કોઈ પ્રોબ્લેમ ન હોવા છતાં પ્રેગ્નન્સી ન રહેતી હોય તો કઈ સારવાર કરાવશો?
હાલના સમયમાં ગર્ભાવસ્થા અંગેની ઘણી સમસ્યાઓ જોવા મળે છે. અત્યારે અનેક દંપત્તિને સંતાનપ્રાપ્તિમાં નાની-મોટી અડચણ આવતી હોય છે. સારા ગાયનેકોલોજીસ્ટને કન્સલ્ટ કરીને એમની સૂચના મુજબ યોગ્ય તબીબી સારવાર કરાવવાથી મોટા ભાગની તકલીફો દૂર થઇ જાય છે અને ગર્ભધારણ કરવાં સફળતા મળે છે. પરંતુ અત્યારના સમયમાં ગર્ભધારણ કે ફિઝીકલ રીલેશનશિપ અંગેની તકલીફો વધી જવાનું કારણ શું? મોટા ભાગના કેસીસ પાછળ અયોગ્ય અને અનિયમિત ખોરાક, સ્ટ્રેસ વગેરે જેવા આધુનિક જીવનશૈલી સાથે જોડાયેલા કારણો જવાબદાર હોય છે. કેટલીક વખતે પતિ અથવા પત્ની કે પછી બન્નેની કોઈક શારીરિક ખામીને કારણે પણ ગર્ભાવસ્થામાં સમસ્યા ઉભી થતી હોય છે.
પરંતુ ઘણીવાર અમે જોઈએ છીએ કે પતિ અને પત્ની બંનેમાં બધું નોર્મલ હોય, તેમ છતાં તેમને પ્રેગ્નન્સી રહેતી નથી! એ પાછળનું એક કારણ છે ‘ઓવ્યુલેશન પીરિયડ’ (Ovulation Period) અંગેની સમજનો અભાવ. આથી પ્રેગ્નન્સી રહેવા માટેનો સૌથી ફળદ્રુપ સમય તેઓ ગુમાવી બેસે છે.
સ્ત્રીને માસિક આવવાનો જે સમયગાળો છે, એ ‘માસિક ચક્ર’ – એટલે કે ‘menstruation cycle’ તરીકે ઓળખાય છે. માસિકચક્રના કુલ ચાર તબક્કા છે : (૧) માસિક આવવું (૨) ફોલિક્યુલર ફેઇઝ (૩) ઓવ્યુલેશન ફેઇઝ અને (૪) લ્યુટિઅલ ફેઇઝ.
આ દરેક તબક્કો મહત્વનો છે. પણ આજે જેની વાત કરવાની છે, એ છે ફોલિક્યુલર ફેઇઝ અને ઓવ્યુલેશન ફેઇઝ.
સામાન્ય સંજોગોમાં સ્ત્રીમાં ઓવ્યુલેશન – એટલે કે સ્ત્રીબીજ છૂટું પડવાની ક્રિયા માસિકની સાઈકલના વચગાળાના સમયમાં થતી હોય છે. દાખલા તરીકે, ૨૮થી ૩૦ દિવસની સાઈકલ ધરાવતી સ્ત્રીમાં ૧૪મે કે ૧૫મે દિવસે ઓવ્યુલેશન થતું હોય છે. સ્ત્રીબીજ શરીરમાં ૨૪ કલાક જ જીવિત રહી શકે છે. જો સ્ત્રીબીજ જીવિત હોય એ દરમિયાન શારીરિક સંબંધ રહે તો જ પ્રેગ્નન્સી રહી શકે છે. વળી જેમનું માસિકચક્ર અનિયમિત હોય એવી સ્ત્રીઓમાં ઓવ્યુલેશનનો સમય પણ નક્કી હોતો નથી. આવા સંજોગોમાં Ovulation Study ખૂબ જ આશિર્વાદરૂપ નીવડે છે. ઓવ્યુલેશન સ્ટડીને તબીબી ભાષામાં Follicular Monitoring તરીકે પણ ઓળખવામાં આવે છે.
આ પદ્ધતિમાં માસિકના બીજા કે ત્રીજા દિવસે સ્ત્રીની તપાસ કરવામાં આવે છે. આ તપાસ બેઝલાઈન સ્કેન – Baseline Scan તરીકે ઓળખાય છે. ત્યારબાદ આઠમા દિવસથી એકાંતરા દિવસે (alternate day) બોલાવીને TVS (Transvaginal Sonography) સોનોગ્રાફી કરવામાં આવે છે. બીજ બરાબર મોટું થઇ જાય અને ગર્ભાશયની દિવાલ પણ સોનોગ્રાફીમાં બરાબર જણાય ત્યારે બીજ ફૂટવાનું (રિલીઝ કરવાનું) ઇન્જેક્શન આપવામાં આવે છે. ઇન્જેક્શન આપ્યા પછીના બે દિવસ શારીરિક સંબંધ રાખવામાં આવે તો પ્રેગ્નન્સી રહેવાના ચાન્સ ખાસ્સા વધી જાય છે.
આ સમગ્ર પ્રક્રિયા સોનોગ્રાફીથી મોનિટર કરી, વચ્ચે જરૂર મુજબ ગોળી કે ઇન્જેક્શન આપવામાં આવે છે. જેથી પ્રેગ્નન્સી રહેવાની શક્યતા સામાન્ય સંજોગો કરતા બમણી થઇ જાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp