ક્રેડિટ કાર્ડ - ગોળના ગાડાં કે દેવાના ડુંગરા?

ક્રેડિટ કાર્ડ - ગોળના ગાડાં કે દેવાના ડુંગરા?

02/26/2021 Magazine

મિતેષ પાઠક
માંડીને વાત
મિતેષ પાઠક

ક્રેડિટ કાર્ડ - ગોળના ગાડાં કે દેવાના ડુંગરા?

ક્રેડિટ કાર્ડ - એના વિશે સમજ અને ગેરસમજ બન્ને ખૂબ જ વ્યાપ્ત છે.

પ્લાસ્ટિક કરન્સી તરીકે ક્રેડિટ કાર્ડ આજે આપણા દેશમાં પણ ખૂબ જ પ્રચલિત થઈ ગયા છે. તાત્કાલિક જરૂરિયાત હોય અને ખીસ્સામાં રૂપિયા નથી? નો વરી. હમણાં ક્યાં ચૂકવવાના છે? ઘસો કાર્ડ અને કરો મોજ. પણ આ ઘસારો છેવટે કેટલો મોંઘો પડી શકે છે? જો સમજદારી કે જવાબદારી સાથે ઉપયોગ ન થયો તો?

આજે નહીં પણ વરસથી આ દલીલો ચાલે છે કે ક્રેડિટ કાર્ડ લેવાય કે ન લેવાય? અને એ તો દેવાના ડુંગરાઓ ઉભા કરે છે. અને તબાહી સીવાય કોઈ જ ફાયદો નથી. અને અન્ય દલીલ એ પણ થાય છે કે ક્રેડિટ કાર્ડના સંયમી (!!) ઉપયોગ વડે તમે ઘણા ફાયદા મેળવી શકો છો.

ક્રેડિટ કાર્ડ લેવું કે નહીં? લઈએ તો શું ફાયદા અને શું નુકશાન છે?  એના બન્ને પાસાઓ જોઇએ.


ક્રેડિટ કાર્ડના ફાયદાઓ:

ક્રેડિટ કાર્ડ સાથે હોય તો રોકડા રૂપિયા સાથે રાખવાની જરૂર નથી પડતી. મુસાફરીમાં કે ખરીદી વખતે સુરક્ષીત રીતે ફરી શકાય છે.

ક્રેડિટ સ્કોર (સીબીલ) સુધારવા માટે ઉપયોગી થાય છે.

એક પ્રકારે વગર વ્યાજનું ચોક્કસ દિવસો માટે ધિરાણ પ્રાપ્ત થાય છે. (જેની ચુકવણી પેમેન્ટ સાઈકલ પ્રમાણે કરવાની રહેતી હોય છે)

પ્રત્યેક ખર્ચ કે વપરાશ ઉપર રીવોર્ડ પોઇન્ટ મળે છે. અને એ રીવોર્ડ પોઇન્ટ વડે તમને ગિફ્ટ વાઉચર કે પ્રોડક્ટ્સ કે અન્ય ફાયદા મળતા હોય છે.

જો કોઈ સેવા કે પ્રોડક્ટ્સથી સંતોષ ન થયો હોય તો ચાર્જબેક સગવડ પણ આમાં હોય છે.

ક્રેડિટ કાર્ડ આંતરરાષ્ટ્રીય મુસાફરી દરમ્યાન (જો એ સગવડ એક્ટીવેટ કરાવી હોય તો) વિદેશી કરન્સીમાં પણ મદદરૂપ થાય છે. તમારે જે તે દેશમાં વધારે રોકડા સાથે ફેરવવાની જરૂર નથી રહેતી.

સમય સમય એમની ઓફર્સ આવતી રહેતી હોય છે. ફ્લાઇટ, હોટેલ કે રેસ્ટોરન્ટ્સ પર ઍકસ્ટ્રા ડિસ્કાઉન્ટ કે કેશબેક. એનો લાભ વધારાનો ગણી શકાય.

એરપોર્ટ લોન્જ એસેસ. ડોમેસ્ટીક કે આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર વિશાળ લોન્જ હોય છે. એમાં (ક્રેડિટ કાર્ડ કૅટેગરી સુનિશ્ચિત હોય છે એ પ્રમાણે) ભોજન સ્નાન વગેરેની સગવડ લગભગ મફત મળે છે. લગભગ મફત એટલે લખ્યું કે ૨ રૂપિયા થી ૨૦ રૂપિયા ચાર્જ વસુલે (જે પરત મળી જતા હોય છે)


ક્રેડિટ કાર્ડના ગેરફાયદાઓ:

ખૂબ જ ઊંચા વ્યાજના દર. પેમેન્ટ સાઈકલ દરમ્યાન જો બેલેન્સ કેરી ફૉર્વર્ડ થાય તો ૨૨% - ૩૦% જેટલું વ્યાજ ચૂકવવું પડતું હોય છે.

અનિયમિત ચુકવણી કે પેયમેન્ટમાં ડીફોલ્ટ ક્રેડિટ સ્કોર (સીબીલ) ખરાબ કરે છે.

એન્યુઅલ ચાર્જ: કાર્ડના અલગ અલગ પ્રકાર હોય છે. જેમ સેવાઓ વધારે એમ ચાર્જ વધારે. જે ફ્રી કાર્ડ હોય છે એમાં સગવડ પણ મર્યાદિત હોય છે. પ્રત્યેક વરસે કાર્ડ ઉપર ૨૦૦૦ થી લઈને ૫૦૦૦ કે વધારે ફીસ લાગુ પડતી હોય છે.

ક્રેડિટ કાર્ડ ફ્રોડના પ્રસંગો ખૂબ બનતા હોય છે. તો કાર્ડની વિગતો, પીન નંબર કે વન ટાઈમ પાસકોડ કોઈની સાથે શેર કરીએ તો આ પ્રૉબ્લેમ ઉદ્ભવી શકે છે. અમુક લોકો કાર્ડને ક્લોન (એની ડુપ્લીકેટ કોપી) પણ બનાવી નાખે છે. જેમાં આપણા કાર્ડની રકમ પરત મેળવવા લાંબી પ્રક્રિયા છે.

કેશ ઍડ્વાન્સ કે કેશ ઉપાડ ઉપર મોટી રકમના ચાર્જ લાગે છે. જે કાર્ડ કંપનીઓ કંપનીઓ અલગ અલગ હોય છે. અને કેશ ઉપાડ ઉપર ચાર્જ ઉપરાંત દૈનિક વ્યાજ પણ મોટું લાગે છે.

કાર્ડ ઉપર સરચાર્જ અને અન્ય લેવીઓ પણ સતત લાગતી રહેતી હોય છે.

જો ક્રેડિટ કાર્ડની લીમીટ ક્રોસ કરો કે પેમેન્ટમાં ચૂક થાય તો વધારાની ફી પણ લાગે છે.


ધ્યાનમાં શું રાખવું:

ક્રેડિટ કાર્ડને સંકટ સમયની જરૂરિયાત પ્રમાણે જ વાપરવું. આમ તો નિયમિત વાપરવાથી કોઈ સમસ્યાઓ નથી હોતી. પણ તાત્કાલીક તો ખીસ્સામાંથી રકમ જતી નથી એટલે લોકો થોડા બેપરવાહ હોય. અને પછી દેવું વધી જાય ત્યારે સમસ્યાઓ થાય એટલે જ સંકટ સમયનો ઉલ્લેખ કર્યો છે.

માસિક પેમેન્ટ વખતે ક્રેડિટના દિવસો નું પુરૂં ધ્યાન રાખવું. લોભામણી ઑફર હોય છે એમની. મિનિમમ આટલાં ચૂકવો કે પુરેપુરા ચૂકવો - તો આ સંજોગોમાં હંમેશા પુરેપુરા ચૂકવવા હિતાવહ છે. જેના કારણે ઊંચા વ્યાજના ચક્રમાં ફસીએ નહી.

પેમેન્ટ સાઈકલ ખાસ ધ્યાનમાં રાખવી. ૩૦ દિવસ કે કેટલા દિવસની છે? ઘણી વખત એવું બને કે સાઈકલ શરૂ થવાના એક બે દિવસ બાદ જો ખરીદી કરશો તો તમને ક્રેડિટના પુરા દિવસો મળશે. અને પેમેન્ટ ડ્યુ તારીખ પહેલાં કરશો તો ક્રેડિટ દિવસો ઓછા મળશે.

તમારા ખર્ચને ટ્રૅક કરતા રહો. ક્રેડિટ કાર્ડની એન્ડ્રોઈડ એપ્લિકેશન મોબાઈલમાં રાખવી. જેથી તમારા બાકી બેલેન્સ અને એની વિગતો ઉપરાંત રીવોર્ડ પોઇન્ટ પર નજર રહે. અને સમયસર ચુકવણી કે રીવોર્ડ પોઇન્ટ રીડીમ કરી શકો. અને જો કોઈ ફ્રોડ ટ્રાન્ઝેક્શન થાય તો રિપોર્ટ કરી શકો.

ઇમેઇલ અને એસએમએસ ટ્રાન્ઝેક્શન એલર્ટ સબસ્ક્રાઈબ કરવું અત્યંત જરૂરી છે. (મારા કાર્ડ ઉપરથી મેક્સીકોમાં કોઇએ ટ્રાન્ઝેક્શનનો એટેમ્પ કર્યો હતો. અને મધરાતને મને એલર્ટ મૅસેજ આવ્યો. સવારે કોલ સેન્ટર પર વાત કરી અને એ બ્લૉક કર્યો હતો અને મને નવું કાર્ડ ઇસ્યૂ થયું)

 

ભયસ્થાન:::  સાવચેતી શેમાં રાખવી?

ક્રેડિટ કાર્ડ દ્વારા રોકડ ઉપાડ એ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે. એટીએમ દ્વારા રોકડ ઉપાડવા આમ તો સરળ પ્રક્રિયા છે. દરેક ક્રેડિટ કાર્ડમાં એક હોય છે ક્રેડિટ લીમીટ - તમે કેટલા ખર્ચી શકો છો. અને બીજી હોય છે કેશ વિથડ્રોઅલ લીમીટ - તમે કેટલા રોકડા ઉપાડી શકો છો. આમ સરળ લાગે છે  પણ જેટલું સરળ એ ઉપાડવાનું છે એટલું જ ખર્ચાળ સાબિત થઈ જાય છે. રોકડ ઉપાડની સાથે જ ઍડ્વાન્સ ચાર્જીસ અને વ્યાજ બન્ને લાગુ પડે છે.

પ્રત્યેક ટ્રાન્ઝેક્શન - વન ટાઈમ ૫૦૦ રૂપિયા કે ૨.૫%  જે વધુ હોય તે રકમ લાગુ પડે છે. અને એ સાથે ઝીરો દિવસથી જ વ્યાજ ચાલુ થઈ જાય છે. જે ૨.૫% - ૩% પ્રતિ મહીના લાગુ પડી શકે છે.  અને એ તમામ બાકી રહેતી રકમ - ખરીદી કે અન્ય ટ્રાન્ઝેક્શન + રોકડ ઉપાડ બન્ને ઉપર લાગુ પડશે.

 

હવે કઈ બેંકનું કાર્ડ સારૂં:

એ વ્યક્તિગત પસંદગી અને સગવડની જરૂરિયાત ઉપર આધારિત છે. હું છેલ્લા ૨૦ વરસથી એસબીઆઈ ક્રેડિટ કાર્ડ ઉપયોગ કરૂં છું અને મને એમની સેવાઓથી સંતોષ છે. તમે તમારી જે તે બેંક દ્વારા કાર્ડ પ્રોવાઈડ કરાતું હોય તેનો અભ્યાસ (ચાર્જ / વ્યાજના દર / ક્રેડિટ સ્કોર / એન્યુઅલ ફી વગેરે) કરવો અત્યંત જરૂરી છે.

મારા મત અનુસાર આપણી રાષ્ટ્રીયકૃત બેંકના કાર્ડ સારા રહે છે. એ ઉપરાંત ભારતીય ખાનગી બેંકોના પણ સારા હોય છે. ચાર્જીસ અને શરતો ચેક કરવું એ સલાહ છે.

 

આભાર


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top