  અને નિફટી 210  પોઈન્ટ પ્લસ રહી ફરીવાર 10 હજારને પાર કરી ગયો હતો. એક દિવસમાં માર્કેટ કેપ આશરે બે લાખ કરોડ રૂપિયા વધી ગયું હતું. નિફટી ટેકનિકલ દ્રષ્ટિએ  પણ બુલિશ ટ્રેન્ડ બતાવતો હોવાની ચર્ચા હતી. બેંક ઓફ ઈંગ્લેન્ડે 100 અબજ પાઉન્ડ (125  અબજ ડોલર) નું સ્ટીમ્યુલસ પેકેજ જાહેર કરતા તેની પોઝિટિવ અસર જોવાઈ હતી. વાસ્તવમાં કોવિડ-19ના આક્રમણની અસર રૂપે બ્રિટનનો 18 વરસનો ગ્રોથ માત્ર બે મહિનામાં જ ધોવાઈ ગયો હતો. યુએસ ફેડરલ રિઝર્વે  તેના કોર્પોરેટ બોન્ડ બાઈંગ મારફત ઈકોનોમીને બુસ્ટ આપવાની ઘટના બાદ ઈંગ્લેન્ડ તરફથી આ નવું પેકેજ આવતા ગ્લોબલ ઈકોનોમીને વધુ એક સકારાત્મક પરિબળ પ્રાપ્ત થયું હતું.  વાસ્તવમાં દરેક દેશ તેના અર્થતંત્રને રિવાઈવ કરવા માટે સિસ્ટમમાં પ્રવાહિતા વધારી રહયો છે,અર્થાત  નાણાંની ઉપલબ્ધિ વધારી રહયો છે. જે મુળભુત રીતે ઈકોનોમી માટે છે, પરંતુ તેની અસર ઈકોનોમી પર થતા પહેલાં માર્કેટ પર તરત થઈ જાય છે, આ પરિબળ સેન્ટીમેન્ટને સુધારવાની ભુમિકા ભજવે છે. ભારતમાં પણ સરકાર  પ્રવાહિતા વધારવામાં સતત સક્રિય રહી છે, ધિરાણ ઉપલબ્ધિ પણ વધારાઈ રહી છે, જો કે આર્થિક સંજોગો હજી એટલા ફેવરેબલ બન્યા નથી. બેંકો પાસે નાણાં ભરપુર છે, પરંતુ ધિરાણ લેવા માટેની ડિમાંડ નથી. જેમની ડિમાંડ છે એમને બેંકો સંભવિત જોખમને ધ્યાનમાં રાખી  ધિરાણ આપતા ખચકાય છે.  ગુરુવારે મોદી સરકાર દ્રારા કોલસા બાબતે  ખાનગીકરણનો નિર્ણય લેવાતા, તેની પણ પોઝિટિવ અસર માર્કેટ પર થઈ હતી.


પોઝિટિવ ટ્રેન્ડ જળવાઈ રહયો

પોઝિટિવ ટ્રેન્ડ જળવાઈ રહયો

શુક્રવારે માર્કેટની શરૂઆત પોઝીટિવ થઈ હતી.  એકતરફ ભારત ચીન સાથે સીમા વિવાદમાં છે, જેને પરિણામે  ભારતમાં ચીન પ્રત્યે આક્રોશ વધી રહયો છે, જયારે બીજીતરફ યુએસએનો ચીન સાથે વેપાર વિવાદ પણ વધતો રહયો છે. યુએસ પ્રેસિડન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીનને સંપૂર્ણ  ડિકપલ (નાતો-વ્યવહાર સાવ જ બંધ  કરવાની દરખાસ્ત) કરવાનું નિવેદન કર્યુ હતું. આ નિવેદનની ગંભીર અસર શકય છે. તેમછતાં  શુક્રવારે  સેન્સેકસ 523 પોઈન્ટ અને નિફટી વધીને અનુક્રમે 34,731 અને 10,244 બંધ રહયા હતા. આમ સેન્સેકસે 34 હજારની ઉપર તેમ જ  નિફટી 10 હજારની ઉપર જળવાઈ રહયા હતા. આમ આગલા શુક્રવારની જેમ આ વિતેલા શુક્રવારે પણ બજાર ઊંચું પોઝિટિવ બંધ રહયું હતું.  જો કે બજાર પોઝીટિવ રહેવામાં નોંધપાત્ર ફાળો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝનો હતો. જેણે તેના શેરધારકો સાથે બજારને પણ  બુલિશ ટ્રેન્ડમાં મુકી દીધું હતું.


ગણતરી પૂર્વકનું જોખમ

આમ બજાર અમુક દિવસ વધે છે , જયારે અમુક દિવસ ઘટે છે. જો કે માર્કેટ માટે આશાવાદનું પ્રમાણ ઊચું રહે છે  તેમ જ ગ્લોબલ પરિબળ વધુ ભુમિકા ભજવતા રહે છે.  જેથી ફાઈનલી, વિશ્વમાં કોવિડ-19ની સ્થિતી, નવેસરથી આક્રમણની શકયતા, વિવિધ દેશોના આર્થિક સંજોગો વગેરે બાબત પર બજારના ટ્રેન્ડનો આધાર રહેશે.  જો કે અર્થતંત્ર અને બજાર સામે અનિશ્રિંતતાના અવરોધની એટલી મોટી  દિવાલ ઊભી થઈ ગઈ છે, જે બજારને કોઈ હિસાબે  ઠરીઠામ થવા દેશે નહીં. તેથી જેઓ ટુંકા ગાળામાં લે-વેચ કરીને નફો બુક કરવાની  ઈચ્છા ધરાવતા હોય તેઓ ચોકકસ ફંડ બાજુએ  રાખી તે ફંડ સાથે ગણતરીપૂર્વકનું જોખમ લઈ શકે.


કોવિડ અને શેરબજારના જોખમ

કોવિડ અને શેરબજારના જોખમ

જો તમે કોવિદ-19 સામે લડવા તૈયાર હો, અર્થાત કોવિદ સામે જોખમ લેવા તૈયાર હો તો જ શેરબજારમાં ઈન્વેસ્ટમેન્ટનું જોખમ લેજો. તમને થશે કે કોવિદનું જોખમ અને બજારના જોખમ તો  જુદા-જુદા છે, પરંતુ જયાંસુધી કોવિદની તલવાર લટકે છે ત્યાંસુધી બજારને વેગ નહી મળી શકે. કોવિદના ભયથી અને તેની અસરથી આર્થિક પ્રવૃતિઓને પર્યાપ્ત બુસ્ટ નહી મળે એ નિશ્રિંત  છે. ત્યાંસુધી અર્થતંત્રને વેગ નહી મળી શકે. કોવિદ સાથે જીવતા જગત ટેવાતું જશે અને આર્થિક પ્રવૃતિઓ ગતિ પકડતી જશે તેમ સુધારા દેખાવાના શરૂ થશે. ત્યાંસુધી અનિશ્રિંતતાનું  રાજ રહેશે. કોવિદનો સામનો કરવા માટે  તમારી ઈમ્યુનિટી મજબુત હોવી જરૂરી છે તેમ શેરોના જોખમનો સામનો કરવાની  તમારી ક્ષમતા પણ મજબુત હોવી જોઈએ. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે કોવિદનો ઈલાજ છે. સારા-સ્વસ્થ થઈ શકાય છે, લાખો લોકો તેની અસર પામ્યા છે, તો કરોડો લોકો સાજા અને સ્વસ્થ પણ થયા છે. તેમ શેરબજારમાં રોકાણના જોખમનો પણ ઈલાજ હોય છે. સૌથી મોટો ઈલાજ  માત્ર લાંબા ગાળાના લક્ષ્ય સાથે જ રોકાણ કરવાનો છે.  શેરબજારમાં સફળ થવાનો એક માત્ર માર્ગ જ આ છે. અલબત્ત, તમારી શેરની પસંદગી સારી અને સાચી હોવી જોઈએ. જો તેમાં કોઈ ભુલ થઈ પણ ગઈ હોય તો આ સમય તેને સુધારી લેવાનો ગણવો જોઈએ. વર્તમાન સંજોગોમાં ફાર્મા, આઈટી અને ટેલીકોમ સેકટર માટે સ્કોપ વધુ છે. બાકી બેન્કિગ-ફાઈનાન્સીયલ સેકટરમાં અનિશ્રિંતતા રહેશે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top