ઓનલાઈન ફ્રોડ : થોડી સાવધાની આપણા રૂપિયાને સુરક્ષિત રાખે છે
02/19/2021
Magazine
સવારે એક એમ એમ એસ આવ્યો અને રાજેશભાઇના ઘરમાં આનંદ છવાઈ ગયો. જીવનમાં પ્રથમ વખત સ્કોર્પીયો ઇનામમાં લાગી હતી. સ્કોર્પીયો પ્રાપ્ત કરવા માટે પ્રોસેસીંગ ફીસના ફક્ત ૪૯૯૯/- ચૂકવવાના રહે છે. એ એસએમએસમાં એક લિંક હતી અને જેવી એ લિંક ક્લિક કરી એમાં તો બેંક એકાઉન્ટમાં રહેલા ૨૮૦૦૦/- ઊપડી ગયા અને આજ સુધી એમને ખબર નથી પડી કે આ કયો મોરલો કળા કરી ગયો? આવા સમાચાર હાલમાં સતત વધતા જાય છે. પેટીએમ કેવાયસી અપડેટ કરાવો, તમારું એકાઉન્ટ બંધ થઈ જશે, તમારો પાસવર્ડ રીસેટ કરાવવો પડશે. આવા અસંખ્ય કિસ્સા હાલમાં ખૂબ સમાચારમાં જોવા મળે છે.
સાયબર ક્રાઇમ અને કાળજી, ચાલો કરીએ ચાર સ્ટેપમાં માંડીને વાત.
૧. એ કેવી રીતે ફાંસલા બિછાવીને નિર્દોષને શિકાર બનાવે છે.
૨. એ પરિસ્થિતિને કેમ ઓળખવી
૩. જો આવું થાય તો એનો સામનો કેમ કરવો?
૪. કાળજી રાખવા શું કરવું?
૧. ફીશીંગ (Phishing) આ એક એવી પદ્ધતિ છે જેમાં ફ્રોડ કરતા ગુનેગારો સતત ઇ-મેઇલ અને એસ એમ એસ મોકલતા રહે છે. પહેલી નજરે તમને આ એસ એમ એસ કે ઇ-મેઇલ એકદમ ઓરીજીનલ જ જણાશે. અને એમાં જ એમનો ઇરાદો પૂર્ણ થઈ જતો હોય છે. લોકો ગભરાટથી કે ડરથી એ એસ એમ એસ કે ઇ-મેઇલ સાથે આવેલ લિંકને ક્લિક કરીને એમના બિછાવેલા સકંજામાં ફસીએ છીએ. આવા ઇ-મેઇલ કે એસ એમ એસ – એવું દર્શાવતા હોય છે કે તમારું કેવાયસી (Know Your Customer) રીન્યુ કરાવવાનું છે. તમારો પાસવર્ડ રીન્યુ કરાવો. એક જ પોર્ટલ કે એપ્લિકેશન દ્વારા તમામ બેંક એકાઉન્ટ મેનેજ કરો.
આ ઉપરાંત ઇનામના વિજેતા બન્યા છો, તમને ઇનામમાં કાર અને વેકેશન મળે છે. તાત્કાલિક લિંક ક્લિક કરવા વિનંતી. અને જેવી લિંક ક્લિક કરી એટલે તમે ફસાયા એ નક્કી છે.
કહેવાતા ફ્રોડ કોલ સેન્ટરમાંથી ફોન આવશે, તમને લલચામણી ઑફર આપશે કે પછી ડરાવવાનું કામ કરશે. તો એ ફોનને કાપી નાખવા, નંબરને બ્લૉક કરી નાખવો હિતાવહ રહેશે.
૨. આ પરિસ્થિતિને કેમ ઓળખવી?
પ્રથમ તો આવા કોઈ પણ એસએમએસ આવે કે ઇ-મેઇલ આવે એને કોઈ પણ પ્રકારની ચિંતા કર્યા વગર ડીલીટ કરી નાખવા. એકાઉન્ટ બંધ કરવા બેંક ક્યારેય આવી રીતે ઇ-મેઇલ કે એસએમએસ કરતી નથી, કે એમના કોલ સેન્ટર પરથી આવા કોઈ ફોન આવતા નથી.
જ્યારે પણ કોઈ વેબસાઈટ પર કાર્ડ દ્વારા પેમેન્ટ કરવાનું હોય તો ચેક કરો કે http:\\ છે કે https:\\ જો https:\\ હોય તો એ સીક્યોર્ડ છે અને બાજુમાં જ આવું નિશાન દર્શાવે છે એ પણ હોય તો તમે જે વેબસાઈટ એસેસ કરો છો એ સુરક્ષિત છે.
જો એ તમારી પાસેથી એટીએમ પીન કે ડેબિટ કાર્ડ કે ક્રેડિટ કાર્ડનો સીવીવી CVV નંબર માંગે તો સમજી જવાનું કે આ ફ્રોડ છે. એ નંબર ક્યારેય કોઈ પણ સાથે શેર ન કરવો. આ ઉપરાંત તમારો ૧૬ આંકડાનો કાર્ડ નંબર, એક્સપારી મન્થ અને વર્ષ પણ કોઈ પણ સાથે શેર ન કરવો.
૩. આવું થાય તો શું કરવું?
જૂન-૨૦૨૦ પ્રથમ અઠવાડીયામાં શનિવાર સવારે ૧૧.૦૦ - ૧૧.૦૪ વચ્ચે કુલ છ એસએમએસ આવ્યા. એચડીએફસી બેંકમાંથી એસએમએસ હતા. પહેલા બે મેસેજમાં સસ્પીશીયસ ટ્રાન્ઝેક્શન કરીને દર્શાવ્યું હતું અને એ બે મૅસેજ વાંચીને શું કરવું એ નક્કી કરૂં એ પહેલાં બીજા ચાર એસએમએસ આવી ગયા.
રીલેશનશીપ મૅનેજર હતા એ ભાઈને ફોન કર્યો અને એ તરત જ એક્શનમાં આવી ગયા. ૧૧.૧૦ કલાક એમણે કહ્યું કે, ‘તમે ફોન ચાલુ રાખશો હું કૉન્ફરન્સમાં સાયબર ફ્રોડ માટેના જે કોલ સેન્ટર છે એમનો સંપર્ક કરાવી આપું છું.’
હવે જે મૅસેજ આવ્યા હતા એ ગુગલ અને યુટ્યુબ પર નાણાકીય વ્યવહારના હતા. દરેક ટ્રાન્ઝેક્શન ૩૯૯૯.૯૯ નું થયું હતું. આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન હોવાને કારણે ઓટીપી એક પણ નહોતો આવ્યો.
આ સિવાય - આ ખાતા સાથે સંકળાયેલા ડેબિટ કાર્ડ દ્વારા ક્યારેય કોઈ નેટ પર ટ્રાન્ઝેક્શન નથી કર્યા. નથી ક્યારેય યુપીઆઇ આઈડી કોઈ એપ્લિકેશનમાં રાખી. નેટ બૅંકિંગ પણ એકદમ મર્યાદિત.
પછી શું કર્યું/કરવું જોઇએ?
સર્વપ્રથમ બેંકના કોલ સેન્ટરનો કે આપના રીલેશનશીપ મેનેજરનો સત્વરે સંપર્ક જે મેં એસએમએસ આવ્યાની પાંચ મિનિટમાં કર્યો.
ડેબિટ કાર્ડ બ્લૉક કરાવ્યું
ડેબિટ ટ્રાન્ઝેક્શન બ્લૉક કરાવ્યા. મતલબ કોઈ (મારા સહિત) રકમ ઉપાડી ન શકે. જમા કરાવી શકે.
આંતરરાષ્ટ્રીય ડેબિટ કાર્ડ ઉપયોગ બંધ કરાવ્યું - આ તમે પણ ચેક કરી લેજો. જો હા હોય તો તરત જ બંધ કરાવશો. દરેક બેંકની એપ્લિકેશનમાં કે ક્રેડિટ કાર્ડમાં આ ઑપ્શન ડીસેબલ કરવો જરૂરી છે.
દરેક બેંકની કમ્પ્લેઈન પ્રોસેસ અલગ અલગ હોય છે. એને એમની સૂચના પ્રમાણે ફોલો કરવાની રહે છે.
એચડીએફસી બેંકમાં કોલ સેન્ટર પર કરેલ પ્રથમ ફરિયાદ મને કન્ફર્મેશન મૅસેજ આવ્યો હતો એમાં એક કમ્પ્લેઇન નંબર હતો. એ નંબરના રેફરન્સથી પોલીસ ફરિયાદ/એફઆઈઆર કરાવવી પડે.
એ એફઆઈઆર માટે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ગયો. સાયબર વિભાગ અને સ્પેશીયલ ઓફીસર ઓન ડ્યુટીએ પ્રોફેશનલ સરસ માર્ગદર્શન આપ્યું અને કેસ સમજ્યા બાદ એફ આઈ આર કરતાં એક કમ્પ્લેઈન નોંધાવવાની સલાહ આપી. જે ત્યાં બેસીને મેં લખીને આપી.
એ કમ્પ્લેઈનની એકનોલેજમેન્ટ સાથે કસ્ટમર ટ્રાન્ઝેક્શન ડીસ્પ્યુટ ફોર્મ ભરીને બેંકની શાખામાં આપવાનું અને એક કોપી એ જણાવે એ ઈ-મેઇલ એડ્રેસ પર મોકલવાની (જે ઓપ્શનલ છે) અને એ જ ઇ-મેઇલ આઈડી યુઝ કરો જે બેંકમાં રજિસ્ટર્ડ હોય.
લોકડાઉન દરમ્યાન ડ્રાઈવ ઇન રોડ પરની એચડીએફસી બેંકની શાખામાં ખૂબ જ હકારાત્મક સહકાર મળ્યો. પોલીસ અરજીની કોપી, ફોર્મ વગેરે ફોટો કોપી કરીને મને એક્સ્ટ્રા સેટ પણ રેકર્ડ માટે આપ્યો. અને સૌથી અગત્યની વાત કે બાંહેધરી સમાન આશ્વાસન આપ્યું કે, ‘મૂંઝાવ નહીં જલદી થઈ જશે. આમ તો ૬૦ દિવસ પ્રતીક્ષા કરવી પડે છે. કારણ કે બેકએન્ડમાં ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય એટલે. પણ તમે જે ત્વરિત જણાવ્યું છે એ જોતાં વાર નહીં લાગે.’
અને આ વાત સાચી પડી. પાંચ દિવસમાં એ રકમ પરત જમા થઈ ગઈ. અને કોણે કેવી રીતે આ ટ્રાન્ઝેક્શન્સ કર્યા હતા એ તપાસ એમની સાયબર સીક્યુરીટી ટીમ કરે છે. ટ્રાન્ઝેક્શન થયા કે તરત જ ફરિયાદ કરી એટલે એમના માટે પણ ટ્રાન્ઝેક્શન અન્ડર પ્રોસેસ હોય તો રિવર્સ કરવું આસાન થયું હોય.
પોલીસ સ્ટેશનમાં જઈને કમ્પ્લેઈન ક્લોઝર પણ કરવું જરૂરી છે. એ કાર્યવાહી પણ પૂર્ણ કરી નાખી.
૪. હવે જેમને આવું ન થાય એ માટે શું કરવું જોઇએ?
કોઈ પણ એપ્લિકેશન કે વેબસાઈટમાં ક્રેડિટ/ડેબિટ કાર્ડની ડીટેઈલ્સ સ્ટોર ન કરવી જોઇએ. જો કરી હોય તો એ કાઢી નાખો.
આંતરરાષ્ટ્રીય ટ્રાન્ઝેક્શન ડીસેબલ્ડ જ રાખો.
ડેબિટ કાર્ડને ફક્ત એટીએમ પર જ ઉપયોગ કરો. બને ત્યાં સુધી ઓનલાઈન ટ્રાન્ઝેક્શન ટાળો.
અનસીક્યોર્ડ કે અજાણ્યા વાઈફાઇ નેટવર્ક પર બેંકીંગ એપ્લિકેશન કે નાણાકીય ટ્રાન્ઝેક્શન ન કરો.
બેંક સ્ટેટમેન્ટ નિયમિત ચેક કરતા રહો. કોઈ શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન નજરમાં આવે તરત જ બેંકના કોલ સેન્ટર પર રજૂઆત કરો.
ઓનલાઈન ટ્રાન્ઝેક્શનની મર્યાદા તમે એપ્લિકેશન કે બેંકના કસ્ટમર લોગ-ઇન પોર્ટલ પરથી કરી શકો છો.
તમારા મોબાઈલ ફોનમાં ક્યારેય ડેબિટ/ક્રેડિટ કાર્ડનો નંબર કે પાસવર્ડ સેવ ન કરો.
ઘણાને એવી આદત હોય છે કે ડેબિટ/ક્રેડિટ કાર્ડના કવર પર જ પીન નંબર લખેલો રાખે છે. ભૂલી ન જવાય એટલે. તો એવી કોઈ ભૂલ કરવી નહીં.
ઓટીપી, સીવીવી, કાર્ડ ઍક્સ્પાયરી ડેઇટ કે કાર્ડ નંબર ક્યારેય કોઈ સાથે શેર કરવા નહીં.
એટીએમ પીન પણ કોઈની સાથે શેર ન કરો.
આપણા નાણાની સુરક્ષા રાખવી એ આપણી જ જવાબદારી છે. થોડી સાવધાની તમને સુરક્ષિત રાખશે. ઘરમાં સિનિયર સિટીઝનને આ ખાસ વંચાવશો. ફ્રોડ કરતી ટોળીઓ એમને પહેલાં શિકાર બનાવે છે.
આભાર.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp