ડીસા બ્લાસ્ટ કેસ: 18 લોકોના એક સાથે નર્મદા કિનારે કરાવ્યા અંતિમ સંસ્કાર, આ ગામના પરિવારજનોને તો મોઢું જોવાનું પણ નસીબ ન થયું
Deesa Blast Case: થોડા દિવસ અગાઉ બનાકાંઠાના ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેમાં 21 લોકોના જીવ હોમાઈ ગયા. 21 મૃતકોમાંથી 19 લોકોની ઓળખ થઈ ચૂકી હતી, પરંતુ 2 લોકોની હાલત એટલી ખરાબ થઈ ગઈ હતી કે તેમની ઓળખ થઈ શકી નથી. આ લોકોનું DNA પરીક્ષણ કરવામાં આવશે અને ત્યારબાદ આ લોકોની ઓળખ થઈ શકશે. આ બંને મૃતકોના શબ હજી પણ ગુજરાતમાં જ છે.
8 જેટલા મજૂરો ઇજાગ્રસ્ત થયા હતા, જેમની હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે, અને તેમાંથી 2 લોકોની હાલત ગંભીર હોવાનું કહેવામાં આવી રહ્યું છે. મંગળવારે ફટાકડાની ફેક્ટરીમાં થયેલો બ્લાસ્ટ એટલો જબરદસ્ત હતો કે, ત્યાની દીવાલ પણ ધ્વસ્ત થઈ ગઈ હતી. કેટલાક મજૂરોના શરીરના અંગ તો 50 મીટર દૂર ફંગોળાઈ ગયા હતા. આ ગેરકાયદેસર ફેક્ટરીની પાછળ આવેલા ખેતરોમાંથી પણ માનવ અંગ મળ્યા હતા.
આ દુર્ઘટનામાં હંડિયાના 8 અને દેવાસના સંદલપુરના 9 મજૂરોના મોત થઇ ગયા હતા. તો બીજી તરફ ખાતેગાંવના કોન્ટ્રાક્ટરે પણ જીવ ગુમાવ્યો હતો. 8 મજૂરોની સારવાર ચાલી રહી છે. તેમાંથી 3ની હાલત ગંભીર છે. આ કેસમાં પોલીસે ફેક્ટરીના માલિક ખૂબચંદ રેણુમલ મોહનની (સિંધી) અને તેનો પુત્ર દીપકની ધરપકડ કરી છે. જેમની સામે મનુષ્યવધની સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.
નર્મદા ઘાટ (નેમાવર) પર મૃતદેહોને અગ્નિસંસ્કાર કરવામાં આવ્યો હતો. દેવાસના મજૂરોના મૃતદેહ પહેલાં તેમના પૈતૃક ગામ સંદલપુર લઇ જવામાં આવ્યા હતા. ત્યાં પરિવારજનો અને સંબંધીઓએ અંતિમ દર્શન કર્યા બાદ તમામ મૃતદેહોને નેમાવર ઘાટ લઇ જવામાં આવ્યા હતા. તો બીજી તરફ હરદાના હંડિયાના લોકોના મૃતદેહોને ગુજરાતથી સીધા નેમાવર ઘાટ લઇ જવામાં આવ્યા હતા. સ્થાનિક વહિવટી તંત્ર અને પોલીસ અધિકારી પણ ઘટનાસ્થળ પર ઉપસ્થિત રહ્યા હતા. સ્થાનિક લોકોની આંખો ભીની થઇ ગઇ હતી. આખા વિસ્તારમાં શોકનું મોજું ફરી વળ્યું છે.
ડીસામાં ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરીમાં થયેલા બ્લાસ્ટ કેસની તપાસ માટે રચાયેલી સ્પેશિયલ ઇન્વેસ્ટિગેશન ટીમ (SIT) આજે ડીસા પહોંચી હતી. તપાસ ટીમે ડીસા સર્કિટ હાઉસમાં પ્રશાસન અને પોલીસ તંત્રના અધિકારીઓ સાથે પ્રાથમિક બેઠક કરી હતી. બેઠકમાં બ્લાસ્ટ કેસની વિગતવાર માહિતી મેળવવામાં આવી હતી. ડીસામાં ગેરકાયદેસર ફેક્ટરીમાં બ્લાસ્ટ કેસ મામલે સીટના અધ્યક્ષ ભાવિન પંડ્યાએ જણાવ્યું હતું કે, 21 લોકોના મોત મામલે સીટ દ્વારા તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઘટના ખૂબ જ દુઃખદ છે. રાજ્ય સરકારે આ કેસ માટે સ્પેશિયલ ટીમની રચના કરી છે. મારી સાથેની આખી ટીમ આજે ઘટનાસ્થળે પહોંચી હતી અને પ્રાથમિક જાણકારી મેળવી છે. આજથી સીટની તપાસ શરૂ કરી દેવામાં આવી છે. SIT ટીમ આગામી દિવસોમાં સ્થાનિક લોકો અને સાક્ષીઓની પૂછપરછ કરશે. ગેરકાયદે ફટાકડા ફેક્ટરીના સંચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp