ખાન યુનિસ વિસ્તારમાં ઇઝરાયેલી સેનાના હુમલામાં 19 માર્યા ગયા, હમાસના ત્રણ ટોચના કમાન્ડર પણ ઠાર
ઈઝરાયેલ અને હમાસ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને એક વર્ષ થવા જઈ રહ્યું છે. હમાસને ખતમ કરવાનો ઇઝરાયેલનો નિર્ણય ગાઝા પટ્ટીના લોકો પર ભારે પડી રહ્યો છે. તે જ સમયે, હમાસ પણ તેની ગતિવિધિઓથી હટી રહ્યું નથી. આ બધાની વચ્ચે ઇઝરાયેલી સેનાએ દક્ષિણ ગાઝામાં હુમલામાં હમાસના ત્રણ ટોચના કમાન્ડરોને માર્યા હોવાનો દાવો કર્યો છે.
ગાઝાના સ્વાસ્થ્ય અધિકારીઓએ ઈઝરાયેલી સેનાના આ હુમલાની જાણકારી આપી હતી. તેમણે કહ્યું કે હુમલામાં ખાન યુનિસના મવાસી વિસ્તારમાં વિસ્થાપિત પેલેસ્ટાઈનીઓના ભીડવાળા તંબુ કેમ્પને નિશાન બનાવવામાં આવ્યો હતો. આ હુમલામાં ઓછામાં ઓછા 19 લોકોના મોત થયા હતા, જ્યારે ઘણા લોકો કાટમાળમાં ફસાયા હતા અને ઘણા ઘાયલ થયા હતા. આ હુમલાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો ફૂટેજમાં કેટલાય ટેન્ટમાં આગ લાગતી જોઈ શકાય છે. સાથે જ અનેક જગ્યાએ મોટા ખાડાઓ જોવા મળી રહ્યા છે.
ઇઝરાયેલી સેનાએ પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે, હુમલામાં ગાઝા પટ્ટીમાં હમાસના એર યુનિટના વડા સમર ઇસ્માઇલ ખાદર અબુ ડક્કા, હમાસના લશ્કરી ગુપ્તચર મુખ્યાલયમાં નિરીક્ષણ વિભાગના વડા ઓસામા તાબેશ, અને હમાસનો એક વરિષ્ઠ આતંકવાદી અયમાન મબૌહ માર્યો ગયો. સેનાએ એમ પણ કહ્યું કે આ ત્રણ આતંકવાદીઓ 7 ઓક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઇઝરાયેલ પર હમાસના હુમલામાં સીધા સામેલ હતા. આટલું જ નહીં. તેઓ તાજેતરમાં જ ઇઝરાયલી સંરક્ષણ દળો અને ઇઝરાયેલ વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓની યોજના બનાવી રહ્યા હતા.
આ ઉપરાંત, ઇઝરાયેલી સેનાએ મધ્ય ગાઝામાં બુરીજ શરણાર્થી શિબિરમાં અલ-ફારૂક મસ્જિદ પર બીજો હુમલો કર્યો. આ હુમલા અંગે IDFએ કહ્યું કે તેનો ઉદ્દેશ્ય મસ્જિદની અંદર સ્થિત હમાસના અન્ય કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરને નષ્ટ કરવાનો હતો.
સાત ઓક્ટોબરનો મુદ્દો શું છે?
7 ઓક્ટોબરે દક્ષિણ ઇઝરાયેલમાં થયેલા આતંકવાદી હુમલામાં 1205 લોકો માર્યા ગયા હતા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા હતા. તેમાંથી 97 હજુ પણ ગાઝામાં છે, જ્યારે 33 બંધકોના મોત થયા છે. ઇઝરાયેલ પર હુમલો કરનાર હમાસ જૂથનું નેતૃત્વ યાહ્યા સિનવારે કર્યું હતું. આ પછી ઈઝરાયેલે જવાબી કાર્યવાહી કરી, જે હજુ પણ ચાલુ છે. હમાસ સંચાલિત પ્રદેશમાં આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર ગાઝામાં ઇઝરાયેલના જવાબી હુમલામાં અત્યાર સુધીમાં ઓછામાં ઓછા 40,972 લોકો માર્યા ગયા છે. સંયુક્ત રાષ્ટ્ર માનવાધિકાર કાર્યાલયનું કહેવું છે કે મૃતકોમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp