પાકિસ્તાનના આ પોર્ટ પર હુમલો કરવા તૈયાર હતું ભારતીય નૌકાદળ, ‘ઓપરેશન સિંદૂર’ પર નેવીનો ખુલાસો
રવિવારે ત્રણેય ભારતીય સેનાઓએ સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ યોજીને 7 મેના રોજ પાકિસ્તાન અને પાકિસ્તાન અધિકૃત કાશ્મીર (PoK)માં 9 આતંકવાદી છાવણીઓ પર કરવામાં આવેલા હવાઈ હુમલા અને ત્યારબાદ ઉભી થયેલી પરિસ્થિતિમાં પાકિસ્તાન વિરુદ્ધ પોતાની કાર્યવાહી અંગે માહિતી આપી હતી. આ પ્રેસ કોન્ફરન્સમાં, નેવલ ઓપરેશન્સના ડિરેક્ટર જનરલ (DGNO) વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળ 9 મેની રાત્રે પાકિસ્તાનની સમુદ્રી સીમામાં તેના પ્રતિષ્ઠાનો, કરાચી પોર્ટ સહિત તેની જમીન પર પસંદગીના લક્ષ્યોને નિશાન બનાવવા અને નાશ કરવા માટે સંપૂર્ણપણે તૈયાર હતી, માત્ર તેને ભારત સરકારના નિર્દેશનો ઇંતજાર હતો. વાઇસ એડમિરલે કહ્યું કે, ભારતીય નૌકાદળ આ બધુ કરવામાં પૂરી રીતે સક્ષમ છે.
ઓપરેશન સિંદૂર પર ત્રણેય સેનાઓની સંયુક્ત પ્રેસ બ્રીફિંગ દરમિયાન, વાઇસ એડમિરલ એ.એન. પ્રમોદે જણાવ્યું હતું કે, ‘22 એપ્રિલના રોજ પાકિસ્તાન પ્રાયોજિત આતંકવાદીઓ દ્વારા જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં નિર્દોષ પ્રવાસીઓ પર કરાયેલા કાયરતાપૂર્ણ હુમલા બાદ, ભારતીય નૌકાદળે તાત્કાલિક પોતાના કર્મચારીઓ, યુદ્ધ જહાજો, સબમરીન અને ફાઇટર એરક્રાફ્ટને સંપૂર્ણ યુદ્ધ તત્પરતા સાથે સમુદ્રમાં તૈનાત કર્યા હતા. અમે આતંકવાદી હુમલાના 96 કલાકની અંદર અરબી સમુદ્રમાં અમારા હથિયાર અને યુદ્ધ જહાજોની તૈયારીનું પરીક્ષણ કર્યું અને અમારા દળો ઉત્તર અરબી સમુદ્રમાં દુશ્મન સામે નિર્ણાયક કાર્યવાહી કરવા માટે સંપૂર્ણ તૈયારી અને ક્ષમતા સાથે તૈનાત રહ્યા, જેથી કરાચી સહિત સમુદ્ર અને જમીન પર દુશ્મનના પસંદગીના લક્ષ્યો પર હુમલો કરી શકાય.
DGNOએ કહ્યું કે, ‘ભારતીય નૌકાદળે પાકિસ્તાન નૌકાદળ અને તેના હવાઈ એકમોને રક્ષાત્મક સ્થિતિમાં રહેવાની ફરજ પાડી, જે મોટે ભાગે બંદરોની અંદર અથવા દરિયાકાંઠાની ખૂબ નજીક, જેના પર અમે સતત નજર રાખી હતી. પહેલા દિવસથી જ અમારો પ્રતિભાવ માપેલ, પ્રમાણસર અને જવાબદાર રહ્યો છે. પાકિસ્તાન દ્વારા કરવામાં આવતી કોઈપણ પ્રતિકૂળ કાર્યવાહીનો નિર્ણાયક જવાબ આપવા માટે ભારતીય નૌકાદળ સમુદ્રમાં તૈનાત રહી છે. ભારતીય સેના અને વાયુ સેનાએ 7 મેના રોજ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસન અને PoKની અંદર 9 આતંકી ઠેકાણા પર એરસ્ટ્રાઈક કરી, જેમાં જૈશ, લશ્કર અને હિઝબુલ મુઝાહીદ્દીનના 100થી વધુ આતંકી માર્યા ગયા.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp