આજથી અંદાજે ૪૦૦૦ વરસ પહેલાં ભારતીય વેપારીઓ ટેરાકોટા – મૂર્તિઓ અને વાસણો, મોતી, ચાંદીના સિક્કા વગેરે માટે છેક મધ્ય એશિયા, ઇજિપ્ત, અને ગ્રીસ સુધી વેપાર ધરાવતા હતા, એ હકીકતની કેટલા લોકોને ખબર છે? અમદાવાદ નજીક આવેલ લોથલ બંદર એ સિંધુ સંસ્કૃતિનું ધબકતું વેપાર વાણિજ્ય સ્થળ હતું. સિંધુ સંસ્કૃતિનો વિકાસ અને સમૃદ્ધિનો પાયો જ વેપાર વાણિજ્ય હતો.
ભારતીય અર્થતંત્ર કે આંતરરાષ્ટ્રિય વેપારનો ઇતિહાસ સિંધુ સંસ્કૃતિની સાથે જ (3300 - 1300 BCE) શરૂ થાય છે. એ સમયે ભારતીય અર્થતંત્ર વિશ્વનું સૌથી વિશાળ અર્થતંત્ર ગણાતું હતું. અને ત્રણ હજાર વરસ સુધી એણે પોતાનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું, મોગલો આવ્યા ત્યાં સુધી! એ પછી બ્રિટિશ રાજ દરમ્યાન ભારતીય અર્થતંત્ર બરબાદ થઈ ગયું.
ભવ્ય ભૂતકાળ ધરાવતા ભારતીય વેપાર અને વાણિજ્યના ઇતિહાસ વિશે વાંચતા એક વિચાર અવશ્ય આવે છે કે જો ભૂતકાળ એટલો ભવ્ય હતો તો વર્તમાન કેમ આવું છે? આજે આધુનિક ભારતીય ઉદ્યોગ અને વેપારનો ઇતિહાસ તપાસીએ તો 1736 માં સ્થપાયેલ વાડિયા સમૂહ, 1806 – ઇમ્પિરિયલ બેંક (આજની સ્ટેટ બેંક ઑફ ઇન્ડિયા), 1868 – ટાટા જૂથ સમૂહ, 1865 – શાપુરજી પાલુનજી કે પછી 1870 – 1900 દરમ્યાન સ્થપાયેલા ગોદરેજ, ડી સી એમ, બ્રિટાનીયા, કિર્લોસ્કર, બિરલા જૂથ સમૂહ કે પછી બોમ્બે બર્મા ઓઇલ કંપની – આમ ઘણી કંપનીઓના નામ ધ્યાનમાં આવે છે. એમાંના ઘણાં આજે પણ ભારતીય ઉદ્યોગ સમૂહમાં અગત્યનું સ્થાન ધરાવે છે. પણ એ પૈકી વિશ્વ સ્તર પર કેટલા? ઘણી વખત વિચારો આવે કે આપણા દેશમાં ગુગલ, માઇક્રોસોફ્ટ કે બોઇંગ જેવા મેગા ઓર્ગેનાઈઝેશન કેમ નથી થતાં?
ઝેર એટલે શું?
કોઈ પણ વસ્તુઓ કે જે જરૂરિયાત કરતાં વધી જાય એ ઝેરમાં પરિવર્તન પામે છે.
પછી એ આળસ, ખોરાક, અહં, અસંતોષ, મહત્વાકાંક્ષા, ભય, ગુસ્સો, સત્તા, જિજીવિષા કે કંઈ પણ આવી જાય.
આપણા દેશમાં એક પેઢી કે વધીને બે પેઢીના જ સામ્રાજ્ય બને છે. અને પછી એ તૂટતા જાય છે. બરલી, બજાજ કે મફતલાલ... કેટલાય ઉદાહરણ છે. અમુક તો દેશના સર્વોચ્ચ ઔદ્યોગિક સમૂહમાં ગણાતા, પણ આજે એમનું નામું લખાઈ ગયું છે. સારાભાઇ ગૃપ, ખૈતાન, મોદી (મોદીનગર ઉત્તર પ્રદેશ વાળા) જે સી થાપર ગૃપ... અનેક ઉદાહરણો મળી આવશે.
આવું થઈ રહ્યું છે એનું કારણ શું?
(નોંધ : દરેક મુદ્દામાં અપવાદ હોઈ શકે છે. અસંમત થાવ તો તમને અને મને બન્નેને ફાયદો છે. નવું જાણવા મળી જાય.)
- પેરેશૂટ બોર્ડ મેમ્બર્સ : કંપની કે ગૃપના પ્રમોટર્સ એક વિઝન સાથે શરૂ કરતા હોય એવું માની જ લેવાનું. પછી એમની બીજી અને ત્રીજી પેઢી પેરાશૂટ દ્વારા સીધા બોર્ડ રૂમમાં ઊતરી જાય. એને વિઝન, માર્કેટ ગ્રાઉન્ડ રિયાલીટી વગેરે બાબતો વિશે માહિતી હોતી નથી. કંપનીના મૂળ સ્થાપકની ગેરહાજરીમાં આવા લોકો મનઘડંત રીતે કંપની સંચાલન કરીને કંપનીની દશા અને દિશા બદલી (રાધર બગાડી) નાખે છે.
