બાઈડને રશિયાની સરહદોએ અમેરિકી સૈન્ય મોકલ્યું, પણ કહ્યું- યૂક્રેનમાં ત્રીજું વિશ્વયુદ્ધ લડીશું નહીં
રશિયા-યૂક્રેન યુદ્ધ: રશિયા અને યૂક્રેન છેલ્લા 17 દિવસથી યુદ્ધ લડી રહ્યા છે. પરંતુ હજુ સુધી કોઈ પણ પ્રકારની શાંતિના સંકેત દેખાઈ રહ્યા નથી.રશિયન હુમલા બાદ યૂક્રેનના ઘણા શહેરો બરબાદ થઈ ગયા છે. યુદ્ધમાં બંને દેશોને ભારે નુકસાન થઈ રહ્યું છે. યૂક્રેન પર રશિયાએ આક્રમણ કર્યા બાદ અમેરિકા સહિતના દેશોએ રશિયા પર આર્થિક પ્રતિબંધો લગાવ્યા છે. જોકે, સીધી રીતે એક પણ દેશ આ યુદ્ધમાં કુદ્યો નથી. રશિયન રાષ્ટ્રપતિ પુતિને યુદ્ધ જાહેર કરતી વખતે જ ચેતવણી આપી હતી કે જો કોઈ પણ દેશ હસ્તક્ષેપ કરવાના પ્રયત્નો કરશે તો ઇતિહાસમાં ક્યારેય નહીં ભોગવ્યા હોય તેવાં પરિણામો ભોગવવાં પડશે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડન અગાઉ પણ રશિયા વિરુદ્ધ પ્રતિબંધો લગાવવાની જાહેરાત કરી ચૂક્યા છે ત્યારે હવે તેમણે રશિયાની ઘેરાબંધી માટે સૈન્ય મોકલ્યું છે. જોકે, સાથે તેમણે એમ કહ્યું કે યૂક્રેનમાં ત્રીજું વિશ્વયુદ્ધ લડવાની તેમની કોઈ યોજના નથી. જેથી આડકતરી રીતે તેમણે યૂક્રેન સામે ઊંચા હાથ કરી મૂક્યા છે.
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડને એક નિવેદનમાં જણાવ્યું કે, તેમણે રશિયાની સરહદે આવેલા લતાવિયા, એસ્ટોનિયા, લીથુઆનિયાઅને રોમાનિયામાં અમેરિકી સૈન્ય મોકલી આપ્યું છે. જેમાં અમેરિકી સેનાના લગભગ બાર હજાર સૈનિકો સામેલ છે. સાથે તેમણે પુતિનને સંબોધીને કહ્યું કે, યૂક્રેન સામે શરૂ કરેલું યુદ્ધ તેઓ ક્યારેય જીતી શકશે નહીં અને અમેરિકા નાટો ક્ષેત્રના એક-એક ઇંચની રક્ષા કરશે. જોકે, નોંધવું જોઈએ કે યૂક્રેન નાટોનું સભ્ય નથી.
અમેરિકાના રાષ્ટ્રપતિ બાઈડેને કહ્યું કે, “રશિયાના સૈનિકોના સેન્ય હુમલાની સામે યૂક્રેનના લોકોએ પોતાની બહાદુરી અને સાહસનું પ્રદર્શન કર્યું છે. અમેરિકા તેમને સમર્થન આપવામાં પાછળ નહીં પડે. અમે યૂક્રેનની સાથે ઉભા છીએ. સાથે યુરોપના સહયોગી રાષ્ટ્રો સાથે પણ તેમના સમર્થનમાં ઉભા છીએ.” બાઈડને કહ્યું કે રશિયાની સરહદના આસપાસના વિસ્તારોમાં તેમણે સેના મોકલી આપી છે અને આ સૈનિકો રશિયાની ઘેરાબંધી કરશે. તેમણે એમ પણ કહ્યું કે અમે વળતો જવાબ આપીશું તો ત્રીજું વિશ્વ યુદ્ધ થશે તે સ્પષ્ટ છે. પરંતુ અમે નાટોની રક્ષા કરવા માટે સંકલ્પિત છીએ. પરંતુ અમે યૂક્રેનમાં ત્રીજું વિશ્વ યુદ્ધ નહીં લડીએ.
જો બાઈડેને ધમકીના સ્વરે કહ્યું કે, "અમે પુતિન પર આર્થિક દબાણ વધારવા અને વૈશ્વિક મંચ પર રશિયાને અટૂલું પાડવા માટે સક્ષમ છીએ. અમેરિકી પાયલોટ અને સૈન્ય વિમાનો અને ટેન્કો સાથે રવાના થઇ રહ્યા છે. તેમણે એમ પણ કહ્યું કે, G-7 દેશો જેવા કે કેનેડા, ફ્રાંસ, જર્મની, ઇટલી, જાપાન, બ્રિટેન, અમેરિકાએ રશિયા પર પાબંધી લાદવા જરૂરી પગલાં લીધાં છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp