ભાજપના મંત્રી કપિલ મિશ્રાની મુશ્કેલીમાં થશે વધારો, આ કેસમાં FIR નોંધવા કોર્ટે આપ્યો આદેશ
Delhi Riots 2020: દિલ્હી રમખાણો સંબંધિત એક કેસમાં, રાઉઝ એવન્યૂ કોર્ટે મંત્રી કપિલ મિશ્રા વિરુદ્ધ FIR નોંધીને વધુ તપાસ કરવાનો નિર્દેશ આપ્યો છે. આ આદેશ મોહમ્મદ ઇલિયાઝ નામના વ્યક્તિ દ્વારા દાખલ કરવામાં આવેલી અરજી પર આપવામાં આવ્યો છે, જેમાં તેણે દિલ્હીના મંત્રી કપિલ મિશ્રા અને અન્ય લોકો વિરુદ્ધ FIR નોંધવાની માગ કરી હતી.
દિલ્હી પોલીસે કપિલ મિશ્રા વિરુદ્ધ FIR નોંધવાનો વિરોધ કર્યો છે અને કોર્ટને કહ્યું છે કે, તેમને ફસાવવા માટે ષડયંત્ર રચવામાં આવી રહ્યું છે. પોલીસના જણાવ્યા અનુસાર, આ કેસમાં યોગ્ય તપાસ થઈ ચૂકી છે અને કોઈ નક્કર પુરાવાના અભાવમાં મંત્રી કપિલ મિશ્રા વિરુદ્ધ FIR નોંધવી બિનજરૂરી રહેશે. જો કે, આ દલીલને ફગાવી દેતા કોર્ટે દિલ્હી પોલીસને FIR નોંધવા અને કેસની તપાસ આગળ વધારવાનો આદેશ આપ્યો હતો. મોહમ્મદ ઇલિયાસ નામના વ્યક્તિએ ઓગસ્ટ 2024માં અરજી દાખલ કરી હતી. અરજીમાં દાવો કરવામાં આવ્યો હતો કે, 23 ફેબ્રુઆરી 2020ના રોજ તેણે કપિલ મિશ્રા અને તેમના સમર્થકોને દિલ્હીના કર્દમપુરી વિસ્તારમાં રસ્તો બ્લોક કરતા જોયા હતા. ઇલિયાસે એવો પણ આક્ષેપ કર્યો હતો કે તેણે વાહનોને તોડતા જોયા હતા.
અરજીમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર-પૂર્વ દિલ્હીના તત્કાલિન નાયબ પોલીસ કમિશનર અને અન્ય પોલીસ અધિકારીઓ પણ ઘટનાસ્થળે હાજર હતા અને કપિલ મિશ્રાની બાજુમાં ઊભા હતા. સાથે જ એવો પણ આરોપ છે કે, કપિલ મિશ્રાએ પ્રદર્શનકારીઓને ધમકી આપતા કહ્યું હતું કે, જો તેઓ જગ્યા ખાલી નહીં કરે તો પરિણામ ભોગવવા માટે તૈયાર રહે. કોર્ટના આદેશ બાદ હવે દિલ્હી પોલીસે આ મામલે FIR નોંધીને વિગતવાર તપાસ કરવી પડશે. કોર્ટના આ આદેશને કપિલ મિશ્રા માટે મોટો ઝટકો માનવામાં આવી રહ્યો છે. ફેબ્રુઆરી 2020માં ઉત્તર-પૂર્વ દિલ્હીમાં રમખાણો થયા હતા, જેના પરિણામે 53 લોકોના મોત થઇ ગયા હતા અને 200 થી વધુ લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp