ત્રણ મહિનામાં બજાર કયાંથી કયાં! સમય પર પ્રોફિટ બુકિંગ કરનાર સિકંદર

ત્રણ મહિનામાં બજાર કયાંથી કયાં! સમય પર પ્રોફિટ બુકિંગ કરનાર સિકંદર

06/29/2020 Business

જયેશ ચિતલીયા
માર્કેટ ટ્રેન્ડ
જયેશ ચિતલીયા
ફાયનાન્સીયલ એક્સપર્ટ

ત્રણ મહિનામાં બજાર કયાંથી કયાં! સમય પર પ્રોફિટ બુકિંગ કરનાર સિકંદર

બજાર કયારે અને કયા કારણે ઘટે કે વધે કળી શકાય એવું નથી, સતત ગ્લોબલ કારણો  ટુંકાગાળાની અસરમાં બજારને ઉપર-નીચે કરતા રહયા છે અને આવું વલણ હાલ ચાલુ રહેવાની શકયતા ઊંચી છે. ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો અગાઉ કરતા વધુ સક્રિય અને લેવાલ બનવા લાગ્યા છે, ભારતીય ઈકિવટી માર્કેટ છેલ્લા ત્રણ મહિનામાં રિકવરીના મામલે શ્રેષ્ઠ સાબિત થઈ છે. જો કે હજી ઘણાં પડકાર ઊભા હોવાથી સાવચેતી જરૂરી છે અને તેથી  પ્રોફિટ બુકિંગ મહત્ત્વનું સુત્ર બનશે.

ગયા સપ્તાહના પ્રથમ દિવસ સોમવારનો આરંભ પોઝીટિવ થયો હતો. સેન્સેકસ 35 હજારની નજીક અને નિફટી 10300 આસપાસ સવારના પ્રથમ તબકકામાં જ થઈ ગયા હતા. આ બંને ઈન્ડેકસની ઊંચાઈનો  ઘણોખરો  ભાર રિલાયન્સે જ ઉંચકયો હતો. જેનું માર્કેટ કેપ પ્રથમવાર 150 અબજ ડોલરને પાર કરી ગયું હતું. સોમવારે સેન્સેકસ ગ્લોબલ સંકેતને પગલે  400 પોઈન્ટ સુધી ઊંચે જઈ અંતમાં પ્રોફિટ બુકિંગને પરિણામે  179 પોઈન્ટ પ્લસ બંધ રહયો હતો, જયારે નિફટી 66 પોઈન્ટ પ્લસ સાથે 10,311 બંધ  રહયો હતો.  હાલ કંઈક અંશે કોવિડ-19ના વધવાના ભય વચ્ચે પણ ભારતીય ફાર્મા કંપનીઓ દ્રારા કોવિડના  ઈલાજની આવી રહેલી દવા પોઝીટીવ ભુમિકા ભજવી રહી છે. મંગળવારે બજારમાં રિકવરીનો સતત ચોથો દિવસ હતો, તમામ સેકટરમાં વ્યાપક લેવાલી અને પોઝિટિવ ગ્લોબલ સંકેતોની અસર હતી, જેને લીધે સેન્સેકસ  519 પોઈન્ટ અને નિફટી 160 પોઈન્ટ જેટલો વધીને બંધ રહયો હતો. નિફટીએ 10,450ની સપાટી વટાવી લીધી હતી, જયારે સેન્સેકસ 35,400 ઉપર ટકી રહયો હતો. સ્મોલ કેપ અને મિડકેપ ઈન્ડેકસ પણ વધ્યા હતા.

 

