Donald Trump: 'તેઓ અમારા પર 100% ટેરિફ લગાવે છે તો અમે..', ટ્રમ્પે ફરી ભારતને આપી ચીમકી
Donald Trump: અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે ટૂંક સમયમાં શપથ લેવા જઈ રહેલા ડોનાલ્ડ ટ્રમ્પે ફરી એકવાર ટેરિફની ચીમકી આપી છે. ટ્રમ્પે ભારત પર પારસ્પરિક કર લાદવાની ચીમકી આપી છે. તેમનું કહેવું છે કે ભારત જેટલો ટેક્સ અમેરિકી પ્રોડક્ટ્સ પર લગાવે છે એટલો જ ટેક્સ અમે ભારતીય પ્રોડક્ટ્સ પર પણ લગાવીશું. ટ્રમ્પ લાંબા સમયથી કેટલાક અમેરિકન ઉત્પાદનોની આયાત પર ભારત દ્વારા "ઉચ્ચ ટેરિફ" લગાવવાનો વિરોધ કરી રહ્યા છે. જવાબમાં, તેઓ પારસ્પરિક ટેરિફ લગાવવાની વાત કરે છે.
મીડિયા સાથે વાત કરતા ટ્રમ્પે કહ્યું કે, 'જો તેઓ અમારા પર ઉચ્ચ ટેરિફ લગાવે છે તો અમે પણ તેમના પર લગાવીશું. તેઓ અમારા પર કર લગાવે છે, અમે તેમના પર કર લગાવીશું. તેઓ લગભગ તમામ મામલે અમારા પર ટેક્સ લગાવી રહ્યા છે, અમે તેમના પર ટેક્સ લગાવતા નથી. જો ભારત અમારા પર 100 ટકા ટેક્સ લગાવે છે તો શું આપણે તેના પર બિલકુલ ટેક્સ ન લગાવવો જોઈએ? ભારત અને બ્રાઝિલ એવા દેશોમાં સામેલ છે જે અમેરિકાના કેટલાક ઉત્પાદનો પર ઉચ્ચ ટેરિફ લગાવે છે. જો તેઓ અમારા પર ટેક્સ લગાવે છે, તો ઠીક છે, પરંતુ અમે પણ તેમના પર એટલો જ ટેક્સ લગાવવા જઇ રહ્યા છીએ.'
ટ્રમ્પના વાણિજ્ય સચિવે ટેકો આપ્યો
ડોનાલ્ડ ટ્રમ્પની વાતોને આગામી વાણિજ્ય સચિવ હાવર્ડ લુટનિક દ્વારા સમર્થન આપવામાં આવ્યું છે. તેમણે કહ્યું કે, 'ટ્રમ્પ સરકારમાં પારસ્પરિકતા એક મહત્ત્વપૂર્ણ વિષય હશે. તમે અમારી સાથે જે રીતે વર્તે છો તેવી જ રીતે તમારી સાથે વર્તવાની અપેક્ષા રાખવી જોઈએ. જે જેવું કરશે, તેની સાથે પણ એવું જ કરવામાં આવશે.'
તાજેતરમાં જ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, તેઓ બ્રિક્સ ચલણ અપનાવનારા દેશો પર 100 ટકા ટેરિફ લગાવશે. વર્ષ 2009માં રચાયેલું BRICS એકમાત્ર મુખ્ય આંતરરાષ્ટ્રીય જૂથ છે જેનો અમેરિકા હિસ્સો નથી. તેના અન્ય સભ્યો દક્ષિણ આફ્રિકા, ઈરાન, ઈજીપ્ત, ઈથોપિયા અને સંયુક્ત આરબ અમીરાત (UAE) છે. છેલ્લા કેટલાક વર્ષોમાં, તેના કેટલાક સભ્ય દેશો, ખાસ કરીને રશિયા અને ચીન, US ડૉલરના વિકલ્પોની શોધ કરી રહ્યા છે અથવા તેમની પોતાની BRICS કરન્સી બનાવી રહ્યા છે. ટ્રમ્પે બ્રિક્સ દેશોને આવા પગલા સામે ચીમકી આપી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp