પરષોત્તમ રૂપાલાના વિવાદ અંગે સી.આર.પાટીલની ક્ષત્રિય સમાજને અપીલ, કહ્યું- સમાજ રૂપાલાને મોટું મન રાખી માફ કરે! જાણો વિગતે
રૂપાલાની ટીપ્પણી બાદ પ્રથમ વખત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલે રાજપૂત સમાજને અપીલ કરતા કહ્યુ છે કે, રૂપાલાથી ભૂલ થઈ ગઈ તેમણે માફી પણ માગી છે. રૂપાલાને ક્ષત્રિય સમાજ માફ કરે. નોધનીય છે કે, લોકસભા ચૂંટણી સમયે પરષોત્તમ રૂપાલાના ક્ષત્રિય સમાજ વિશેના નિવેદન બાદ ભારે રોષ પ્રસર્યો છે. ડેમેજ કન્ટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહેલા ગુજરાત ભાજપે હાલ ગાંધીનગરમાં રાજપૂત આગેવાનો સાથે બેઠક યોજી હતી. જેના બાદ પ્રેસ કોન્ફરન્સ સંબોધીને સીઆર પાટીલે કહ્યું હતું કે, ક્ષત્રિય સમાજે મોટું મન રાખીને રૂપાલાને માફ કરી દેવા જોઈએ. તેમણે ત્રણેકવાર માફી માંગી છે. તેમજ પાટીલે અંતે એમ પણ કહ્યું કે, રાજકોટમાં ઉમેદવાર તરીકે પરસોત્તમ રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી.
પાટીલે કહ્યું કે, રાજકોટમાં રૂપાલાને બદલવાની કોઈ જરૂરિયાત નથી. અમે સમાજના રોષ વિશે સાંભળીશું. વાતાવરણ સરળ બને તેવા પ્રયાસ કરીશું. અમારી આજે અઢી ત્રણ કલાક જેટલી મીટિંગ ચાલી હતી. જવાબદારી નક્કી કરાઈ છે. જલ્દીથી આ વિવાદનો નિવેડો આવે તેવો પ્રયાસ કરીશું. સમાજને વિનંતી છે કે, ભૂલ થઈ છે, માફી મંગાઈ છે, પણ સમાજ પોતાનો રોષ શાંત કરીને પાર્ટીની સાથે જોડાય. ક્ષત્રિય સમાજ વર્ષોથી પાર્ટી સાથે રહ્યો છે.
ક્ષત્રિય સમાજના કદાવર નેતા શંકરસિંહ વાઘેલાએ પરષોત્તમ રૂપાલા વિવાદમાં ગાંધીનગર ખાતે પ્રેસ કોન્ફરન્સ કરીને સરકાર અને પરષોત્તમ રૂપાલા પર પ્રહાર કર્યા હતા. શંકરસિંહ વાઘેલાએ વિવાદને લઇ ક્ષત્રિય સમાજ અંગે નિવેદન આપતા કહ્યુ હતું કે, પરષોત્તમ રૂપાલાને નહી બદલે તો એના માટે ભાજપ હાઈકમાંડ જવાબદાર રહેશે. જાહેર જીવનમાં બોલવા પર ધ્યાન રાખવું પડે, દ્રૌપદી પર આંધળી બાબતે નિવેદન થયુ પછી મહાભારત થયું હતું. 'રજવાડાઓનું મ્યૂઝિયમ ન બનાવ્યું પણ હવે બેન-દીકરીઓ વિશે નિવેદન કરનારા સામે કોઈ કાર્યવાહી નહી કરી તેનો રોષ સમાજમાં છે. પોલીસે બહેનોને અરેસ્ટ કરવાની કોશિશ કરી છે. સરકારે દાઝ્યા પર ડામ આપીને સમાજના કાર્યકરોની ધરપકડ કરે એ સારી નિશાની નથી.
પરષોત્તમ રૂપાલાએ જાહેરમાં માફી માગી હોવા છતાં ગુજરાતના ક્ષત્રિય સમાજમાં વિરોધ યથાવત છે. રાજકોટથી રૂપાલાનો વિરોધ શરૂ થયો જે ધીરેધીરે મહેસાણા જિલ્લો, બનાસકાંઠા, સાંબરકાંઠા, મોરબી જિલ્લાના વાંકાનેર, સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી અને સુરત જિલ્લાના માંગરોળમાં ક્ષત્રિય સમાજે પણ રૂપાલાના નિવેદન મામલે વિરોધ વ્યક્ત કર્યો હતો. શ્રી રાષ્ટ્રીય રાજપૂત કરણી સેનાના શીલા શેખાવત દ્વારા રુપાલાની ટીપ્પણીને વખોડી છે અને રૂપાલાની ટીકીટ રદ કરવા માંગણી કરવામાં આવી છે. રાજકોટ બેઠક પરથી પરષોત્તમ રૂપાલાને બદલવાની માગ સાથે ક્ષત્રિય સમાજે આવેદનપત્ર આપ્યુ હતુ. રાજકોટમાં ઉમેદવાર નહીં બદલે તો ભાજપ વિરોધી મતદાન કરવાની ક્ષત્રિય સમાજે ચીમકી આપી હતી.
ગમે તમે કરીને રૂપાલાનો વિવાદ શાંત થઈ જ નથી રહ્યો, ઉપરથી વધી રહ્યો છે, ત્યારે સી આર પાટીલના નિવાસસ્થાને આ મુદ્દે મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ભાજપના ક્ષત્રિય આગેવાનો હાજર રહ્યા હતા. આ બેઠકમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, કેબિનેટ મંત્રી બળવંતસિંહ રાજપુત, પૂર્વ કેબિનેટ મંત્રી અને ભાજપના વરિષ્ઠ આગેવાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા, આઈ કે જાડેજા, પ્રદિપસિંહ જાડેજા, કીરીટસિહ રાણા સહિતના આગેવાનો હાજર રહ્યાં હતા. તેમજ ભાજપના સંગઠન મહામંત્રી રત્નાકર પણ જોડાયા હતા. ભાજપના મહામંત્રી રજની પટેલ પણ પ્રદેશ અધ્યક્ષના નિવાસ્થાને પહોંચ્યા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp