દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીએ પોતાનું નામ બદલ્યું, હવે આ નામથી ઓળખાશે

દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીએ પોતાનું નામ બદલ્યું, હવે આ નામથી ઓળખાશે

10/29/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

દુનિયાની સૌથી મોટી સોશિયલ મીડિયા કંપનીએ પોતાનું નામ બદલ્યું, હવે આ નામથી ઓળખાશે

ઓકલેન્ડ: દુનિયાભરના સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સૌથી લોકપ્રિય ‘ફેસબુકે’ હવે નામ બદલી નાંખ્યું છે. કંપનીનું નામ હવે ‘મેટા’ કરી દેવામાં આવ્યું છે. ફેસબુકના સીઈઓ માર્ક ઝકરબર્ગે ગઈકાલે આ અધિકારીક એલાન કર્યું હતું.

ઝકરબર્ગે કહ્યું કે, ભવિષ્ય માટે ડિજીટલ રૂપમાં થઇ રહેલા ફેરફારને સામેલ કરવાના પ્રયાસો હેઠળ તેમની કંપનીને હવે નવા નામ ‘મેટા’થી ઓળખવામાં આવશે. તેઓ તેને ‘મેટાવર્સ’ કહે છે. ઝકરબર્ગ ઈચ્છી રહ્યા છે કે ફેસબુકને એક માત્ર સોશિયલ મીડિયા માધ્યમ તરીકે જોવામાં ન આવે. જેના સંદર્ભમાં જ તેમણે રિ-બ્રાન્ડિંગ કર્યું છે. તેમણે કહ્યું કે કંપની માત્ર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ન બની રહીને એક મેટાવર્સ કંપની બનવા જઈ રહી છે.

ઝકરબર્ગે શું કહ્યું?

ઝકરબર્ગે શું કહ્યું?

તેમણે ઉમેર્યુ કે, મને આશા છે કે આગલા એક દાયકામાં મેટાવર્સ એક અબજ લોકો સુધી પહોંચી જશે. તેમણે કહ્યું કે મેટાવર્સ એક એવું માધ્યમ હશે, જેમાં લોકો સંવાદ કરશે અને અન્ય ઘણા કામો કરી શકશે. તેમણે આશા વ્યક્ત કરી કે આ એક એવું પ્લેટફોર્મ બનશે જે ક્રિએટરો માટે અનેક નવા માર્ગો ખોલશે.

ફેસબુક ‘મેટાવર્સ’ બનાવવા પર ધ્યાન આપી રહ્યું છે. જે એક ઓનલાઈન દુનિયા છે જ્યાં લોકો વર્ચ્યુઅલ ટ્રાન્સફર કરવા અને કોમ્યુનિકેશન કરવા માટે અલગ-અલગ ટૂલનો ઉપયોગ કરી શકે છે. જે માટે કંપનીએ વર્ચ્યુઅલ રિયાલીટી અને ઓગમેન્ટેડ રિયાલીટીમાં રોકાણ કર્યું છે.

માળખામાં કોઈ ફેર નહીં પડે

સાથે કંપનીએ કહ્યું છે કે નામ બદલવાથી તેમના માળખામાં કોઈ ફેર પડશે નહીં તેમજ કંપનીના અન્ય પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ, વોટ્સએપ, મેસેન્જર વગેરેના નામ યથાવત રહેશે અને તેમના માળખા પણ બદલાશે નહીં.

2005 માં પણ નામ બદલાયું હતું

જોકે, આ પહેલીવાર નથી જ્યારે ફેસબુકે પોતાનું નામ બદલ્યું હોય. વર્ષ 2005 માં કંપનીએ પોતાનું નામ ‘The Facebook’ પરથી ‘Facebook’ કર્યું હતું. જોકે, તે બહુ મોટો ફેરફાર ન હતો. પરંતુ હવે વીસ વર્ષો બાદ કંપની ફરીથી રિ-બ્રાન્ડિંગ કરી રહી છે.

ભારતમાં 41 કરોડ યુઝર્સ

ઉલ્લેખનીય છે કે 2004 માં બનેલ આ કંપનીએ વર્ષો સુધી સોશિયલ મીડિયા ક્ષેત્રમાં રાજ કર્યું છે. આજે પણ ફેસબુક એટલું જ વપરાય છે અને દુનિયાભરના કરોડો લોકો ફેસબુકનો ઉપયોગ કરે છે. ભારતમાં કંપનીના લગભગ 41 કરોડ વપરાશકર્તાઓ છે. ઉપરાંત, અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ વોટ્સએપ, ઇન્સ્ટાગ્રામ અને મેસેન્જર પણ ફેસબુકની જ પ્રોડક્ટ છે. જેમાંથી ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ ફેસબુકે બનાવ્યા નથી પરંતુ ખરીદી લીધા હતા.

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top