કોરોનાનો ભય હજી ઊભો છે

બુધવારનો બજારનો આરંભ પણ પોઝિટિવ થયો હતો. સેન્સેકસ 200 પોઈન્ટ ઉછળીને 36 હજાર તરફ જવાની ચાલ બતાવતો હતો. જો કે બપોરના 12 પહેલાં તો માર્કેટમાં કરેકશન પણ શરૂ થઈ ગયું હતું, જે થોડા સમય બાદ ફરી રિકવરી અને કરેકશનમાં પલટાતું રહયું હતું. અર્થાત સતત ટ્રેડિંગ- લે-વેચ  ચાલુ હોવાનું પ્રતિત થતું હતું. કોરોનાનું  ઈન્ફેકશન ગ્લોબલ સ્તરે ફેલાઈ રહયુ હોવાના અહેવાલે બજારમાં ડાઉનટર્ન આવ્યો હતો, જો કે પ્રોફીટ બુકિંગ પણ એક મહત્ત્વનું કારણ હતું. અંતમાં  સેન્સેકસ 561 પોઈન્ટ તુટીને 34,868 અને નિફટી 165 પોઈન્ટ ઘટીને 10305 બંધ રહયો હતો. ગુરુવારે ગ્લોબલ સંકેત નબળાં હોવાછતાં ભારતીય માર્કેટ પોઝીટિવ ખુલ્યું હતું.કિંતુ બપોર સુધીમાં તે બુધવારની જેમ નેગેટિવ થઈ ગયું હતું. માર્કેટને 35 હજાર કે 10000 ઉપરનું લેવલ ડાઈજેસ્ટ થતું નથી, જેથી કાં તો ઘટાડાનું કોઈ કારણ આવી જાય છે અથવા પ્રોફિટ બુકિંગ આવી જાય છે.  ગુરુવારનું માર્કેટ સતત વોલેટાઈલ રહયું હતું, યુએસમાં કોરોનાના કેસો વધવાથી  અને ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ (આઈએમએફ) એ ગ્લોબલ ગ્રોથમાં પાંચ ટકાના ઘટાડાની વ્યકત કરેલી  ધારણાની  પણ અસર થઈ હતી. ભારત માટે પણ આઈએમએફ તરફથી ગ્રોથ આઉટલુક બદલાયો હતો અને ઈન્ફેકશનના કેસો વધવાની ભીતિ વ્યકત થતા બજાર અંતમાં નબળું પડી  ગયું હતું. જો કે સેન્સેકસ માત્ર 26 પોઈન્ટ ઘટીને 35 હજાર નીચે અને નિફટી માત્ર 16 પોઈન્ટ ઘટીને 10,300 નીચે બંધ રહયા હતા.

બજારનું વધુ  ધ્યાન આર્થિક પ્રવૃતિઓ પર

શુક્રવારે ફરી બજારે પોઝિટિવ આરંભ કરી સેન્સેકસને 300 પોઈન્ટ ઉછાળયો હતો,ટ્રેડિંગ સત્ર  દરમ્યાન બજાર સતત વધઘટ કરતું આખરમાં સેન્સેકસ 329 પોઈન્ટ વધીને 35,171 અને નિફટી 94 પોઈન્ટ સુધરીને 10,383 બંધ રહયા હતા.  દેશભરમાં પ્રથમવાર લોક ડાઉન જાહેર થયું  એ 25 માર્ચે સેન્સેકસ 28,535 હતો, જે હાલ જુનના અંતે (શુક્રવારે)  35 હજાર ઉપર બંધ છે, જે લાંબા ગાળાના વિશ્વાસનો સંકેત કરે છે એમ કહી શકાય. અત્યારે ઈન્ફેકશનના વધુ આક્રમણ તેમ જ ફેલાવાના ભય અને જિઓપોલિટીકલ (ચીન સાથેના સીમાવિવાદ) વચ્ચે પણ બજાર સતત વધી રહયું છે, જે આર્થિક પ્રવૃતિઓને પુનઃ કાર્યરત થવાની બાબતને મહત્ત્વ આપી રહયું હોવાનું સાબિત કરે છે. અર્થાત, જેમ –જેમ આર્થિક પ્રવૃતિ વેગ પકડશે તેમ તેમ બજારનો વિશ્વાસ અને સેન્ટીમેન્ટ વધવાની આશા છે. જો કે આ વરસના બાકીના છ મહિના  વધુ પડકારરૂપ બનવાની ધારણા પણ વ્યકત થાય  છે. કારણ કે ઈકોનોમી  રિવાઈવ થવામાં સમય લઈ રહી છે. અમુક અપવાદરૂપ સેકટર સિવાય દરેક સેકટરમાં હજી નિષ્ક્રિયતા વધુ છે.  તેથી જ બજારનો વર્તમાન સુધારો પણ ડાઈજેસ્ટ થવો કઠિન છે, જેની ચર્ચા આપણે ગયા વખતે પણ કરી હતી. આ સુધારો કયાં બ્રેક મારશે એ કળવું કઠિન છે, તેથી સાવચેતી આવશ્યક બને છે. આ હિસાબે જ પ્રોફિટ બુકિંગ પણ તરત આવી જતું હોવાનું નોંધાય છે.  


ફાર્મા સ્ટોકસમાં સાવચેતી જરૂરી

ફાર્મા સ્ટોકસમાં સાવચેતી જરૂરી

ફાર્મા શેરોની ગતિવિધીથી અંજાઈ જવું જોઈએ નહીં, હાલ કોવિડ-19ના નામે ઘણી કંપનીઓ પોતાની દવા લાવી રહી છે, જેની કંપનીના શેરના ભાવ પર સારી અસર જોવા મળે છે, પરંતુ તેને કાયમી માની લઈ શકાય નહીં. કોવિડ-19ની હોમિયોપેથી તેમ જ આયુર્વેદિક દવાઓ પણ બહાર આવતી રહી છે, જે લિસ્ટેડ  ફાર્મા કંપનીઓને ભારે પડી શકે છે, જેથી માત્ર કોવિડની દવાના નામે માર્કેટને એન્કેશ કરવા માગતી હોય અથવા રોકાણકારોને આકર્ષવાનો પ્રયાસ કરતી હોય એમની સામે રોકાણકારો સ્માર્ટ બને યા સાવચેત રહે એ જરૂરી છે. 

ઈકિવટી માર્કેટમાં બેસ્ટ કામગીરી ભારતની

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટર્સે છેલ્લા ત્રણ મહિનામાં ભારતીય ઈકિવટીમાં 44,400 કરોડ રૂપિયાનું રોકાણ કર્યુ છે, જેની સામે એકલા માર્ચમાં 61,972 કરોડ રૂપિયાનું વેચાણ કર્યુ હતું. એકલા જુનમાં વિદેશી રોકાણકારોએ 22,194 કરોડ રૂપિયાની ખરીદી કરી છે. છેલ્લા ત્રણ મહિનામાં ઝડપથી ઘટેલી બજાર બાદ  ભારતીય ઈકિવટી માર્કેટ વિશ્વમાં રિકવરીણી બાબતે સૌથી સારી કામગીરીવાળી માર્કેટ સાબિત થઈ છે, જેની રિકવરી આશરે 35 ટકા જેટલી થઈ છે, આ રિકવરી યુએસ (28 ટકા),જપાન (25 ટકા), જર્મની (29 ટકા)  અને ફ્રાંસ (18 ટકા) ની તુલનાએ  નોંધપાત્ર વધુ છે. 

એફપીઆઈનો વધુ રસ કયા સેકટરમાં ?

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરોનો રસ ભારતીય માર્કેટમાં હાલ ખાસ કરીને ટેલિકોમ, ઓટો, કન્સ્ટ્રકશન મટિરિઅલ, મિડિયા સેકટરમાં વધ્યો છે.  ખાસ કરીને હાઉસહોલ્ડ અને પર્સનલ પ્રોડકટસ સેગમેન્ટમાં તેમનું એકસપોઝર વધી રહયું છે. જયારે કે બેન્કિંગ, ટેકસટાઈલ્સ, કન્ઝયુમર ડયુરેબલ્સ, રિઅલ એસ્ટેટ અને કેમિકલ સેકટરમાં ઘટી રહયો છે. મે અને જુનમાં એફપીઆઈએ અંદાજિત 35000 કરોડ રૂપિયાની ખરીદી કરી હોવાનું નોંધાયું છે.  તાજેતરની બજારની પોઝીટિવ ચાલમાં એફપીઆઈનો નોંધપાત્ર ફાળો ગણી શકાય. 

પ્રોફિટ બુકિંગ કરતા શીખવું જરૂરી

બજારના ઉછાળાનો ઉપયોગ પ્રોફિટ બુકિંગ માટે કરવાનું ચુકશો નહીં. કારણ કે આ ઉછાળો કામચલાઉ રહેવાની શકયતા ઊંચી રહેશે. બાકી લાંબા ગાળાના ઉદ્શે સાથે ખરીદેલા શેરમાં પ્રોફીટ બુકિંગની ઉતાવળની જરૂર નથી, પરંતુ હા, તેમાં પણ આંશિક પ્રોફીટ બુકિંગ કરીને એ નાણાંથી  અન્ય અથવા એ જ શેર ઘટાડામાં ખરીદી શકાય. યાદ રહે, બજારને તેજી સમજી લેવાની ભુલ કરશો નહીં. અત્યારના સુધારા-વધારા માત્ર સેન્ટીમેન્ટ તેમ જ પ્રવાહિતાના જોર પર ચાલી રહયા છે. બાકી ઈન્ડેકસ વેઈટેજવાળા સ્ટોકસ વધવાની અસરરૂપે દેખાય છે, એને સાચી કે નકકર તેજી કહી શકાય નહીં. પણ જેમણે લાંબા ગાળાનું અને સ્ટોક સ્પેસિફિક રોકાણ કરવાનું છે એમણે આ બધું વિચારવાની આવશ્યકતા નથી, તેમણે માત્ર લક્ષ્ય સાથે ફંડામેન્ટલસવાળા સ્ટોકસ જમા કરતા જવાનું છે અથવા એસઆઈપી (સિસ્ટેમેટિક ઈન્વેસ્ટમેન્ટ પ્લાન) ચાલુ રાખવાના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top