- પેઢી કલ્ચર : ધંધો શરૂ કરશે. ધંધો વિકસાવવામાં જેટલી મહેનત કરશે એટલી મહેનત ઓર્ગેનાઈઝેશન ઊભું કરવામાં નહીં કરે. સ્ટાન્ડર્ડ ઓપરેશન પ્રોસેસ, સ્ટ્રક્ચર્ડ ઓર્ગેનાઈઝ્ડ રીતે કામ કરવામાં બેદરકારી દાખવી હોય.
- સક્સેશન પ્લાનિંગનો અભાવ : દરેકને એવું લાગે છે કે એ અશ્વત્થામા છે. મતલબ અજેય અમરત્વ પ્રાપ્ત કરેલ વ્યક્તિ. મિલકત કે બિઝનેસ એમના અવસાન પછી કેવી રીતે કોને મળશે એનું કોઈ જ નક્કર આયોજન નથી હોતું. બિરલા ગૃપ, અંબાણી ફેમિલી આના ઉદાહરણ છે. એની સામે રાહુલ બજાજ ધીરૂભાઇ અંબાણીનો દાખલો જલદીથી સમજી ગયા એટલે રાજીવ અને સંજીવ બજાજને ગૃપ વહેંચી આપ્યું.
વ્યક્તિ આજે છે અને કાલે નથી. સંસ્થા / ઑર્ગેનાઇઝેશન એ અમર બનાવવાનું છે.
- પેઢી અને કોર્પોરેટનું હાઇબ્રીડ કલ્ચર : કંપનીઝમાં પેધો પડતો જૂથવાદ, અને સાથે જ ઓર્ગેનાઈઝેશન કલ્ચર વિકસાવવામાં નિષ્ફળતા! કારણ કે HR ફંક્શન પગાર વિતરણ સિવાય બીજું કોઈ કામ જ ન કરે! પરિણામે પેઢી અને કોર્પોરેટ કલ્ચર, એમ બન્ને બિઝનેસ મોડેલના દૂષણો ઉભરાવા માંડે!! એ સામે ટૅલેન્ટ ડેવલપમેન્ટ, ટૅલેન્ટ રીટેન્શન અને લિડરશીપ ડેવલપમેન્ટ જેવી કોઈ પ્રક્રિયા માટે અવકાશ જ ન રહે!
- વધુ પડતો સેન્ટ્રલાઈઝ્ડ અને ટાઈટ કન્ટ્રોલ : જો ૨૦૦૦/- રૂપિયા જેવી રકમ ખર્ચવા માટે હેડ ઓફિસમાંથી પરવાનગી લેવી પડતી હોય તો એ સમયનો નર્યો વ્યવ છે. સમયના આવા વ્ય્વને કારણે ઘણીવાર તક ગુમાવવાનો વારો આવે છે! એની સામે અનિયંત્રિત ખર્ચો કંપનીમાં ભ્રષ્ટાચાર ઊભો કરે છે.
ઓર્ગેનાઈઝેશન કલ્ચર ન વિકસે એટલે દરેક નવો મૅનેજર (મિડલ કે ટોપ લેવલ) પોતાના જુના અનુભવો અને માણસો લાવીને આખું ઓર્ગેનાઈઝેશન હાઇબ્રીડ કરી નાખતો હોય છે.
- પ્રોડક્ટ, પ્રોસેસ ઈનોવેશન પર બિલકુલ ફોકસ નથી હોતું. નવા બજાર શોધવા, ફ્યુચર પૃફ પ્રોડક્ટ લૉન્ચ કરતા રહેવી.... આવું નથી થતું. કારણો ઉપર લખ્યા છે.
- પ્રમોટર્સ પબ્લિક ઈસ્યુ લિસ્ટેડ કરાવ્યા બાદ નાની મોટી ક્લોઝલી હેલ્ડ કંપનીઓના જાળાં ઉભા કરી મેઇન કંપનીને લગભગ ચૂસી નાખે. ટ્રાન્સપરન્સીનો સદંતર અભાવ.
- એવી જ રીતે ડેબ્ટ મૅનેજમેન્ટ એકદમ નૉન પ્રોફેશનલ. વેન્ડર્સ, સપ્લાયર, કોન્ટ્રાકટર વગેરેને વિકસાવવાને બદલે નિચોવી લેવાની વૃત્તિ.
- દરેક નવા મૅનેજર સાથે કંપનીના વેન્ડર્સ, કોન્ટ્રાકટર બદલાઈ જાય, જુના અનુભવી અને વફાદાર કર્મચારીઓ ને કાઢી નાખવા વગેરે એવા કારણો છે જે કંપનીને પ્રગતિ નથી કરવા દેતા.
ઘણું લખી શકાય છે.
આ લેખની શરૂઆતમાં જ લખ્યું છે કે ઝેર એટલે શું? આમાં તમને ઘણી જગ્યાએ અતિરેકનું ઝેર દેખાશે.
આવા નિવારી શકાય એવા અનેક કારણો છે જે ભારતીય મેગા ઓર્ગેનાઈઝેશન નથી બનવા પામતું.
નોંધ : મારો કુલ ચાર ઓર્ગેનાઇઝેશનનો ૩૨+ વરસ નોકરીનો અનુભવ છે. અને લગભગ આઠ કંપનીઓ સાથે પ્રોફેશનલ એસાઇન્મેન્ટ છે. કોઈ કંપનીઓના નામ જાહેર કર્યા વગર અને અન્ય કંપનીઓના અભ્યાસ બાદ આ વિચારો રજૂ કર્યા છે.