ATS-કોસ્ટ ગાર્ડને મળી મોટી સફળતા, પોરબંદર નજીક દરિયામાંથી પકડાયું આટલા કરોડ રૂપિયાનું ડ્રગ્સ
પોરબંદર નજીકના દરિયામાંથી 300 કિલો ડ્રગ્સ જપ્ત કરવામાં આવ્યું છે. ATS અને કોસ્ટ ગાર્ડે સંયુક્ત ઓપરેશનમાં આ સફળતા મેળવી હતી. આ ડ્રગ્સની કિંમત 1800 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. એક અધિકારીએ જણાવ્યું હતું કે, પાકિસ્તાનથી તસ્કરી કરીને લાવવામાં આવેલા ડ્રગ્સને તસ્કરોએ માછલી પકડવાની બોટમાંથી દરિયામાં ફેંકી દીધું હતું. જ્યારે તસ્કરોએ પેટ્રોલિંગ ટીમને જોઈ, ત્યારે તેમણે ધરપકડથી બચવા માટે ડ્રગ્સ ફેંકીને પાકિસ્તાનના કબજા હેઠળના દરિયાઈ વિસ્તારમાં જતા રહ્યા. ATSએ ડ્રગ્સ જપ્ત કરી લીધું છે અને મામલાની તપાસ કરી રહી છે.
ગુજરાતના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ તેમના સત્તાવાર X એકાઉન્ટ (અગાઉ ટ્વીટર) પર આ માહિતી આપી છે. તેમણે લખ્યું કે, ‘આ ઓપરેશન ડ્રગ તસ્કરી સામે નિપટવામાં સુરક્ષા એજન્સીની અસરકારકતા દર્શાવે છે ડ્રગ્સની જપ્તી દરિયાકાંઠે માદક પદાર્થોની તસ્કરીને રોકવા માટેના ચાલુ પ્રયાસોનો એક ભાગ છે. 2 થી 13 એપ્રિલની રાત્રિ દરમિયાન ચલાવવામાં આવેલા ઓપરેશનમાં, ભારતીય કોસ્ટ ગાર્ડે ગુજરાત ATS સાથે મળીને દરિયામાં ગુપ્ત માહિતી આધારિત નાર્કોટિક્સ વિરોધી ઓપરેશન હાથ ધર્યું હતું. આશરે 1,800 કરોડ રૂપિયાની કિંમતનું 300 કિલોથી વધુ માદક દ્રવ્યો જપ્ત કરવામાં આવ્યા છે.
તેમણે કહ્યું કે, ATS પાસેથી મળેલી વિશ્વસનીય ગુપ્ત માહિતીના આધારે, ICG જહાજે ગાઢ અંધારા છતા એક શંકાસ્પદ બોટ ઓળખી કાઢી. નજીક આવતા જહાજનો અનુભવ કરતા, શંકાસ્પદ બોટે ડ્રગ્સનો જથ્થો દરિયામાં ફેંકી દીધો અને પછી IMBL તરફ ભાગી ગયા. ICG જહાજે શંકાસ્પદ બોટનો ઝડપથી પીછો કર્યો અને તરત જ ડમ્પ કરેલા માલને મેળવવા માટે તેની દરિયાઈ બોટ તૈનાત કરી.
ગુજરાત ATSના સુનિલ જોશીએ જણાવ્યુ હતું કે, ગુજરાત ATSને 10 એપ્રિલે બાતમી મળી હતી, જેના આધારે ઓપરેશન હાથ ધરવામાં આવતા 13 એપ્રિલની રાત્રે પોરબંદર નજીક ભારતીય સીમામાં ચેનલ નંબર-48 પાસે એક બોટ ભારતીય જળસીમામાં આગળ વધી રહી હતી. ત્યારે આ પાકિસ્તાની બોટમાં સવાર ક્રૂ મેમ્બરોએ દૂરથી કોસ્ટ ગાર્ડની ટીમને જોઈ લીધી, જેથી તેમાં રહેલા લોકોએ બ્લૂ રંગના ડ્રમ્સ દરિયામાં ફેંકી દીધા અને પાકિસ્તાની બોટ સાથે ક્રૂ મેમ્બર IMBL તરફ આગળ નીકળી ગયા હતા, ત્યારે કોસ્ટ ગાર્ડની ટીમે પાકિસ્તાની બોટનો પીછો કર્યો હતો, પરંતુ પાકિસ્તાની બોટ ભારતીય જળસીમામાંથી બહાર નીકળી ગઈ હતી. દરિયામાં ફેંકવામાં આવેલા બ્લૂ રંગના ડ્રમ્સની તપાસ કરતા તેમાંથી 311 પેકેટ્સમાં લગભગ 311 કિલોગ્રામ ડ્રગ્સ મળી આવ્યું હતું, જેની અંદાજિત કિંમત 1800 કરોડ રૂપિયા છે.
ગુજરાતની જળસીમામાંથી ગુજરાત ATS દ્વારા વર્ષ 2018 થી લઈને અત્યાર સુધીમાં કુલ 20 જેટલા ડ્રગ્સના કેસ નોંધ્યા છે, જેમાં 5445.756 કિલોગ્રામ ડ્રગ્સનો જથ્થો ઝડપી પાડ્યો છે, જેની અંદાજિત કિંમત લગભગ 10277.12 કરોડ રૂપિયા છે. ડ્રગ્સ તસ્કરીના મામલે અત્યાર સુધી 163 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં 77 પાકિસ્તાની, 34 ઈરાની, 4 અફઘાની, 2 નાઈજીરિયન અને 46 ભારતીય આરોપીઓનો સમાવેશ થાય છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp