ડીસા બ્લાસ્ટ કેસમાં 3 રાજ્યોમાં તપાસનો ધમધમાટ તેજ, આરોપીઓ સામે લાગવાઈ આ કલમ
Deesa Blast Case: ગઇકાલે બનાસકાંઠાના ડીસામાં એક ગેરકાયદેસર ફટાકડાની ફેક્ટરી અને ગોડાઉનમાં જોરદાર બ્લાસ્ટ થયો હતો, જેમાં 21 શ્રમિકોની જિંદગી હોમાઈ ગઈ. તેમાંથી 19 મૃતકોના પરિવારજોનએ ઓળખ કરી લીધી છે, પરંતુ 2 લોકોના મૃતદેહો એટલી ખરાબ હાલતમાં છે કે તેમની ઓળખ જ થઇ શકી નથી. એટલું જ ન ઘણા શ્રમિકો દાઝી ગયા છે, જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ઘટના બાદ તપાસનો ધમધમાટ શરૂ થયો અને જવાબદારો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ગેરકાયદેસર ફેક્ટરીના માલિક ખૂબચંદ રેણુમલ મોહના અને તેના પુત્ર દીપકની ધરપકડ કરવામાં આવી છે.
ઘટનાસ્થળેથી 21 મૃતદેહ મળી આવ્યા, જેમાંથી 19 લોકોની ઓળખ તેમના પરિવારજનોની હાજરીમાં પૂરી કરી લેવામાં આવી છે. પરંતુ બાકીના 2 મૃતદેહોની હાલત એટલી ખરાબ છે કે તેમની ઓળખ માટે DNA ટેસ્ટ કરવાની જરૂર પડી છે. આ 2 મૃતકોમાં લક્ષ્મીબેન અનિલભાઈ નાયક (ઉંમર 50 વર્ષ) અને સંજય સંતોષ નાયક (ઉંમર 10 વર્ષ) હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે, જેઓ આ ઘટના પછી ગાયબ છે.
SP અક્ષયરાજ મકવાણાએ પ્રેસ કોન્ફરન્સ કરીને જણાવ્યું હતું કે, 'આ કેસમાં આરોપી પિતા-પુત્ર સામે મનુષ્ય વધનો ગુનો નોંધવામાં આવ્યો છે. ગણતરીના કલાકોમાં મુખ્ય 2 આરોપીને ઈડરથી ઝડપી પાડવામાં આવ્યા છે. હાલમાં FSLની ટીમે પ્રાથમિક તપાસ કરી રિપોર્ટ તૈયાર કર્યો છે. જેમાં ગોડાઉનમાંથી ફટાકડાનો જથ્થો મળ્યો છે, પોલીસને જ્યાં જ્યાંથી માલ મળ્યો, ત્યાં તપાસ કરવામાં આવી રહી છે. આ ઉપરાંત તમિલનાડુ, રાજસ્થાન અને મધ્ય પ્રદેશમાં પણ ફટાકડાનો વેપાર કરતા હતા તેને લઈને તપાસ ચાલી રહી છે.
તેમણે વધુમાં કહ્યું કે, એલ્યુમિનિયમ પાઉડરને કારણે વિસ્ફોટ થયો છે. એલ્યુમિનિયમનું સરળતાથી વેચાય છે અને એલ્યુમિનિયમમાં બ્લાસ્ટ થાય તો તે ખૂબ સળગે છે જેના કારણે આટલી મોટી દુર્ઘઘટના ઘટી છે. આરોપીઓના સાબરકાંઠામાં પણ ગોડાઉન છે અને આરોપીઓના કોની-કોની સાથે કનેક્શન હતા તેની તપાસ ચાલી રહી છે, આરોપીના રિમાન્ડ બાદ વધુ માહિતી સામે આવી શકે છે. આ ઉપરાંત દીપક ક્રિકેટ સટ્ટાના ગુનામાં સંડોવાયેલો છે. આ કેસમાં કેમિકલ સાથે સંકળાયેલા એક્સપર્ટ્સની મદદ લેવામાં આવશે. હાલમાં આરોપીઓ ફટાકડા પ્રોડક્શનનું સ્વીકારી રહ્યા નથી.'
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp