ચિકિત્સા ચતુષ્પાદ: શું તમે જાણો છો, એક ચિકિત્સા કર્મ ક્યારે સંપૂર્ણ સફળ થાય?
12/14/2020
Magazine
આયુર્ગાથા : આયુર્વેદની જાણી-અજાણી વાતો
વૈદ્ય પાર્થ ઠક્કર
MD (Ayurved), Ayurved Medical Officer, Class-II
“ચિકિત્સા ચતુષ્પાદ”નું વર્ણન એ આયુર્વેદનો એક યુનિક અને વિશિષ્ટ કોન્સેપ્ટ છે. સારવારની ક્રિયાની આખી ફિલોસોફી એમાં સમાયેલી છે. એક ચિકિત્સા કર્મ ક્યારે મહત્તમ સફળ થાય એ આયુર્વેદના ઋષિઓએ બહુ જ સરસ સમજાવ્યું છે. “ચતુષ્પાદ” નામ પરથી જ ખબર પડે છે કે એક ચિકિત્સા કર્મ એટલે કે સારવાર ચાર પગ પર ટકેલી છે. આ ચારેય પગના પણ આગળ ચાર-ચાર ગુણો દર્શાવ્યા છે. આ ગુણોમાંથી જેટલા મહત્તમ ગુણો ચારેયના મળે, એટલી ચિકિત્સાની સફળતાની શક્યતા વધે. ચાલો જોઈએ, ચિકિત્સાના ચાર પગ અને એ દરેક પગના ગુણો જે ચિકિત્સાને સફળ બનાવે છે. આયુર્વેદના આચાર્યોએ “આયુર્વેદ ચિકિત્સા ચતુષ્પાદ” નહીં, પણ “ચિકિત્સા ચતુષ્પાદ”નું વર્ણન કર્યું છે. મતલબ કે સારવાર પદ્ધતિ કોઈ પણ હોય, આ ચતુષ્પાદનો કોન્સેપ્ટ દરેકમાં કામ કરે છે, માત્ર આયુર્વેદમાં નહીં. આખો લેખ વાંચશો એટલે એ કેટલા સૂક્ષ્મ સ્તરે કામ કરે છે એ સમજાશે. ચરક્સંહિતામાં આ “ચિકિત્સા ચતુષ્પાદ”નું વર્ણન સૂત્રસ્થાનના નવમા અધ્યાય “खुड्डाकचतुष्पादम्” માં જોવા મળે છે.
भिषग्द्रव्याण्युपस्थाता रोगी पादचतुष्टयम्।
गुणवत् कारणं ज्ञेयं विकारव्युपशान्तये॥ (च. सू. ९/३)
ભિષક્ (વૈદ્ય), દ્રવ્ય (ઔષધ), ઉપસ્થાતા (પરિચારક) અને રોગી- આ ચાર ચિકિત્સાના પગ છે. એ ચારેય જો એમના ગુણોથી યુક્ત હોય, તો (બહુ જ સરળતાથી) રોગની શાંતિ થાય છે.
(1) વૈદ્યના ગુણો
श्रुते पर्यवदातत्वं बहुशो द्रष्टकर्मता।
दाक्ष्यं शौचमिति ज्ञेयं वैद्ये गुणचतुष्टयम्॥ (च. सू. ९/६)
- श्रुते पर्यवदातत्वं- એટલે કે શાસ્ત્રીય જ્ઞાન- ગ્રંથો અને સંહિતાઓના જ્ઞાનમાં નિપુણતા, જેને આપણે સાદી ભાષામાં થિયરીટિકલ નોલેજ કહીએ છીએ એ. વૈદ્ય પોતે જે શાસ્ત્ર ભણે છે અને જે કાર્ય એણે આજીવન કરવાનું છે એનું એને પૂરેપુરું જ્ઞાન હોવું જોઈએ.
- बहुशो द्रष्टकर्मता- એટલે કે અનેક ચિકિત્સા કર્મો થતાં પ્રત્યક્ષ જોવાં એટલે કે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ. જ્યાં સુધી વૈદ્યએ અનેક ચિકિત્સાકર્મો થતાં નજરે જોયાં ન હોય ત્યાં સુધી એને એમાં આત્મવિશ્વાસ ન આવે એ સ્વાભાવિક છે.
- दाक्ष्यं- એટલે કે કાર્યદક્ષતા અને ચિકિત્સા કર્મની સ્કિલ. એ દરેક ચિકિત્સા કર્મો એ પોતે પોતાના હાથે બહુ સારી રીતે કરી શકે એવી સ્કિલ અને કોન્ફિડન્સ એનામાં હોવા જોઈએ.
