ઉશ્કેરણીજનક નિવેદન આપનાર બિલાવલ ભુટ્ટોને સીઆર પાટીલની ખુલ્લી ધમકી- ‘હિંમત હોય તો ભારત..’
CR Patil: કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સીઆર પાટીલે, પાકિસ્તાન પીપલ્સ પાર્ટી (PPP) ના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીના નિવેદન પર તીખી પ્રતિક્રિયા આપી છે, જેમાં તેમણે કહ્યું હતું કે, 'જો પાણી રોકવામાં આવ્યું તો નદીઓમાં ભારતનું લોહી વહેશે'. પાટીલે કહ્યું કે આવી ધમકીઓનો કોઈ અર્થ નથી. તેમણે બિલાવલને સીધે સીધી ધમકી આપી નાખી કે, ‘જો તારામાં હિંમત હોય તો ભારત આવીને તે બતાવ.’ ભારતે પાકિસ્તાન સાથે સિંધુ જળ સંધિ રદ કર્યા બાદ બિલાવલ ભુટ્ટોએ આપેલા ઉશ્કેરણીજનક નિવેદનના જવાબમાં પાટીલે આ પ્રતિક્રિયા આપી હતી. પહેલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે આ પગલું ભર્યું છે.
રવિવારે સુરતમાં એક કાર્યક્રમને સંબોધતા પાટીલે કહ્યું કે, 'મોદીજી કહે છે, ‘જળ છે, તો બળ છે’. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પાકિસ્તાનને (સિંધુ જળ સંધિ હેઠળ) પાણી ન મળવું જોઈએ. આ વાતથી બિલાવલ ગુસ્સે થઈ ગયો. તે કહી રહ્યો છે કે જો પાણી ન મળ્યું તો ભારતમાં લોહીની નદીઓ વહેશે. શું આપણે ડરી જઈશું? હું બિલાવલને કહું છું કે ભાઈ, જો તારામાં જરા પણ હિંમત હોય તો ભારત આવીને બતાવ. અમે આવી ધમકીઓથી ડરવાના નથી. પાણી બચાવવું એ અમારી ફરજ છે.
પાટીલે આ વાતો 2500થી વધુ વરસાદી પાણીના સંગ્રહના બાંધકામના ઉદ્ઘાટન પ્રસંગે આયોજિત એક કાર્યક્રમમાં કહી હતી. આ અવસર કાર્યક્રમમાં હાજર લોકોએ પાણી બચાવવાની પ્રતિજ્ઞા પણ લીધી હતી. પાકિસ્તાની અખબાર 'ધ ન્યૂઝ' અનુસાર, બિલાવલે કહ્યું હતું કે, 'સિંધુ અમારું પાણી હતું અને અમારું જ રહેશે, ક્યાં તો અમારું પાણી તેમાં વહેશે અથવા તેમનું લોહી.’
ભારતે 1960માં પાકિસ્તાન સાથે થયેલી સિંધુ જળ સંધિને તાત્કાલિક અસરથી સ્થગિત કરી દીધી છે. ભારતે કહ્યું છે કે, જ્યાં સુધી પાકિસ્તાન સરહદ પારથી આતંકવાદ બંધ નહીં કરે ત્યાં સુધી આ સંધિ સ્થગિત રહેશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp