એક ઇન્ડસ્ટ્રી એવી ય છે, જેમાં ભારતીય કંપનીઓએ ચાઈનાને રીતસરની ધોબીપછાડ આપી છે!

એક ઇન્ડસ્ટ્રી એવી ય છે, જેમાં ભારતીય કંપનીઓએ ચાઈનાને રીતસરની ધોબીપછાડ આપી છે!

01/01/2021 Magazine

મિતેષ પાઠક
માંડીને વાત
મિતેષ પાઠક

એક ઇન્ડસ્ટ્રી એવી ય છે, જેમાં ભારતીય કંપનીઓએ ચાઈનાને રીતસરની ધોબીપછાડ આપી છે!

આપણા મહોલ્લામાં આવીને આપણને આંખો બતાડી જાય એને શું કહીએ? દાદાગીરી? અને એ દાદાગીરીના અલગ અલગ પ્રકાર હોય પાછાં. ખુલ્લી દાદાગીરી, લુખ્ખી દાદાગીરી હોય તો મહોલ્લામાં લોકોને નડે પણ ખરી. પણ આ તો અદ્રશ્ય દાદાગીરી કે જેમાં મહોલ્લા વાળાઓને પણ મજા આવ્યા કરે છે. અને છત્તાં નુકસાન તો કરે જ છે.

લે તો એવી દાદાગીરી કોણ કરે છે? કયા મહોલ્લાની વાત છે? એ મહોલ્લો છે ભારતીય બજાર. વિશાળ બજાર. ૧૩૫ કરોડની વસ્તી ધરાવતું અફાટ બજાર. હવે ભાઇ, આટલી મોટી પ્રસ્તાવનાની શું જરૂર છે?

જરૂર છે. અને એ અદ્રશ્ય રીતે દાદાગીરી દ્વારા બજાર પર ભરડો જમાવનાર ચાઇના સિવાય બીજું કોઈ હોઈ જ ન શકે! કારણ આપણે એવી દ્રઢ માન્યતાઓ ધરાવીએ છીએ કે ચાઇના પ્રોડક્ટ્સ સસ્તી હોય છે. અને એટલે જ એની સામે હરીફાઈ નથી થઈ શકતી! સાદું નેઈલ કટર હોય કે મોબાઈલ ફોન, મિક્સર ગ્રાઇન્ડર હોય કે ઘરમાં વપરાતા વીજળીના ઉપકરણ હોય, ચાઈનીઝ ઉત્પાદક ઘરના ખૂણે ખૂણે પહોંચી ગયા છે. હા, મારા અને તમારા ઘરના ખૂણે ખૂણે પહોંચ્યા હતા.

એવી દ્રઢ માન્યતાઓ ઘર કરી ગઈ છે કે એમનો સામનો કેમ થાય? કેટલા એવા નીવડેલા ઉદાહરણ છે જે આ માન્યતાને કદાચ બદલી શકે છે. સામી ફૂંક મારવી હોય તો? સામી ફૂંક તો મારી જ આપી હતી અને અહીં આપણા દેશમાં જ નહી, પણ વિશ્વ સ્તરને ભાગતા કર્યા છે આ ચાઈનીઝ ઉત્પાદકોને.

એવી કઈ ભારતીય બ્રાન્ડ કે પ્રોડક્ટ છે કે જે વિશ્વસ્તરે નામના કાઢી ચૂકી છે? ચાલો કરીએ જરા માંડીને વાત.

બાસમતી રાઈસ, ઓલ્ડ મોંક રમ (હા મજાક નથી) કે પછી આપણા જગ વિખ્યાત મસાલા, સ્પાઈસીસ અને કરી – પહેલાં તો આટલું જ વિચારમાં આવે. પણ જો એમ કહીએ કે ભારતની ત્રણ કંપનીઓ વિશ્વ સ્તરે એક વિશ્વાસુ અને પ્રતિષ્ઠા ધરાવતી બ્રાન્ડ અને પ્રોડક્ટ ઉત્પાદક તરીકે પ્રસ્થાપિત થયા છે, તો? આપણે એમના વિશે કેટલું જાણીએ છીએ? એ કંપનીઓ છે ટૂ-વ્હિલર અને થ્રી-વ્હિલર ઉત્પાદક ભારતીય કંપનીઓ. જી હા એ  સંપૂર્ણ સ્વદેશી કંપનીઓ છે. 


એક સમય હતો જ્યારે બાઈક એટલે રાજદૂત, જાવા (યઝદી) અને રૉયલ એન્ફીલ્ડ બુલેટ. કાળો કલર. કેટલી ઇકોનોમીકલ ચાલે? એસ્થેટીક રીતે કોઈ ઇનૉવેશન નહી. ભારતીય રસ્તા માટે ખડતલ ખરાં પણ બીજી કોઈ વિશેષતા નહી. એ પછી ૧૯૮૫-૮૬ દરમ્યાન નવા નાજુકડું, એસ્થેટીક ડીઝાઈન, જબરદસ્ત ઇકોનોમીકલ એવરેજ, અને બજેટમાં પોસાય એવા જાપાનીઝ બાઈકનું આગમન થયું અને ભારતનું બાઈક કે ટૂ-વ્હિલર વિશ્વ આખું બદલાઈ ગયું. હીરો હોન્ડા (આજે તો હોન્ડા અલગ અને હીરો મોટોકોર્પ અલગ છે), ઇન્ડ સુઝુકી (જે પછી ટીવીએસ સુઝુકી અને હવે સુઝુકી અલગ અને ટીવીએસ અલગ). કાવાસાકી બજાજ અને રાજદૂત યામાહા.

દરેકને પોતાના સેગમેન્ટ અને જિયોગ્રાફી પ્રમાણે વિશાળ બજાર મળી ગયું. એક લીટર પેટ્રોલમાં ૬૫-૭૦ કિલોમીટર ચાલે. મેઈન્ટેનન્સની ઝંઝટ ઓછી. અને કલરમાં ઓપ્શન્સ. સાઈલેન્ટ, ઇગ્નીશન સ્ટાર્ટ. કેટલા બધા નવા ફીચર્સ અને સગવડ સાથે એ છવાઈ ગયા હતા.

પરંતુ ૨૦૦૫માં એક સમયે આ ભારતીય ટૂ-વ્હિલરના બગીચા પર સંકટના વાદળો છવાઈ ગયેલા!

૨૦૦૫ની સાલમાં ચાઈનીઝ કંપનીઓનું ભારતમાં આગમન થયું. ઉપર દર્શાવેલ બાઈક્સ કરતાં ૩૦% ઓછી કિંમતમાં ભારતમાં એમણે પોતાના મોડેલ્સ વેચવાનું શરૂ કર્યું. ઓછા ભાવ અને આકર્ષક શરતો જોઇને ડીલર્સ એને વેચવા તૈયાર જ હતા. આખા ભારતમાં એમનું નેટવર્ક બસ ગોઠવાઈ જ રહ્યું હતું. અખબારો અને ઓટોમોબાઈલ માંધાતાઓએ તો ભવિષવાણી કરી નાખી કે ભારતના ટૂ-વ્હિલર ઉત્પાદકોના દિવસો પૂરા!

દિવસો પૂરા થયા પણ ભારતીય ઉત્પાદકોના નહીં, ચાઈનીઝ કંપનીઓના! અને એ લોકો માત્ર છ જ મહિનાની અંદર બોરીયા બિસ્તરા બાંધીને ઉચાળા ભરીને એવા ગયા કે આજ સુધી ભારતમાં પરત આવવાની હિંમત નથી કરી!


હવે એવું તો શું થયું કે છ મહિનામાં ઉચાળા ભરવા પડ્યા?

હવે એવું તો શું થયું કે છ મહિનામાં ઉચાળા ભરવા પડ્યા?
  • અત્યંત નબળી ગુણવત્તા

બૉક્સમાં બાઈકના પાર્ટ્સ આવતા. તમારે એ બૉક્સ લઈને મિકેનિક પાસે બાઈક એસેમ્બલી કરાવવા જવું પડે. (હસવાની મનાઈ છે) અને હા પાકિસ્તાનમાં હજી આવી જ રીતે ચાઈનીઝ બાઇક વેચાય જ છે! (અહીં તમે હસી શકો છો!)

  • આફ્ટર સેલ્સ સર્વિસ કે પાર્ટની કોઈ જ વ્યવસ્થા નહી
  • એવરેજ અને ઇકોનૉમી તદ્દન ખરાબ.

બસ આ મુદ્દાઓ આપણા દેશના બાઈક ઉત્પાદકોના ધ્યાનમાં આવ્યો. અને ભારતમાં તો ચાઇનાને ઉચાળા ભરાવ્યા જ, વિશ્વ સ્તરે પણ ચાઈનાને ધોબીપછાડ આપવાનું શરુ કરી દીધું.

પહેલું કદમ ભર્યું - આફ્રિકા તરફ (આમ તો સમગ્ર એશિયા અને લેટીન અમેરિકા સહિત)

આફ્રિકામાં ૨૦૦ જેટલા ચાઈનીઝ બાઈક કંપનીઓનું વર્ચસ્વ હતું. ભારતીય ઉત્પાદકોના ગયા પછી હવે ફક્ત ૪૦ કંપનીઓ રહી. અને ભારતની ત્રણ કંપનીઓનો માર્કેટ શેર 0 to 50% થતાં જરા પણ વાર ન લાગી. અને એમાં ફક્ત ‘હમારા’ બજાજ ઓટોનો જ શેર ૪૦% છે! અને પછી ટીવીએસ અને હીરો મોટોકોર્પ છે.

તમને કદાચ ખબર નહિ હોય પણ ભારતીય ઉત્પાદક દર વરસે ૩૪-૩૫ લાખ બાઈક/સ્કુટર્સ એક્સ્પૉર્ટ કરે છે. એમાં બજાજ ઓટો વિશ્વ સ્તર એક મોટું નામ બની ચૂક્યું છે. દક્ષિણ અમેરિકન દેશોમાં, આફ્રિકન દેશોમાં અને યુરોપમાં પણ પદાર્પણ કરી ચૂક્યા છે. મેં ખુદ દક્ષિણ આફ્રિકામાં જોહાનીસબર્ગના રસ્તાઓ પર બજાજ પલ્સર જોયા છે અને ત્યાં ટાટા મોટર્સ, મહિન્દ્રા અને બજાજના શોરૂમ્સ પણ જોયા છે! એટલું જ નહિ પણ કેટીએમ નામની સ્પોર્ટ્સ બાઈક બનાવતી કંપનીમાં પણ બજાજનો મેજર સ્ટેઈક છે. ઓટો રિક્ષાની જ જો વાત કરીએ તો આપણે વરસે દિવસે પાંચ લાખ ‘હેલીકોપ્ટરિયા’ (આપણે એને આજ નામે ઓળખીએ છીએને) નિકાસ થાય છે! ઈજીપ્ત, નાઈજીરિયા, ઈન્ડોનેશિયા, કેન્યા, ઈથીઓપીયા, કોલંબિયા, બાંગ્લાદેશ સહિત લગભગ આફ્રિકન, દક્ષિણ અમેરિકા અને એશિયાના દેશોમાં બજાજ અને ટીવીએસ રિક્ષા જીવનનો એક ભાગ છે!


ભારતીય ઉત્પાદક સફળ રહ્યા એના કારણો.

ભારતીય ઉત્પાદક સફળ રહ્યા એના કારણો.
  • ચાઈનીઝ ઉત્પાદક શું કામ નિષ્ફળ ગયા, એ ખાસ ધ્યાનમાં રાખીને સ્ટ્રેટેજીક પગલાંઓ ભર્યા.
  • પહેલાં ડીલર્સ નેટવર્ક તૈયાર કર્યું,
  • સાથે સર્વિસ સ્ટેશન અને પાર્ટનું નેટવર્ક તૈયાર કર્યું.
  • એગ્રેસીવ માર્કેટિંગ કેમ્પેઈન
  • લોકલ એસેમ્બલી લાઈન શરૂ કરી.
  • લોકલ એસેમ્બલીનો બીજો ફાયદો એ થયો કે જે તે દેશના સ્પેસીફીક મોડલમાં નાના-મોટા ફેરફાર કરીને લોકલાઈઝ્ડ બ્રાન્ડનો વિશ્વાસ જીત્યો.
  • અને અત્યંત મહત્વનું - સુપીરીયર ક્વોલીટી અને શ્રેષ્ઠ આફટર સેલ્સ સર્વિસ.
    • બજાજ ઓટો, ટીવીએસ અને હીરો મોટોકોર્પ - અત્યારે ભારતની શાન છે.

    • સમરાઈઝ કરીએ તો, ક્વોલિટી, ગ્રાહકોનો ભરોસો, વેલ્યૂ એડીશન, કોમ્પીટીટીવ પ્રાઇસ અને આફ્ટર સેલ્સ સર્વિસ. આના પર ફોકસ્ડ રહીને કામ કરતી ઇન્ડસ્ટ્રી કે પ્રોડક્ટ ચાઇના જ નહીં પણ કોઈ પણ હરીફાઇને તોડવા સક્ષમ છે. જે કોઇ પણ પ્રોડક્ટ અને સેવાઓમાં લાગુ પડે છે. જરૂર છે એ દિશામાં ફોકસ કરીને કાર્ય કરતા થઈએ એટલે વિશ્વ સ્તરે સ્થાન જમાવતાં કોઇ નહી રોકી શકે.

      વિચારો. તમારા વિચાર જણાવશો. શેર કરશો. આભાર

      આંકડા અને વિગતોનો સોર્સ : SIAM - Society of Indian Automobile Manufacturers.


    તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

    Join WhatsApp

    Comments

    Top