- शौचं- શૌચ એટલે સ્વચ્છતા. આ સ્વચ્છતા પણ માત્ર બાહ્ય- શરીર અને વસ્ત્રોની નહીં. આપણા શાસ્ત્રો જ્યારે “શૌચ”ની વાત કરતા હોય ત્યારે એમાં બાહ્ય સાથે આભ્યંતર એટલે કે અંદરની- મનની અને આચરણની શુદ્ધતા પણ એટલી જ મહત્વની હોય છે. વૈદ્યની આંતર-બાહ્ય સ્વચ્છતા જેટલી વધારે હશે એટલી પોઝિટિવ એનર્જી એ એના દર્દીને પણ આપી શકશે. અને રોગીનો રોગ સારો થવામાં, એને સારું સ્વાસ્થ્ય મળવામાં એ પણ એક મહત્વનો ભાગ ભજવશે.
(વૈદ્ય કેવો હોવો જોઈએ અને એણે શું –કેમ કરવું જોઈએ એ માટેના બીજા અનેક સૂચનો આખી સંહિતામાં યત્ર-તત્ર જોવા મળે છે.)
(2) ઔષધના ગુણો
बहुता तत्र योग्यत्वं अनेकविधकल्पना।
संपच्चेति चतुष्कोऽयं द्रव्याणां गुण उच्यते॥ (च. सू. ९/७)
- बहुता- એટલે વિપુલ પ્રમાણમાં પ્રાપ્ય હોવું, અવેલેબિલિટી. ઔષધિ ગમે તેટલી અસરકારક અને ગુણયુક્ત હોય, પણ જો એ સરળતાથી વિપુલ જથ્થામાં મળતી જ ન હોય તો એ કામનું રહેતું નથી.
- योग्यत्वं- એટલે જે-તે રોગને દૂર કરવામાં એ ઔષધનું યોગ્ય હોવું. જે રોગ કે લક્ષણ હોય એમાં કામ કરે એવું ઔષધ હોય તો જ રોગ દૂર થાય. જેને આજે આપણે “એફિકસી” કે “ઇફેક્ટિવનેસ” કહીએ છીએ.
- अनेकविधकल्पना- એટલે કે એમાંથી એક કરતાં વધારે સ્વરૂપની ઔષધ કલ્પના (રસ, ચૂર્ણ, ઉકાળો, ગોળી વગેરે) બની શકવી જોઈએ. કારણ કે રોગીને એક ઔષધ સ્વરૂપ પ્રત્યે દ્વેષ કે અરુચિ હોય તો એ ઔષધને બીજા સ્વરૂપે પણ આપી શકાવું જોઈએ.
- संपत् – એટલે કે ઔષધ એના સ્વાભાવિક ગુણકર્મો અને પ્રોપર્ટીઝથી યુક્ત હોવું જોઈએ. સૌ જાણે છે એમ આયુર્વેદના ઔષધો કોઈ કેમિકલ લેબમાં બનેલા સિન્થેટિક કેમિકલ્સ નથી હોતા, પણ સંપૂર્ણ પ્રાકૃતિક દ્રવ્યોમાં પ્રાકૃતિક પ્રક્રિયાઓ કરીને બનાવવામાં આવે છે. એટલે જે ઋતુમાં અને જે જગ્યાએ એમના સારામાં સારા ગુણો મળે એમ હોય એ ઋતુમાં અને એ જગ્યાએથી જ લેવાવા જોઈએ.
(3) પરિચારકના ગુણો
उपचारज्ञता दाक्ष्यं अनुरागश्च भर्तरि।
शौचं चेति चतुष्कोऽयं गुणः परिचरे जने॥ (च. सू. ९/८)
પરિચારક એટલે જે વૈદ્યને રોગીની ચિકિત્સામાં આસિસ્ટ કરે એ. આજના સામાન્ય શબ્દોમાં કહીએ તો નર્સિંગ સ્ટાફ અને કમ્પાઉન્ડર પરિચારકમાં આવે.
- उपचारज्ञता - એટલે રોગીના જે-જે ઉપચાર કર્મો કરવાના થાય (દવાના ડોઝ તૈયાર કરવા, દવાને રોગીને આપવા માટે તૈયાર કરવી, રોગીને સારી રીતે દવાનો ડોઝ આપવો વગેરે. પંચકર્મમાં પણ ઘણી બધી પ્રક્રિયાઓ એવી છે જે પરિચારકે કરવી પડે, એ કઈ રીતે થાય એનું પરિચારકને ખૂબ સારું જ્ઞાન હોવું જરૂરી છે.)
- दाक्ष्यं- આ બધી ઉપચાર ક્રિયાઓ એ પૂરી કાર્યદક્ષતા સાથે- સ્કિલ સાથે કરી શકવો જોઈએ.
- अनुरागश्च भर्तरि- વૈદ્ય અને રોગી પર અનુરાગ એટલે કે પ્રેમભાવ હોવો. આ પણ બહુ જરૂરી છે. ઋષિઓની સૂક્ષ્મ દ્રષ્ટિ અહીં જોઈ શકાય છે. પરિચારક જેટલો વૈદ્ય પ્રત્યે સમર્પિત હશે એટલું પોતાનું કાર્ય પ્રમાણિકતા અને નિષ્ઠાથી કરશે. અને રોગી માટે એ પ્રેમભાવ ધરાવતો હશે તો એના પોઝિટિવ વાઈબ્સ રોગીને પણ સારી અસર કરશે. જે સરવાળે રોગ સારી રીતે અને જલદી દૂર થવામાં સહાયક બનશે.
(4) રોગીના ગુણો:
स्मृतिनिर्देशकारित्वं अभीरुत्वं अथापि च।
ज्ञापकत्वं च रोगाणां आतुरस्य गुणाः स्मताः॥ (च. सू. ९/९)
- स्मृति- રોગી સારી યાદશક્તિવાળો હોવો જોઈએ. તો જ એ પોતાને આપવામાં આવેલી દવાઓ ક્યારે અને કઇ રીતે લેવાની છે એને સારી રીતે યાદ રાખીને સમયે સમયે લેશે. બીજું આહાર-વિહારની જે પરેજી વૈદ્ય રોગીને આપે એનું પાલન કરવા માટે પણ એ યાદ રહેવું જરૂરી છે.
- निर्देशकारित्वं- એટલે પોતાના વૈદ્ય પર સંપૂર્ણ વિશ્વાસ રાખીને એની સૂચનાનું પ્રામાણિકતાથી પાલન કરવું અને વૈદ્યે કહેલું બધું યથાતથ ફોલો કરવું.
- अभीरुत्वं - રોગીમાં ભય ન હોવો જોઈએ. રોગથી પણ ન ડરવો જોઈએ અને એની સારવાર પ્રક્રિયાઓથી પણ ન ડરવો જોઈએ. મારા અત્યાર સુધીના અનુભવમાં મેં એ જોયું છે કે આજે દર્દીઓ રોગોથી એટલી હદે ડરેલા હોય છે કે એ ડર જ એમના રોગની શક્તિ અને તીવ્રતાને વધારી દેતો હોય છે. આચાર્ય ચરક જ અન્ય એક જગ્યાએ કહે છે વિષાદ એ રોગને અને રોગન તીવ્રતાને વધારનારું સૌથી મોટું પરિબળ છે. જો તમે ઓબ્ઝર્વ કર્યું હશે તો હમણાં કોરોના કાળમાં આ વાત તમે પણ માર્ક કરી હશે કે કોરોના થયા પછી જે ગભરાઈ જાય છે એમને રિકવર થતાં બહુ લાંબો સમય લાગે છે અને ઘણી મહેનતથી એ રિકવર થાય છે. એની સામે કોરોના થયા છતાં હિંમત રાખનાર દર્દીઓ સરળતાથી રિકવર થાય છે. એટલે કોઈ પણ રોગમાં, રોગી જેટલો ભયમુક્ત હશે એટલો જ સરળતાથી એનો રોગ સારો થશે.
- ज्ञापकत्वं च रोगाणां- પોતાના રોગને બરાબર સમજવો. રોગી પોતાના રોગને અને પોતાની વર્તમાન કન્ડિશનને બરાબર સમજતો હશે તો વૈદ્યને સચોટ માહિતી આપી શકશે. એ માહિતીના આધારે જ વૈદ્ય એની ચિકિત્સા કરશે અને આગળ વધારશે.
આ ચતુષ્પાદ જેટલા વધારે ગુણયુક્ત હોય, ચિકિત્સા સફળ થવાની શક્યતા એટલી જ વધે. આ દરેક બાબત ચિકિત્સામાં અસર કરે જ એ સત્યને આપણે તર્કયુક્ત વિચાર કરીને સીધું જ સમજી શકીએ. આ સાચું છે કે નહીં એ નક્કી કરવા કોઈ “રિસર્ચ”ની જરૂર ખરી? આમાં છેલ્લે ચરક આચાર્ય જે કહે છે એ વૈદ્યનું મહત્વ દર્શાવે છે:
कारणं षोडशगुणं सिद्धौ पादचतुष्टयम्।
विज्ञाता शासिता योक्ता प्रधानं भिषगत्र तु॥ (च. सू. ९/१०)
આ ચતુષ્પાદ અને એના કુલ સોળ ગુણો ચિકિત્સાની સિદ્ધિનું કારણ બને છે. પણ ચિકિત્સા માટેનું જ્ઞાન, વ્યવસ્થાપન અને યોજના કરવાની આવડત જેનામાં હોવી જોઈએ એ વૈદ્ય આ ચારેયમાં પ્રધાન છે.
કેવું લાગ્યું, આયુર્વેદનું ચિકિત્સા અંગેનું દર્શન? અને અત્યાર જે રીતે ચિકિત્સા થઈ રહી છે (પછી ભલે કોઈ પણ સારવાર પદ્ધતિ હોય), એમાં આ સોળમાંથી કેટલા ગુણો મળે છે અને ચારમાંથી કેટલા પગ વ્યવસ્થિત હોય છે? સ્વયં વિચાર કિજીયે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp