સ્પાયવેર ‘પેગાસસ’ દ્વારા ભારતમાં જાસૂસી થતી હોવાનો આરોપ : જાણો કેન્દ્ર સરકારે આ અંગે શું કહ્યું

સ્પાયવેર ‘પેગાસસ’ દ્વારા ભારતમાં જાસૂસી થતી હોવાનો આરોપ : જાણો કેન્દ્ર સરકારે આ અંગે શું કહ્યું

07/19/2021 Sci-Tech

SidhiKhabar

SidhiKhabar

સ્પાયવેર ‘પેગાસસ’ દ્વારા ભારતમાં જાસૂસી થતી હોવાનો આરોપ : જાણો કેન્દ્ર સરકારે આ અંગે શું કહ્યું

નવી દિલ્હી: દેશની સંસદમાં આજથી ચોમાસું સત્ર શરૂ થવા જઈ રહ્યું છે ત્યારે ગઈકાલે રાત્રે ભારતના મીડિયા સંસ્થાન ‘ધ વાયર’ અને અન્ય કેટલાક વિદેશી અખબારો દ્વારા દુનિયાની વિવિધ સરકારો પર ઇઝરાયેલી કંપનીના સ્પાયવેર ‘પેગાસસ’ (Pegasus) દ્વારા પત્રકારો, મંત્રીઓ અને અન્ય વ્યક્તિઓની જાસૂસી કરવાનો આરોપ લગાવવામાં આવ્યો છે.

મીડિયા દ્વારા પ્રકાશિત કરવામાં આવેલા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો કે ભારતમાં પણ લગભગ ૪૦ જેટલા પત્રકારો, કેટલાક ન્યાયાધીશ અને વિપક્ષી નેતાઓ તેમજ મંત્રીઓના ફોનની જાસૂસી કરવામાં આવી રહી હતી. જોકે, તેમના નામો જાહેર કરવામાં આવ્યા નથી.

અમે દરેક નાગરિકોના ગોપનીયતાના અધિકારો સુનિશ્ચિત કરવા પ્રતિબદ્ધ : સરકાર

આ રિપોર્ટ સામે આવ્યાના થોડા જ સમયમાં ભારત સરકારના આઈટી મંત્રાલય (IT Ministry) દ્વારા એક અધિકારીક નિવેદન જારી કરવામાં આવ્યું અને તમામ આરોપોને નકારી દેવામાં આવ્યા હતા. સરકારે આરોપોના જવાબમાં દેશને લોકતંત્ર ગણાવીને કહ્યું કે, તેઓ દરેક નાગરિકના ગોપનીયતાના અધિકાર સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે. સરકારે કહ્યું કે નાગરિકોની પ્રાઈવસીની સુરક્ષા અને સોશિયલ મીડિયા યુઝર્સના સશક્તિકરણ માટે સરકારે પર્સનલ ડેટા પ્રોટેકશન અને આઈટી એક્ટ, ૨૦૨૧ પણ લાગુ કર્યા છે.

પૂરતું સંશોધન નથી થયું કે મહેનત કરવામાં નથી આવી

સરકારે મીડિયા દ્વારા લગાવવામાં આવેલા આરોપોને તથ્યોથી વેગળા અને પૂર્વકલ્પિત નિષ્કર્ષ ઉપર આધારિત ગણાવ્યા હતા. કેન્દ્રીય આઈટી મંત્રાલયના અધિક સચિવે સરકાર તરફથી જવાબ આપતા કહ્યું કે, સરકાર સમક્ષ જે પ્રશ્નો મૂકવામાં આવ્યા છે તે જોઇને લાગે છે કે આ માટે પૂરતું સંશોધન કરવામાં આવ્યું નથી અને એ પણ દર્શાવે છે કે સબંધિત મીડિયા સંસ્થાનો દ્વારા મહેનત કરવામાં આવી નથી.

કેન્દ્રે સ્પષ્ટતા કરતા કહ્યું કે, જે પ્રશ્નો તેમને પૂછવામાં આવી રહ્યા છે તેના જવાબ સાર્વજનિક રૂપે લાંબા સમયથી ઉપલબ્ધ છે. સરકારનું કહેવું છે કે પેગાસસને લઈને પહેલેથી જ જવાબ આપવામાં આવી ચુક્યો છે અને આ કંપની સાથે ભારત સરકારના કથિત સબંધોની વાત કરવી એ દુર્ભાગ્યપૂર્ણ આરોપ છે. અત્રે ઉલ્લેખનીય છે કે આ પહેલા સરકાર તરફથી તત્કાલીન આઈટી મંત્રી રવિશંકર પ્રસાદે સંસદમાં કહ્યું હતું કે કોઈ પણ સરકારી એજન્સી કોઈ પણ પ્રકારની જાસૂસીમાં બિનઅધિકૃત રીતે સામેલ નથી.

જાસૂસીના આરોપોમાં કોઈ સત્યતા નથી, ભારતમાં કોલ-ટેક્સ્ટ ઇન્ટરસેપ્ટ કરવા ખાસ પ્રોટોકોલ

સરકારે કહ્યું કે, કેટલાક ખાસ પત્રકારોની કથિત જાસૂસીના આરોપોમાં કોઈ સત્યતા નથી. કોઈ પણ કેન્દ્રીય એજન્સીએ કોઈ પણ વ્યક્તિના કોલ- ટેક્સ્ટ વગેરે ઇન્ટરસેપ્ટ કરવું હોય તો તે માટે એક પ્રોટોકોલ છે અને જે હેઠળ રાજ્ય અને કેન્દ્ર સરકારોના વરિષ્ઠ અધિકારીઓની મંજૂરી લેવી આવશ્યક છે. રાષ્ટ્રીય હિતમાં જ આમ કરવામાં આવે છે અને વરિષ્ઠ અધિકારીઓ તેની ઉપર સતત નજર રાખે છે. સરકારે એમ પણ જણાવ્યું કેમ આ પહેલા પણ સરકાર ઉપર પેગાસસ દ્વારા વોટ્સએપ પર લોકોની જાસૂસી કરવાનો આરોપ લાગ્યો હતો, જેને ખુદ વોટ્સએપ દ્વારા સુપ્રીમ કોર્ટમાં નકારી દેવામાં આવ્યા હતા.

સરકારનું અધિકારીક નિવેદન જણાવે છે કે, ન્યુઝ રિપોર્ટ અટકળો અને અતિશયોક્તિ ઉપર આધારિત છે. જે ભારતીય લોકતંત્ર અને તેની સંસ્થાઓને બદનામ કરવા માટે લખવામાં આવ્યા છે. ભારતમાં આ પ્રકારના ઇન્ટરસેપ્શન સાર્વજનિક અથવા રાષ્ટ્રીય સુરક્ષા માટે જ કરવામાં આવે છે અને રાજ્ય અને કેન્દ્રની એજન્સીઓએ આ માટે કેન્દ્રીય ગૃહ સચિવની અનુમતિ લેવી પડે છે.

શું હતો રિપોર્ટ?

અહીં નોંધવું મહત્વનું છે કે, ગઈકાલે રાત્રે ભારતના ‘ધ વાયર’ અને અમેરિકાના ‘ધ ગાર્ડિયન’, ‘વોશિંગ્ટન પોસ્ટ’ સહિત કેટલાક મીડિયા સંસ્થાનોએ એક રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો હતો કે ઇઝરાયેલની કંપનીના સ્પાયવેર ‘પેગાસસ’ દ્વારા દુનિયાભરની સરકારો પત્રકારો, નેતાઓ વગેરેની જાસૂસી કરાવે છે. જેમાં ભારતના પણ કેટલાક લોકો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.

રિપોર્ટમાં ભારતના ૪૦ પત્રકારો, ૩ અગ્રણીઓ, ૨ મંત્રીઓ અને ૧ જજની જાસૂસી કરવામાં આવી હોવાનું કહેવામાં આવ્યું છે. જોકે, આ તમામના નામો જાહેર કરવામાં નથી આવ્યા પરંતુ અહેવાલો ભારતના કેટલાક મોટા મીડિયા હાઉસના તંત્રીઓ અને પત્રકારો હોવાનું જણાવી રહ્યા છે.

(Photo Credit: India Today)


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top