પાકિસ્તાનને લોન આપવાને લઈને IMFએ કર્યો પોતાનો બચાવ, જણાવ્યું- કેમ આપ્યા પૈસા
ભારત અને પાકિસ્તાન વચ્ચેના તણાવ વચ્ચે, આંતરરાષ્ટ્રીય નાણાકીય ભંડોળ (IMF)એ પાકિસ્તાનને લોન આપવાની જાહેરાત કરી હતી. 9 મેના રોજ, IMF એ પાકિસ્તાનને 1 બિલિયન ડોલરની વધારાની લોન મંજૂર કરી હતી. હવે આ બેલઆઉટ પેકેજનો બચાવ કરતા IMFએ કહ્યું કે તેનું બોર્ડ આ વાતથી સંતુષ્ટ છે કે પાકિસ્તાને લોન મેળવવા માટે તમામ નિયમોનું પાલન કર્યું છે.
IMFનું આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ભારતે આતંકવાદ માટે આશ્રયસ્થાન બનેલા પાકિસ્તાનના રાહત પેકેજનો વિરોધ કર્યો છે. ભારતે IMFને અપીલ કરી હતી કે પાકિસ્તાનને લોન ન આપે કારણ કે પાકિસ્તાન આ પૈસાનો ઉપયોગ આતંકવાદને પ્રોત્સાહન આપવા માટે કરી શકે છે. થોડા દિવસો અગાઉ, રક્ષા મંત્રી રાજનાથ સિંહે પણ કહ્યું હતું કે પાકિસ્તાન IMF તરફથી મળેલી લોનમાંથી 14 કરોડ રૂપિયા મસૂદ અઝહરને આપશે.
પાકિસ્તાનને 1 બિલિયન ડોલર (લગભગ 8,500 કરોડ રૂપિયા)ની નવી લોન સપ્ટેમ્બર 2024માં મંજૂર કરાયેલ વિસ્તૃત ભંડોળ સુવિધા (EFF) હેઠળ સહાય પેકેજનો એક ભાગ છે, જે કુલ 7 બિલિયન ડોલર જેટલી છે. અત્યાર સુધીમાં પાકિસ્તાનને આ હેઠળ 2.1 બિલિયન ડોલર મળી ચૂક્યા છે.
એક પ્રેસ બ્રીફિંગ દરમિયાન IMFએ જણાવ્યું હતું કે નવી લોન મંજૂર કરવા અગાઉ પહેલા નિયમિત સમીક્ષાઓ કરવામાં આવે છે જેથી સુનિશ્ચિત કરી શકાય કે દેશ સહમત યોજનાનું પાલન કરી રહ્યા છે કે નહીં. IMFએ બિઝનેસ ટૂડે ટી.વી.ને જવાબ આપતા કહ્યું કે પાકિસ્તાનના કિસ્સામાં, અમારું બોર્ડ સંતુષ્ટ છે કે પાકિસ્તાને વાસ્તવમાં બધા લક્ષ્યો પ્રાપ્ત કર્યા છે. IMFએ વધુમાં જણાવ્યું હતું કે સમીક્ષા મૂળ રૂપે 2025ની શરૂઆતમાં કરવાની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ તેને સમયા પહેલા જ પૂરા કરી લેવામાં આવ્યા કેમ કે પાકિસ્તાને ઝડપથી તમામ માપદંડો પૂર્ણ કર્યા.
IMF કોમ્યુનિકેશન વિભાગના ડિરેક્ટર જુલી કોઝેકે જણાવ્યું કે પૈસાનો ઉપયોગ કેવી રીતે કરવામાં આવે છે. બિઝનેસ ટૂડે ટી.વી. સાથે વાત કરતા, તેમણે કહ્યું કે, ‘હું તમને આ સમજવામાં મદદ કરવા માટે 3 મહત્ત્વપૂર્ણ મુદ્દાઓ જણાવવા માગુ છું. IMF ભંડોળનો હેતુ માત્ર ચૂકવણી સંતુલનના મુદ્દાઓને ઉકેલવાનો છે.
પાકિસ્તાનને આપવામાં આવતા તમામ બેલઆઉટ પેકેજ સીધા સેન્ટ્રલ બેન્કના રિઝર્વમાં જાય છે. આ પૈસા સરકારી બજેટ માટે ઉપયોગમાં લેવાતા નથી. જોકે, કેન્દ્રીય બેન્ક તરફથી સરકારને ધિરાણ આપવાની કોઈ મર્યાદા નથી. જો શરતો પૂરી કરવામાં કોઈ ભૂલ થાય છે, તો આગળ લોન નહીં આપી શકાય.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp