લોકસભામાં પાસ થયું વક્ફ સંશોધન બિલ, જાણો પક્ષ અને વિપક્ષમાં કેટલા વોટ પડ્યા?
Waqf Amendment Bill 2025: ગુરૂવારે લોકસભામાં વક્ફ સંશોધન અધિનિયમ પાસ કરી દેવામાં આવ્યો છે. કેન્દ્રીય લઘુમતી બાબતોના મંત્રી કિરેન રિજિજૂએ બુધવારે લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું. આ બિલને લઈને સત્તા પક્ષ અને વિપક્ષ વચ્ચે આખો દિવસ ચર્ચા ચાલી હતી. બિલ પર ચર્ચા માટે લોકસભાની કાર્યવાહી પણ લંબાવવામાં આવી હતી. અંતે મોડી રાત્રે વક્ફ સંશોધન અધિનિયમ પર મતદાન થયું અને બિલ પાસ થઇ થયું.
લોકસભામાં વક્ફ સંશોધન અધિનિયમ પસાર કરવા માટે થયેલા અંતિમ મતદાનમાં બિલની તરફેણમાં કુલ 288 મત પડ્યા હતા. તો, બિલના વિરોધમાં 232 મત પડ્યા હતા. આ સાથે વિપક્ષના તમામ સંશોધન ફગાવી દેવામાં આવ્યા છે. હવે આ બિલ રાજ્યસભામાં જશે, જ્યાં તેની ચર્ચા થશે અને પછી તેને પાસ કરાવવા માટે મતદાન થશે.
વક્ફ સંશોધન બિલના મુદ્દે લોકસભામાં AIMIM પાર્ટીના વડા અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે, "આ બિલમાં વક્ફ અલ ઔલાદના નિયમ આર્ટિકલ 25નું ઉલ્લંઘન છે. આ અધિનિયમ દેશમાં હિંદુ અને મુસ્લિમો વચ્ચે વિવાદ ઉભો કરવા માટે લાવવામાં આવ્યો છે. બંને ધર્મના લોકો વચ્ચે વિવાદ વધારવા માટે લાવવામાં આવ્યો છે. આ બિલનો હેતુ માત્ર મુસ્લિમોને અપમાનિત કરવાનો છે અને બીજા દરજ્જાના નાગરિક બનાવવાનો છે. મહાત્મા ગાંધીએ દક્ષિણ આફ્રિકાના કાયદાને ફાડી દીધો હતો, તો હું પણ તેને પણ ફાડું છું. આટલું કહ્યા બાદ અસદુદ્દીન ઓવૈસીએ બંધારણ સંશોધન બિલની નકલ ફાડી નાખી હતી.
વક્ફ સંશોધન બિલ પર સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ના અધ્યક્ષ અને ભાજપના સાંસદ જગદંબિકા પાલે લોકસભામાં ચાલી રહેલી ચર્ચા દરમિયાન કહ્યું હતું કે, "અસદુદ્દીન ઓવૈસી આ બિલને ગેરબંધારણીય ગણાવે છે, પરંતુ તેમણે બિલને ફાડીને ગેરબંધારણીય કામ કર્યું છે. હું તેમને પૂછવા માગુ છું કે તેમણે બિલ કેમ ફાડ્યું?"
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp