જંગલ માફિયાઓ સામે મેદાને પડી છે આ ૩૯ વર્ષની ‘લેડી ટારઝન’
09/27/2020
Magazine
વનવગડાની વાટે
Dipak Makhana
Translator
વૃક્ષોને બચાવવા માટે પોતાનું જીવન ન્યોચ્છાવર કરનારાઓ વિશે કશુંક જાણવા મળે છે ત્યારે સતત સંઘર્ષ અને હાડમારીઓ વચ્ચે પણ બુલંદ રહેતા એમના આત્મવિશ્વાસને સલામ કરવાની ઈચ્છા થાય છે. નિર્ધારીત લક્ષ સુધી પહોંચવાના આવા લોકોના પ્રયત્નો જ જંગલોને જીવતા રાખે છે.
પર્યાવરણ એક્ટિવિસ્ટ ચંડીપ્રસાદ ભટ્ટ અને સુંદરલાલ બહુગુણાનું ચિપકો આંદોલન હોય કે રાજસ્થાનની બિશ્નોઈ જાતિ દ્વારા વૃક્ષોના બચાવ માટે મોતને પણ વહાલુ કરવાની વાત હોય... આ અને આવી અન્ય તમામ ઘટનાઓ આપણને પ્રકૃતિ પર્યાવરણની ચિંતા કરવા માટે અવશ્ય પ્રેરિત કરે છે. પરંતુ આજે જ્યારે માણસ જ પ્રકૃતિથી વિમુખ થવા માંડ્યો હોય ત્યારે પર્યાવરણની સુરક્ષા માટે બહુધા લોકોના પેટનું પાણી પણ હલતું નથી. આજે શહેર, હાઈવે કે અન્ય જગ્યાઓએ વૃક્ષોનું નિકંદન કરવાની ઘટનાઓ ઘટે છે ત્યારે મોટાભાગના લોકોની તે વિશે કંઈ જ કરવાની તૈયારી હોતી નથી. માત્ર ગણ્યા ગાંઠ્યા પ્રકૃતિપ્રેમીઓ આ અંગે દેખાવો, કેન્ડલ માર્ચ, આવેદનો, ધરણાં તથા સોશિયલ મીડિયા દ્વારા અવાજ ઉઠાવીને રહી જાય છે! એક સવાલ એવો પણ થાય છે કે જો શિક્ષિત ગણાતા શહેરી વિસ્તારની આ દશા હોય તો ગ્રામિણ વિસ્તારોની તો શું દશા હશે? પણ સદનસીબે ઘણીવાર આ બાબતે સાવ ઉલટી જ પરિસ્થિતી જોવા મળે છે. શહેરીજનો કરતાં ગ્રામીણો પ્રકૃતિની વધુ ચિંતા કરતા જોવા મળે છે. વૃક્ષને કાપવાથી હૃદયમાં કેવી વેદના થાય છે તે તો વૃક્ષની સાથે રહેનારા – તેની સાથે જીવન ગુજારનાર જ વધુ અનુભવી શકે.
ઓરિસ્સાની જમુના ટુડુ નામની ૩૯ વર્ષીય મહિલાની વાત પણ કંઇ જ આવી ગવાહી પૂરે છે.
ઝારખંડ રાજ્યના પૂર્બી સિંગભૂમના બહારગોરા તાલુકામાં આવેલું મુતુરખામ ગામ ૫૦ હેકટર જમીન પર પથરાયેલું મોટું જંગલ ધરાવે છે. અહીં અગાઉ જંગલ માફિયાઓ દ્વારા ગેરકાયદેસર વૃક્ષ છેદન અને તેનો કાળો કારોબાર ચાલતો હતો. શરૂઆતમાં તો દારૂ માટેના પૈસાની જરૂરિયાત સારૂ જંગલનું નિકંદન કાઢવામાં આવતું હતું. પણ પછી તો પૈસાની આવક જોઈને માફિયાઓ માટે તો આ કાયમી શિરસ્તો જ બની ગયો. જંગલ નષ્ટ થતું ગયું. પર્યાવરણ સંતુલન બગડતું ગયું. સરકારી તંત્ર આ ગંભીર સમસ્યાથી જ્ઞાત હતું. પણ તેનો સામનો કરવા માટે કારગર ઉપાયો ન થવાથી લાચાર હતું. આવા સમયે જમના ટુડુ નામની યુવાન મહિલાએ આગળ આવીને નેતૃત્વ સંભાળ્યું અને એક એવા આંદોલનનો જન્મ થયો કે જેણે સમગ્ર રાજ્ય અને રાષ્ટ્ર કક્ષાએ સૌનું ધ્યાન દોર્યું.
કોણ છે આ જમુના ટુડુ?
ઓરિસ્સાના મયુરભુંજમાં ૧૯૮૦ ના ડિસેમ્બર માસની ૧૯ તારીખે પિતા બાગરાઇ મુર્મુ અને માતા બોબીશ્રી મુર્મુના સંતાન તરીકે જન્મનાર જમુનાએ પોતાના પિતાને ઓરિસ્સાના ઘણાં ગામોમાં વૃક્ષ વાવતાં- તેના ઉછેર કરતા જોયા. બસ, ત્યારથી આ બાળકીને પ્રકૃતિ પ્રત્યે-વૃક્ષો પ્રત્યે પ્રેમ જાગ્યો. પર્યાવરણનું શું મહત્વ છે તેની સમજ તેને બાળપળથી જ મળી. ૧૯૯૮ માં તેના લગ્ન થયાં અને તેને મુતુરખામ આવવું પડ્યું; અહીં લગ્ન પછીના થોડાક જ દિવસોમાં સાસુ, નણંદ અને ગામની મહિલાઓ સાથે જંગલમાં લાકડું લેવા માટે જવું પડ્યું. જમુનાને લાગ્યું કે જો આ રીતે જંગલ કપાતું રહેશે તો એક દિવસ એવો આવશે કે જંગલ જ નહી રહે. કપાતાં વૃક્ષો સામેની લડત લડવાની ગાંઠ આ વખતે જ જમુનાએ મનમાં વાળી લીધી હતી.
વહીવટીતંત્ર તરફથી તેને મદદ કરશે તેવી આશા હતી, પણ તંત્રનીય સાંઠગાંઠ જણાતાં લડત લડવી અઘરી થઇ પડી. આખરે કોઈનો આશરો લીધા વિના લડતનો તમામ દૌર જમુનાએ પોતાના હાથમાં લઇ લીધો. ગામની મહિલાઓ સાથે આ બાબતે ચર્ચાઓ થઇ. મહિલાઓનું માનવું હતું કે, ‘આવું કામ તો આપણે કેવી રીતે કરી શકીએ? આ તો આપણા જ વિસ્તારના પુરૂષો સામેની આ લડાઇ છે. આપણે તેમની સામે કેવી રીતે પડી શકીએ?!’
પરંતુ જમુના એમ હિંમત હારે એમ નહોતી. એને એટલી સમજ તો હતી કે જો જંગલની કપાત નહિ અટકે તો પોતાના પરિવાર અને સમાજને વૃક્ષો વિના જીવન ટકાવવું મુશ્કેલ બની જશે. જંગલ જ નહીં હોય તો પર્યાવરણ કેવી રીતે બચશે? જમુનાએ ગામની મહિલાઓને એકઠી કરીને બેઠકો કરી અને આ બધી વાતો સમજાવવા માંડી. સાચી વાત બધાને ગળે ઉતરતી ગઈ તેમ સહયોગ મળવો શરૂ થયો. ગામના સુંદર જંગલને બચાવી શકાય તે માટેનો નારો બુલંદ બનતો ગયો.
શરૂઆતમાં જમુનાએ ૨૫ મહિલાનું ગ્રુપ બનાવ્યું અને તેને ‘‘વન સુરક્ષા સમિતિ’’ (ફોરેસ્ટ પ્રોટેક્શન ગ્રુપ) નું નામ આપ્યું. તેના નેજા હેઠળ જંગલ માફિયાઓ સામે જોરદાર લડતનો પ્રારંભ કર્યો. તીરકામઠાં, ધોકા, ભાલા, પાણીની બોટલો અને સાથીદાર કૂતરાને લઈને જંગલમાં કૂચ શરૂ કરી. સવાર-બપોર-સાંજ એમ આ કૂચ ચાલતી. પછી તો ઘણા પુરૂષો પણ જંગલ બચાવોની આ લડતમાં ભાગ લેતા થયા પરંતુ મુખ્ય ભૂમિકા તો મહિલાઓની જ રહેતી.
લડત દરમ્યાન ઘણા મુશ્કેલ પડકારો પણ આવતા ગયા પરંતુ તેનો અડગતાથી સામનો કરવાનું ચાલુ રહ્યું. ૨૦૦૮-૦૯માં જંગલ માફિયા ટોળકી દ્વારા ભયંકર હૂમલો કરવામાં આવ્યો પણ કોઈ હિંમત હાર્યું નહીં. રેલ્વે સ્ટેશન માસ્ટરને જંગલ નિકંદન અંગેની રજુઆત કરીને પાછા ફરતી વખતે તેમના પર પથ્થરો ફેંકવામાં આવ્યા અને બધાને નાની મોટી ઈજાઓ થઈ. જમુના અને તેનો પતિ માફિયા ટોળકીના નિશાન પર હતા કારણ કે તેમના ધંધામાં આ બન્ને રૂકાવટ ઉભી કરતા હતા. તેથી અવારનવાર તેમને પરેશાન કરવામાં આવતા હતા.
જમુના કહે છે – ‘એક વાર તો આવા હુમલામાં મારા પતિ મને બચાવવા આવ્યા ત્યારે તેમના પર પણ ભયંકર હુમલો થયો અને માથામાં ઈજાઓ થઈ. અમે માંડ માંડ બચ્યા. મોતના મુખમાંથી છટકીને બહાર આવ્યા પણ અમારી લડતમાં સહેજે પીછેહઠ કરી નહી.
પંદર વર્ષ આ લડાઇ ચાલતી રહી અને વન સુરક્ષા સમિતિ સક્રિયપણે કામ કરતી રહી. પરિણામે એ આવ્યું કે માફિયા ટોળીએ હથિયાર હેઠાં મુક્યા અને તેમની પ્રવૃતિ દિન-પ્રતિદિન ઘટતી ગઇ. ૫૦ હેકટર જમીન પરનું જંગલ બચાવવામાં સફળતા મળી. આ પ્રયાસોથી આસપાસના ગામોનું જંગલ પણ બચ્ચું.
જમુના કહે છે – ‘જંગલમાં વસતી આદિવાસી પ્રજા બળતણ વિના જીવી શકે નહીં’ રસોઇ માટે તેની દૈનિક જરૂરિયાત રહે. પણ એકવાર તેમને ભરોસે બેસી જાય કે ઝાડને કાપ્યા વિના પણ બળતણ મળે તો તેઓ ઝાડને કાપવાના માર્ગે જતા નથી. અમે અમારી બળતણની જરૂરિયાત માટે કદી વૃક્ષોને કાપતા નથી. ચોમાસામાં પડી ગયેલાં વૃક્ષો અને તેની ડાળીઓથી જ અમારી આખા વર્ષની જરૂરિયાત પુરી થઇ જતી હોય તો શા માટે વૃક્ષો કાપવાં પડે?
રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવે ત્યારે જમુના અને વનસુરક્ષા સમિતિની મહિલાઓ પોતાના જંગલમાં જઇને વૃક્ષોને રાખડી બાંધીને જંગલ બચાવવાનો નિર્ધાર પ્રગટ કરે છે.
વન વિભાગ તરફથી જમુનાના ગામને દત્તક લેવામાં આવ્યું છે અને પાણીનું જોડાણ તથા શાળા પણ બાંધી આપેલ છે. વર્ષ ૨૦૧૩ માં જમુના ‘એક્ટ ઓફ સોશિયલ કરેજ’ હેઠળ સન્માનિત થઇ હતી તેમજ ભારત સરકારના નીતિ આયોગ દ્વારા ‘વુમન ટ્ર્રાન્સફોર્મિંગ ઇન્ડિયા’ના ખિતાબથી પણ નવાજવામાં આવેલ છે.
૨૦૧૯માં મળ્યો પદ્મશ્રી એવોર્ડ
ઇસ ૨૦૧૯માં જમુના ટુડુને ભારત સરકારશ્રીએ પદમશ્રીનો ખિતાબ આપી તેની કામગીરીને બિરદાવી છે.
હાલમાં જમુના કોલાહાન ડિવિઝનમાં વિવિધ સમિતિઓ દ્વારા જંગલ બચાવો જાગૃતિ અભિયાનોમાં કાર્યરત છે. તેના ધ્વારા ૧૫૦ જેટલી સમિતિઓ સ્થાપવામાં આવી છે અને ૬૦૦૦ જેટલા સભ્યો વૃક્ષ અને જંગલો બચાવવાના કાર્યમાં જોતરાયેલા છે.
જમુના ઘણું બધું કરવા માગે છે. તે કહે છે-“ મારે બદલાવ લાવવા ઘણું બધું કરવું છે પરંતુ હું મર્યાદિત સ્ત્રોતો વડે બંધાયેલી છું. હું ઇચ્છુ છું કે મારા ગામના જંગલ બચવાની જેમ જ બીજા ગામોના જંગલો પણ બચી જાય”.
તરૂ રાગ :
વૃક્ષ જેવી રમણીય કવિતા વૃક્ષ સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે.
કવિતાઓ તો મારા જેવા મૂર્ખાઓ પણ બનાવી શકે છે.
પણ વૃક્ષનું સર્જન તો માત્ર ઈશ્વર જ કરી શકે.
--- જોકીલમીર
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp