દેશની સૌથી મોટી કંપની LICના ચોથા ક્વાર્ટરના પરિણામ આવી ગયા, 19,000 કરોડનો નફો, ડિવિડન્ટની જાહેરાત, શેર પર દેખાશે અસર
દેશની સૌથી મોટી વીમા કંપની LICએ તેના ચોથા ક્વાર્ટરના પરિણામો (LIC Q4 Results) જાહેર કર્યા છે અને જંગી નફો કર્યો છે. પરિણામો જાહેર કરતા ભારતીય જીવન વીમા નિગમ (Life Insurance Corporation)એ જણાવ્યું હતું કે જાન્યુઆરી-માર્ચ ક્વાર્ટરમાં તેને 19,013 કરોડ રૂપિયાનો ચોખ્ખો નફો થયો છે. આ વાર્ષિક ધોરણે 38 ટકાનો વધારો દર્શાવે છે. પાછલા નાણાકીય વર્ષમાં, LICનો ચોખ્ખો નફો 13,763 કરોડ રૂપિયા હતો. શાનદાર પરિણામોની જાહેરાતને કારણે, બુધવારે LIC સ્ટોક ફોકસમાં છે અને વીમા કંપનીને થયેલા નફાની અસર તેના શેર પર જોવા મળી શકે છે.
ગત ટ્રેડિંગ દિવસે, LICએ પોતાના નફાકારક ત્રિમાસિક પરિણામો તેમજ FY25 માટે પ્રતિ શેર 12 રૂપિયાના ડિવિડન્ડની જાહેરાત કરી છે. તેના માટે રેકોર્ડ તારીખ 25 જુલાઈ નક્કી કરવામાં આવી છે. જોકે, ચોખ્ખા નફામાં વધારો થવા છતા, માર્ચ ક્વાર્ટર દરમિયાન વીમા દિગ્ગજ કંપનીની ચોખ્ખી આવક પાછલા નાણાકીય વર્ષની તુલનામાં ઘટી છે અને તે એ સમયે 2,50,923 કરોડ રૂપિયાથી ઘટીને 2,41,625 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કંપનીએ જણાવ્યું હતું કે શુદ્ધ પ્રીમિયમ આવકમાં ઘટાડાને કારણે આવકમાં આ ઘટાડો નોંધવામાં આવ્યો છે.
જો આપણે માર્ચ 2025માં પૂરા થયેલા સમગ્ર નાણાકીય વર્ષની વાત કરીએ, તો LICનો ચોખ્ખો નફો ગયા વર્ષના 40,676 કરોડ રૂપિયાથી 18 ટકા વધીને 48,151 કરોડ રૂપિયા થઈ ગયો છે. આ દરમિયાન, આવકમાં પણ વધારો થયો છે અને તે 8,53,707 કરોડ રૂપિયાથી વધીને 8,84,148 કરોડ રૂપિયા થયો છે. LICના સોલ્વન્સી રેશિયોમાં પણ સુધાર થયો છે, જે ગત વર્ષના 1.98 ગણોથી ઉછળીને 31 માર્ચ, 2025 સુધીમાં 2.11 ગણો થયો છે. એટલું જ નહીં, કંપનીનો AUM 6.45 ટકા વધીને 54,52,297 કરોડ રૂપિયા થયો છે, જે તેને બજારમાં આગળ રાખે છે.
મોટા નફા સાથે ત્રિમાસિક પરિણામો બાદ, LICનો શેર ફોકસમાં છે અને તેની સકારાત્મક અસર જોઈ શકાય છે. છેલ્લા ટ્રેડિંગ દિવસે, મંગળવારે, LICનો શેર ઘટાડા છતા સામાન્ય વધારા સાથે 870.70 બંધ થયો હતો. શેરમાં વધારાને કારણે, LICની બજાર મૂડી પણ વધીને 5.51 લાખ કરોડ રૂપિયા થઈ ગઈ છે. જો આપણે LICના શેરના 52-અઠવાડિયાના ઉચ્ચ સ્તરની વાત કરીએ, તો તે 1222 રૂપિયા છે, જ્યારે તેનું નીચું સ્તર 715.30 રૂપિયા છે.
દેશની સૌથી મોટી વીમા કંપની LICએ તાજેતરમાં માહિતી આપી હતી કે તેણે ગિનિસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. કંપની તરફથી એક નિવેદનમાં કહેવામાં આવ્યું હતું કે આ વર્ષે 20 જાન્યુઆરી 2025ના રોજ, LICએ એક જ દિવસમાં રેકોર્ડ સંખ્યામાં પોલિસી વેચીને આ મુકામ હાંસલ કર્યો છે. તે દિવસે, માત્ર 24 કલાકની અંદર કંપનીના 4,52,839 એજન્ટોએ સમગ્ર ભારતમાં 5,88,107 જીવન વીમા પોલિસી વેચી હતી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp