Donald Trump: ટ્રમ્પે રૂપર્ટ મર્ડોક અને WSJ પર ઠોક્યો કેસ, આટલા કરોડ રુપિયાનું માગ્યું વળતર
Donald Trump sues WSJ Rupert Murdoch over Jeffrey Epstein bawdy birthday letter report: અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે (18 જુલાઈ, 2025 ) વૉલ સ્ટ્રીટ જર્નલ અને તેના માલિકો પર આકરા પ્રહારો કરતા 10 અબજ ડોલર (લગભગ 83,000 કરોડ રૂપિયા)નો માનહાનિનો દાવો દાખલ કર્યો છે. આ કેસ ફ્લોરિડાની ફેડરલ કોર્ટમાં દાખલ કરવામાં આવ્યો છે, જેમાં ટ્રમ્પે ન્યૂઝ કોર્પના માલિક રુપર્ટ મર્ડોક, ડાઉ જોન્સ કંપની અને વૉલ સ્ટ્રીટ જર્નલના 2 પત્રકારોને પ્રતિવાદી બનાવ્યા છે.
ટ્રમ્પનો આરોપ છે કે વોલ સ્ટ્રીટ જર્નલે જાણીજોઈને ખોટો અને અપમાનજનક અહેવાલ પ્રકાશિત કર્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે 2003માં તેમણે કુખ્યાત રોકાણકાર જેફરી એપસ્ટિનને જન્મદિવસ પર મેસેજ મોકલ્યો હતો. આ મેસેજમાં એક અશ્લીલ ચિત્ર અને ‘તેમના જોઇન્ટ રહસ્યો’નો ઉલ્લેખ હતો. ટ્રમ્પે આ અહેવાલને પાયાવિહોણો, ખોટો અને ચારિત્ર્યનું હનન કરનારો ગણાવ્યો છે.
અમેરિકન રાષ્ટ્રપતિએ કહ્યું કે, આ અહેવાલ તેમની પ્રતિષ્ઠા અને રાજકીય કારકિર્દીને નુકસાન પહોંચાડવાના હેતુથી પ્રકાશિત કરવામાં આવ્યો હતો. ટ્રમ્પનો દાવો છે કે આ ખોટા સમાચારથી તેમને ગંભીર આર્થિક અને સામાજિક ક્ષતિ થઈ છે. તેમણે ટ્રૂથ સોશિયલ પરના પોતાની પ્રતિક્રિયામાં તેમણે લખ્યું કે, ‘હું રુપર્ટ મર્ડોકને કોર્ટના કઠેડામાં ઊભા કરવાનો ઇંતજાર કરી રહ્યો છું. તેમના કચરાના ઢગવાળું અખબાર, વૉલ સ્ટ્રીટ જર્નલ હવે જવાબદાર હશે. આ કેસ એક ઐતિહાસિક અનુભવ થવાનો છે.’
ટ્રમ્પ લાંબા સમયથી મુખ્ય પ્રવાહના મીડિયા પર પક્ષપાતી રિપોર્ટિંગનો આરોપ લગાવી રહ્યા છે. હવે તેમણે મર્ડોકને સીધા કોર્ટમાં ઢસડી લીધા છે. આ કેસ પર ડાઉ જોન્સ, ન્યૂઝ કોર્પ અને મર્ડોક તરફથી કોઈ સત્તાવાર પ્રતિક્રિયા આવી નથી. ડાઉ જોન્સ વોલ સ્ટ્રીટ જર્નલના માલિક છે અને તે ન્યૂઝ કોર્પની પેટાકંપની છે. ટ્રમ્પે અગાઉ સાર્વજનિક રૂપે ચેતવણી પણ આપી હતી કે જો ખોટું રિપોર્ટિંગ બંધ નહીં થાય, તો તેઓ મર્ડોક સામે કાયદાકીય કાર્યવાહી કરશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp