પ્રકૃતિનું સાહિત્ય, સાહિત્યમાં પ્રકૃતિ : શું આ તત્વો વિના તમે એક ક્ષ્ણ પણ ‘માણસ’ રહી શકો?

પ્રકૃતિનું સાહિત્ય, સાહિત્યમાં પ્રકૃતિ : શું આ તત્વો વિના તમે એક ક્ષ્ણ પણ ‘માણસ’ રહી શકો?

10/18/2020 Magazine

Dipak Makhana
વનવગડાની વાટે
Dipak Makhana
Translator

પ્રકૃતિનું સાહિત્ય, સાહિત્યમાં પ્રકૃતિ : શું આ તત્વો વિના તમે એક ક્ષ્ણ પણ ‘માણસ’ રહી શકો?

આજે જેમ જેમ જાગૃતિ આવી રહી છે, તેમ તેમ ચોમેરથી ‘પ્રકૃતિ બચાવો’ની બૂમ ઉઠી છે. પણ ખરી વાત તો એ છે કે આપણે પ્રકૃતિને નથી બચાવતા, બલકે પ્રકૃતિ આપણને બચાવે-જીવાડે છે. એવું જ કંઈક સાહિત્ય વિષે પણ છે. વિદ્વાનો અને સમાજની ચિંતા કરનારા અભ્યાસુઓ કહે છે કે લોકોનો વાંચનરસ ઓછો થતો જાય છે, અને આ એક અતિશય ગંભીર બાબત છે. કારણકે સાહિત્યનો સપર્શ જ હાડ-ચામના માણસ ભરેલા આ ઢાંચાને ‘માણસ’ તરીકે ઓળખાવાને સક્ષમ બનાવે છે.

જો રામાયણ, મહાભારતથી માંડીને આજદિન સુધીની હજારો લોકકથાઓ, લોકગીતો, નવલકથાઓ, ચિંતનાત્મક ગ્રંથો, અગણિત નાટકો... આ બધું ન હોત તો માણસની વિચારશક્તિ, એની સંવેદનાઓ આટલી વિકસી હોત? જો સાહિત્ય ન હોત તો આજે ય માનવ અને વાનરમાં ખાસ તફાવત ન જ હોત!

કહેવાનું તાત્પર્ય એટલું જ, કે સાહિત્ય અને પ્રકૃતિ વિના આપણને ચાલવાનું નથી. ભૌતિક વિકાસના માર્ગે ગમે એટલું આગળ વધવા છતાં અંતે તમારે સાહિત્ય અને પ્રકૃતિના ખોળે પાછા ફરવું જ પડે છે. અપાર ભૌતિક સગવડો તમને સુખ નથી આપી શકતી, પણ ભરબપોરે વનવગડાની ઠંડી લહેરખીઓ વચ્ચે એક ઘટાદાર વૃક્ષ નીચે ખાટલો ઢાળીને એકાદ ગમતું પુસ્તક વાંચવાથી સ્વર્ગનો આનંદ મળતો હોય છે. અને એટલા માટે જ સાચો સુખી માણસ એ જ છે, જે આજીવન સાહિત્ય અને પ્રકૃતિનું સાન્નિધ્ય માણી શકે છે.

માનવીનો પ્રકૃતિ સાથેનો નાતો યુગોથી રહેલો છે. માનવી કુદરત વિના રહી શકે કે કેમ? તેની કલ્પના પણ કરવી મુશ્કેલ છે. જન્મથી મૃત્યુ સુધી તથા તમામ તહેવારો, રીત-રિવાજોમાં પણ પ્રકૃતિથી આપણે દૂર રહી શક્યા નથી. આજના યુગમાં માનવી ભલે કોંકીટના જંગલમાંવસતો થયો હોય પરંતુ તેને પોતાનું ગામ, પાદર, તળાવ, નદી, પર્વત, પંખીઓ, ખેતર, વાડી, ઝરણું વગેરે યાદ આવ્યા વિના રહેતું નથી!

 

તો મિત્રો, આજે આપણે એક એવી દુનિયાની સફર કરીશું જ્યાં માનવ જીવનના સાહિત્ય અને પ્રકૃતિ જેવા પોષક તત્વો એકબીજા સાથે ગૂંથાયા છે. આજે વાત કરીશું સાહિત્યમાં પ્રકૃતિની, અને પ્રકૃતિના સાહિત્યની!

આપણા મૂર્ધન્ય સાહિત્ય્કાર ઉમાશંકર જોશી લખે છે-

વિશાખે જગ વિસ્તારે નથી એક માનવી,

પશુ છે, પંખી છે, પુષ્પો વનોની છે વનસ્પતિ

 

તો હમણાં જેમનું જન્મશતાબ્દિ વર્ષ ચાલી રહ્યું છે, એવા ‘પ્રકૃતિ કવિ’ જયંત પાઠક પોતાની કવિતા  ‘થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં’ નામક રચનામાં પોતે પ્રકૃતિથી કેટલી આત્મિયતાથી જોડાયેલા છે તેની વાત આ રીતે આલેખે છે-

પહાડોના હાડ મારા પિંડમાં ને

નાડીમાં નાનેરી નદીઓનાં નીર,

છાતીમાં બુલબુલનો માળો ને

આંગળીમાં આદિવાસીનું તીણું તીર,

રોમ મારા ફરકે છે ઘાસમાં

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

તેઓ આગળ લખે છે-

સૂરજનો રંગ મારા પાંદડા પીએ ને

પીએ માટીની ગંધ મારા મૂળ

અર્ધુ તે અંગ મારું પીળાં પતંગિયા ને

અર્ધુ તે તમામનું ફુળ

થોડા અંધારે, થોડા ઉજાસમાં

થોડો ધરતીમાં, થોડો આકાશમાં

થોડો વગડાનો શ્વાસ મારા શ્વાસમાં

પ્રસિધ્ધ કવિ સુરેશ દલાલ વૃક્ષો, પહાડો, નદીઓ, સાથેના પોતાના નાતાને કંઇક આ રીતે કવિતામાં આલેખે છે.

દરિયા સાથે દોસ્તી મારી, નદીઓ સાથે નાતો

છલાંગ મારતાં ઝરણા સાથે હું તો ગીતો ગાતો

લીલાછમ આ વૃક્ષો વ્હાલા, પહાડો મારા ભેરુ

વ્હાલુ મને લાગે કેવું નાનુ અમથું દેરૂ

 

બીજી તરફ સામ્પ્રત જીવનની બદલાયેલી રીતભાત સામે વિરોધ નોંધાવતા કવિ કૃષ્ણ દવે લીમડાનો માધ્યમ તરીકે ઉપયોગ કરે છે. અહીં પ્રકૃતિ અને પ્રાકૃતિક ખોરાકથી દૂર તહી ગયેલી પેઢી પર કટાક્ષ છે.

લીમડાના દાદા ક્યે કહી કહીને થાકી ગ્યો જાવ હજી ફાસ્ટફૂડ ખાવ

ટી-શર્ટને જીન્સવાળી માંજરી બિલાડી ક્યે આપણને દૂધ નહીં ફાવે,

પીઝા ને બર્ગરની આખ્ખી આ પેઠીને, રોટલીને શાક ક્યાંથી ભાવે?

વર્ષોથી બોતલમાં કેદ થઇ સડતાએ પીણાને પીવો ને પાવ,

જાવ હજી ફાસ્ટફુડ ખાવ

 

બીજી એક કાતિલ કટાક્ષ કરતી કવિતામાં પણ કૃષ્ણ દવે પ્રકૃતિના તત્વોને ટાંકીને આધુનિક અપ્રાકૃતિક જીવનશૈલી પર જબરો કટાક્ષ કરે છે :

આ સઘળા ફૂલોને કહી દો યુનિફોર્મમાં આવે

પતંગિયાને પણ કહી દો, સાથે દફ્તર લાવે,

મનફાવે ત્યાં માછલીઓને આમ નહી તરવાનું

સ્વિમિંગ પુલમાં સઘળા નિયમોનું પાલન કરવાનું,

દરેક કૂંપળોને કમ્પ્યુટર ફરજીયાત શીખવાનું

લખી જણાવો વાલીઓને તુર્ત જ ફી ભરવાનું,

આ ઝરણાને સમજાવો સીધી લીટી દોરે

કોયલને પણ કહી દેવું ના ટહૂકે ભર બપોરે,

અમથું કૈં આ વાદળીઓને એડમિશન દેવાનું?

ડોનેશનમાં આખ્ખે આખ્ખું ચોમાસું લેવાનું

 

વળી આર્થિક ફાયદા માટે પ્રાકૃતિક તત્વોનો કચ્ચરઘાણ કાઢી રહેલી માણસજાત ઉપર પણ કૃષ્ણ દવેએ કાતિલ કટાક્ષ કર્યો છે :

પતંગિયાની પાંખો છાપે, માણસ છે બિઝનેસ કરે છે.

ઝાકળ પણ પાઉચમાં આપે, માણસ છે બિઝનેસ કરે છે,

અજવાળાનો સ્ટોક કરીને, સૂરજને પણ બ્લોક કરીને

પોતે તડકો થઇને વ્યાપે, માણસ છે બિઝનેસ કરે છે,

પોતાનું આકાશ બતાવી, સૂરજ, ચંદ્દ્ર, તારા ગણાવી

વાદળ ફૂટપટ્ટીથી માપે, માણસ બિઝનેસ કરે છે

 

તો પ્રકૃતિ કવિ મણિલાલ હ. પટેલ લખે છે.-

મારે માટે તો કૂંપળ ફૂટાડે

બીજ માંથી છોડ-વૃક્ષની રમણા રચે છે,

એ જ મારો ભગવાન છે.

તેઓ બીજી એક જગ્યાએ તેઓ લખે છે.-

વૃક્ષથી મોટો કોઇ દેવ નથી,

ને માટીથી મોટી કોઇ મા નથી

 

પ્રકૃતિથી વિમુખ થઈ લાંબુ જીવન જીવવાની આશ લગાવીને બેઠેલાઓ માટે પ્રસિધ્ધ ચિંતક-લેખક-નિબંધકાર ગુણવંત શાહ લખે છે.

જેઓ મૌસમના પહેલા વરસાદની

પતિક્ષા નથી કરતા,

જેઓ ઉગતા સૂર્ય તરફ પીઠ ફેરવીને બેઠેલા રહે છે.

જેઓ કોયલના ટહુકા સંભળાતા હોય ત્યારે પણ

કામમાં રોકાયેલા રહે છે.

અને જેઓ સુંદર કાવ્ય પંકિત

વાંચ્યા પછી પણ કોરાને કોરા

રહી જવા જેટલા ચાલાક છે,

તેઓ ખુબ લાંબુ જીવવાનો

અભરખો શા માટે રાખતા હશે?

 

વૃક્ષ કપાઈને નીચે પડે છે ત્યારે તેને થતી વેદના કવિશ્રી ઉર્વીશ વસાવડાએ પોતાના “વૃક્ષ પડે છે ત્યારે “ કાવ્યમાં સુપેરે રજુ કરી છે. તેમના મતે વૃક્ષ જ્યારે કપાઈને પડે છે ત્યારે ઈશ્વરના અક્ષરો ભુંસાતા હોય તેમ લાગે છે. ચાલો, તેમની કવિતાને માણીએ.

શું વીતે છે આભ, ધરા પર વૃક્ષ પડે છે ત્યારે

વ્યાકુળ થઈ જાતું સચરાચર, વૃક્ષ પડે છે ત્યારે

ટહુકાઓ પણ દિશા ભૂલી, અફળાતા ચારેબાજુ

રૂદન કરે છે પંખીના સ્વર, વૃક્ષ પડે છે ત્યારે,

થોડી-ઝાઝી અસર થવાની સંવેદન પર સહુના

માણસ હોય કે હોય એ પથ્થર, વૃક્ષ પડે છે ત્યારે.

એમ મને લાગે છે ઓછું થયુ કશું મારામાં

હું પણ તુટુ મારી અંદર વૃક્ષ પડે છે ત્યારે

કોરીપાટ જેવી ધરતી નિરખો તો સમજાશે

ભુંસાતા ઈશ્વરના અક્ષર વૃક્ષ પડે છે ત્યારે ?

 

આમ સાહિત્યમાં ઠેર ઠેર પ્રકૃતિ વેરાયેલી જોવા મળે છે. પ્રાચીન ગ્રંથોમાં, ખાસ કરીને સંસ્કૃત સાહિત્યમાં કાલિદાસે પણ સચોટ રીતે પ્રકૃતિને વર્ણવી છે. અહી માત્ર ચૂંટેલી જ રચનાઓ કે તેના અંશ લીધા છે પણ સવાલ એ છે કે માણસ જેમ આગળ વધતો ગયો તેમ તેમ શું તે પ્રકૃતિને પાછળ છોડતો ગયો નથી ને ? દુખ સાથે એ કહેવુ પડે છે કે માણસ કોઈ વ્યક્તિ મુત્યુ પામે છે ત્યારે મોટી મોટી શોકસભાઓ રાખે છે, પ્રાર્થનાઓ યોજે છે પણ સોસાયટીમાં ગામમાં કે અન્ય સ્થળે કોઈ વૃક્ષ કપાય છે ત્યારે તેમજ પોપટ પૂરેલાં પાંજરા વેચાતા જોઈ તેના પેટનું પાણી પણ હલતુ નથી. આ નરી વાસ્તવિકતા છે. માણસે પ્રકૃતિથી વિમુખ થવાની શરૂઆત તો કરી દિધી છે. તેથી જ તો તેને કુદરત તરફ પાછા વળવાની જરૂર ઉભી થઈ છે. ચાલો, આપણે આપણાં માંહચલામાં સંવેદના જગાવીએ અને કુદરતમય બનીએ.

 

તરૂ રાગ :

પ્રકૃતિ માણસ વિના રહી શકશે

પણ માણસ માટે પ્રકૃતિ વિના જીવવું દોહલ્યું છે.

માટે જ પ્રકૃતિ સાથેનો આપણો નાતો

વધુ મજબુત કરવો જોઈએ.   


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top