સમાજવાદી ભારતની દિવાળી કેવી હતી એ કલ્પના છે? દિવાળી ઉપરાંતના સમયમાં કેવી પરિસ્થિતિ હતી?

સમાજવાદી ભારતની દિવાળી કેવી હતી એ કલ્પના છે? દિવાળી ઉપરાંતના સમયમાં કેવી પરિસ્થિતિ હતી?

12/17/2020 Magazine

મિતેષ પાઠક
માંડીને વાત
મિતેષ પાઠક

સમાજવાદી ભારતની દિવાળી કેવી હતી એ કલ્પના છે? દિવાળી ઉપરાંતના સમયમાં કેવી પરિસ્થિતિ હતી?

દિવાળી વેકેશનમાં પણ વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ વાંસા પર મમ્મી હળવેથી થપથપાવે, અને જણાવે કે ચાલો દુધ લેવાનો સમય થઈ ગયો છે. જો મોડા પહોંચશું તો નહીં મળે. ઘરમાં મહેમાન છે,  વધારે દુધ લેવાનું છે એટલે તું ચાલ મારી સાથે. એ વખતે મારી ઉંમર 6-7 વરસની હતી. સાલ 1972-73. પાંચ વાગ્યે ઊઠીને તરત જ બિલ્ડિંગ બહાર આરે ડેરીનું પાર્લર હતું ત્યાં અગાઉથી ઊભેલા લોકો સાથે લાઈનમાં જોડાઈ જવાનું. દુધ મેળવીને ઘરમાં આવીએ એટલે કોઈ જંગ જીતીને આવ્યા હોઈએ એવું લાગે. આ લાઈનની યાત્રા તહેવારોમાં તો વધારે લંબાતી જાય.  સવારે આ લાઈનમાં ઉભા રહેવાની પ્રક્રિયા અનંત રહેતી. એ પછી  રેશનની દુકાન બહાર ઘઉં, ચોખા, ખાંડ, તેલ, રવો અને મેંદો… તમે આ લાઈનમાંથી નવરાં થાવ અને બીજી લાઈન તમારી રાહ જોતી જ હોય. લગભગ એક સમય આ દરેક ઘરની કથા રહેતી.

હવે તમને નવાઈ લાગશે કે એમાં શું? અમારા ઘરમાંથી આજે પણ એ જ રીતે વહેલા દુધ લેવા જઈએ છીએ. હા, એ વાત સાચી, પણ હું જે વાત કરૂં છું એમાં દુધની લાઈનમાં ઊભવા સાથે રેશન કાર્ડ જેવું ટોકન પણ અનિવાર્ય હતું. અને એ ટોકનમાં લખેલ નિર્ધારિત માત્રામાં જ દુધ મળતું અર્થાત્ ક્વોટા પ્રમાણે. જો વધારે જોઇએ તો??? તમારા નસીબ અને દુધ વિતરણ કેન્દ્રના સંચાલકની મરજી. વિનંતી કરો તો જવાબ મળે કે ફરીથી લાઈનમાં ઉભા રહો, સ્ટોકમાં હશે તો તમને મળશે.

1972 - 1990 લગભગ દોઢ દાયકો મને હજી યાદ છે. તમામ વસ્તુઓ રેશનિંગ પર હતી. સિમેન્ટ, કાપડ, ખાદ્યતેલ, અનાજ, ખાંડ…. કેવા હતા એ દિવસો? અનાજ, કઠોળ, મેંદો, રવો, દુધ, શુદ્ધ ઘી આ  બધું જ તહેવારો આવે એટલે બજારમાંથી અદ્રશ્ય થઈ જતું. કોઈ દેખીતાં કારણ વગર.  લોકોની કેવી ગજબ મજબૂરી હતી અને આનો કોઈ વિકલ્પ જ ન હતો. તહેવારોના દિવસોમાં ગાયબ થતી વસ્તુઓ તહેવારો સમાપ્ત થતાં થોડી થોડી પરત દેખાવા લાગતી હતી.

અછત, મોંઘવારી, કાળાબજાર અને લોકોની મજબૂરીનો ગેરલાભ –સમાજવાદી અર્થવ્યવસ્થાના આ દિવસો હતા એની પાછળનું કારણ શું? કારણ – સમાજવાદ.

 1951 થી 1991 દરમિયાન આર્થિક વિકાસનો સરેરાશ વૃદ્ધિદર માત્ર 4.34 ટકાનો જ હતો. તેમાં પણ 1980 સુધી તો તે કેવળ 3.5 ટકાનો જ હતો. 1991 માં દેશની વિદેશી હૂંડિયામણની પુરાંત માત્ર 20 કરોડ ડોલરની હતી, જે માત્ર 20 દિવસના જ વિદેશી વેપારની જરૂરિયાત માટે પર્યાપ્ત હતી. દેશનાં નાણાકીય સાધનો ખૂટી ગયાં હતાં. પંચવર્ષીય યોજનાઓને ચાલુ રાખવા માટેનાં નાણાકીય સાધનો વિદેશી સહાય વિના પ્રાપ્ત કરવાનું અસંભવ બની ગયું હતું અને વિદેશોમાં આપણી કોઈ આબરૂ-શાખ રહી નહોતી. અમેરિકા જેવા સમૃદ્ધ દેશો ભારતને માત્ર માગણ દેશ તરીકે જ નિહાળતા હતા. અમેરિકાની વર્ચસ્વવાદી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ આઈએમએફ અને વિશ્વબૅંક ભારતને વખતોવખત અપમાનિતની અવસ્થામાં મૂકી દેતી હતી. નાણાકીય સહાય માટે વિશ્વબેંકે ભારત સમક્ષ અર્થતંત્રમાં સંપૂર્ણ માળખાગત પરિવર્તન કરીને આર્થિક ઉદારીકરણ અપનાવવાની શરત મૂકી. દેશ પાસે તે સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો નહોતો.

જાહેર ક્ષેત્ર તેની કામગીરીમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયું હતું. આના પરિણામો કેવાં આવ્યા?

ચાણક્ય સૂત્ર કહે છે કે “જ્યાં રાજા વેપારી ત્યાં પ્રજા ભિખારી.”

સરકારનું કામ વહીવટ - ગવર્નન્સનું છે, વેપારનું નહી. ટૅક્સ પેયીના રૂપિયા જ્યારે સતત ખોટ ખાતા સાહસોમાં ઠલવાયા કરે ત્યારે એ ખોટના ખાડાને બંધ કરવાનું મહત્વ વધી જાય છે. આખરે એ લોકોના જ રૂપિયા વડે એ જાહેર સાહસોમાં વર્ષોથી રૂપિયા જાય છે. અને એ સાહસો પણ કેવાં? બિન-ઉત્પાદક, નબળી ગુણવત્તાના ઉત્પાદન અને બિનકાર્યક્ષમ કામચોર કર્મચારીઓની ફોજ ધરાવતા! નવરત્ન જેવાં સફળ જાહેર સાહસો પણ અપવાદ રૂપ શ્રેષ્ઠ ઉદાહરણ છે.

આજના સમયમાં ૫૬ એવી જાહેર ક્ષેત્રની કંપનીઓ છે કે જે સતત નુકશાન કરતી જાય છે. એર ઇન્ડિયા, મહાનગર ટેલિફોન નિગમ લિ. હિન્દુસ્તાન ફોટો ફિલ્મ્સ, ઇન્ડિયન ડ્રગ્ઝ એન્ડ ફાર્માસ્યુટીકલ્સ લિ. વગેરે. વરસ 2017-18 માં માંદી સરકારી કંપનીઓની નેટવર્થ (નેટવર્થ = કુલ મિલકત - કુલ લેણાઓ) -88,556 કરોડ હતી. જી હા નેગેટિવ 88,556 કરોડ હતી! અને આ તમામ માંદા યુનિટનો સંયુક્ત નુકસાનનો આંકડો 1,32,360 કરોડ હતો. આખરે આ રૂપિયા કોના? ભારતના નાગરિકના અને ખાસ તો જે નિયમિત ટૅક્સ ભરે છે એના.

જાહેર ક્ષેત્રની કંપનીઓ, તેનું ભૂતકાળમાં અને આજે મહત્વ. આ પ્રશ્નનો જવાબ બે અલગ અલગ મુદ્દાઓ સાથે આપીશ. એક ભૂતકાળના મહત્વની દ્રષ્ટિએ અને બીજું આજના સમયમાં એના અસ્તિત્વની જરૂરિયાત વિશે.


ભૂતકાળમાં મહત્વ :

ભૂતકાળમાં મહત્વ :

દેશ આઝાદ થયા બાદ તત્કાલીન પ્રધાનમંત્રી નહેરુને સામ્યવાદ અને સમાજવાદ પ્રત્યે વૈચારીક લગાવ હતો. અને સોવિયેટ સ્ટાઇલ અર્થતંત્રથી એ પ્રભાવિત હતા. પંચવર્ષીય યોજનાઓ એનું એક પ્રમાણ છે. આઝાદી બાદ દેશમાં કોઇ માળખાગત સુવિધાઓ ન હતી. વીજળી, લોખંડ, વાહન વ્યવહાર, તાર અને ટપાલ, ડૅમ અને નહેર, એરપોર્ટ, બંદરો, રેલવે, રોડ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, પાયાની તમામ સુવિધાઓ અત્યંત નબળી હતી. અને ખાનગી ક્ષેત્રની ક્ષમતા બહારનું આ કાર્ય હતું કે દેશના વિકાસમાં કોઇ મહત્વપૂર્ણ યોગદાન આપી શકે.

અને મોટા સ્કેલ ઉપર સરકારી કંપનીઓએ દેશમાં કાર્યનો આરંભ કર્યો. પ્રારંભિક તબ્બકામાં એમનું યોગદાન નોંધનીય પણ રહ્યું. દેશ માટે જરૂરી માળખાગત સુવિધાઓના નિર્માણમાં રોલ રહ્યો. એમને કોઇ હરીફાઈ ન હતી. એ એમની ગતિથી કાર્યો કરતા રહ્યા. અને દેશમાં ઔદ્યોગિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર નિર્માણ થતું ગયું.

બ્રેડથી માંડીને હવાઈ જહાજ સુધી બધું જ સરકારી કંપનીઓ હસ્તક રહ્યું (જી હા… મૉર્ડન બ્રેડ એક સમયે સરકારી કંપની હતી)

સરકારી કંપનીઓની સાથે સાથે દેશની સરકારી નિતીઓ લાઈસન્સ રાજની રહી. વહાલાંઓને લાઈસન્સ પ્રાપ્ત થાય અને અને જે સરકારની કદમબોસી ન કરતા હોય એમને કોઇ પ્રગતિનો અવકાશ જ ન રહે. બજાજ ઓટો, બિરલા પરિવાર અને એની જેવા અનેકોએ આ લાઈસન્સ રાજમાં ખુદની તો પ્રગતિ કરી પણ અન્યને રોકતા પણ ગયા. આને પરીણામે દેશમાં સક્ષમ અને મજબૂત ખાનગી ક્ષેત્ર વિકસવા જ ન પામ્યું. અને સરકારી કંપનીઓનો દબદબો વધતો રહ્યો.

આ પરિસ્થિતિ 1951 – 1985 સમયગાળા સુધી પ્રવર્તમાન રહી. બન્ને પાસાઓ રહ્યા. પણ જમા પાસાની સામે દેશની જરૂરિયાત માટે એ અપૂરતાં અને અધકચરાં રહ્યા. સિમેન્ટ, લોખંડ વગેરે પ્રોડ્ક્ટ્સ પણ સરકારી કંપનીઓ હસ્તક રહી હતી. અને નબળી ગુણવત્તાના ઉત્પાદન અને લેથાર્જીક પદ્ધતિના કારણે દેશની મૂડી અને સમય બન્ને બરબાદ થતા રહ્યા હતા.


વર્તમાન પરિસ્થિતિ :

વર્તમાન પરિસ્થિતિ :

સરકારી કંપનીઓ સાથે એક વિશિષ્ટ બાબુ કલ્ચર કે પીએસયુ કલ્ચર દેશમાં વિકસ્યું. જૉબ સિક્યોરીટી, વિશાળ ટાઉનશિપ, કોઈ જ ઉત્તરદાયિત્વ નહીં, ટૅક્સ પેયીના રૂપિયાનો વેડફાટ, બીન કાર્યક્ષમતા, ઊંચી કિંમતનું ઉત્પાદન, નબળી ક્વોલીટી અને કોઈ સમય મર્યાદા વગરના લંબાતા પ્રોજેક્ટ્સ. આ બધું પણ વિકસતું ગયું. બ્યુરોક્રેસી અને અણઘડ વહીવટને કારણે સતત ખોટ ખાતા યુનિટ બનતા રહ્યા.

1991 પછી ખાનગી ક્ષેત્ર માટે લાઈસન્સ રાજ નીતિ ખતમ થતાં વિકાસ દ્રશ્યમાન થવા લાગ્યો. અને સાથે સાથે સરખામણી પણ થવા લાગી. ખાનગી ક્ષેત્રની કાર્યક્ષમતા, ઝડપી અમ્લીકરણ અને પ્રોફેશનલ અભિગમ સામે સરકારી કંપનીઓ લથડતી નજરે ચડવા લાગી હતી. અને એ નહી ભૂલવાનું કે આમાં દેશના લોકોના જ રૂપિયા રોકાયા જતા હતા. સતત ખોટ કરતા સાહસો અર્થતંત્ર પર બોજા સમાન હતા.

બદલાયેલા અને ખુલ્લા અર્થતંત્રની સાથે સાથે વિશ્વસ્તરની કંપનીઓ અને એના ઉત્પાદનથી ભારતીય ગ્રાહક પરિચિત થવા લાગ્યો હતો. અને એમની પસંદગી પણ બદલાતી જતી હતી. નબળી ગુણવત્તા વાળી પ્રોડ્ક્ટ્સને કોઈ પસંદગી ન મળે અને એનો પ્રથમ અનુભવ આ પીએસયુ કંપનીઓને થયો.

આજના સમયમાં આ બિનકાર્યક્ષમ સાહસોનું કોઈ સ્થાન જ નથી. ટ્રેડ યુનિયન, બિનકાર્યક્ષમ કર્મચારીઓ, નબળી ગુણવત્તાના ઉત્પાદનો અને ખોટના ખાડાઓને તો ત્વરિત બંધ કરીને દેશની મૂડીની બચત કરવી જરૂરી છે. ખાનગી ક્ષેત્રને વધુ મહત્વ આપી મેઈક ઇન ઇન્ડિયા હેઠળ દેશનો સર્વાંગી વિકાસ પણ ત્યારે જ શક્ય બનશે. સાથે જ અણુ વીજળી ઉત્પાદનમાં ખાનગી ક્ષેત્ર નહીં પ્રવેશી શકે, એમ સરકારે ઑલરેડી નિર્ણય લીધો છે.

રિસ્ટ્રક્ચરીંગ અને કન્સોલીડેશનની જે પ્રક્રિયા સરકારે શરૂ કરી છે એ દેશના અર્થતંત્ર માટે જરૂરી અને અગત્યના છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top