અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને વધુ એક ઝટકો, આ મામલે કોર્ટે પલટી દીધો નિર્ણય
અમેરિકાની એક ફેડરલ કોર્ટે હાર્વર્ડ યુનિવર્સિટીના પક્ષમાં મોટો ચુકાદો આપ્યો છે. કોર્ટે ટ્રમ્પ વહીવટીતંત્રના હાર્વર્ડના અબજો ડોલરના સંશોધન ભંડોળને રોકવાના પગલાને ગેરકાયદેસર ગણાવ્યું છે. ન્યાયાધીશ એલિસન બરોઝે પોતાના નિર્ણયમાં કહ્યું હતું કે, ટ્રમ્પ વહીવટીતંત્રે યહૂદી-વિરોધનો હવાલો આપીને દેશની ટોચની યુનિવર્સિટીને નિશાન બનાવી છે. આ પગલું સંપૂર્ણપણે ખોટું હતું. આ નિર્ણય માત્ર હાર્વર્ડ માટે રાહત નથી, પરંતુ તેને અમેરિકામાં શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતા માટે પણ એક મોટી જીત માનવામાં આવી રહી છે.
11 એપ્રિલના રોજ ટ્રમ્પ વહીવટીતંત્રએ હાર્વર્ડને એક પત્ર મોકલ્યો હતો. પત્રમાં યુનિવર્સિટીને યહૂદી-વિરોધી પ્રવૃત્તિઓ બંધ કરવાની અને કેટલાક લઘુમતી જૂથોને લાભ આપતી ડાયવર્સિટી ઇનિસિએટિવ બંધ કરવાની માગ કરવામાં આવી હતી.
પત્રમાં 10 માગણીઓ હતી, જેમાં આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના પ્રવેશ પર પ્રતિબંધ, તૃતીય-પક્ષ ઓડિટ અને વિવિધતા, સમાનતા અને સમાવેશ (DEI) કાર્યક્રમો નાબૂદ કરવાનો સમાવેશ થાય છે. હાર્વર્ડે આ માગણીઓને ફગાવી દીધી હતી. ત્યારબાદ 14 એપ્રિલના રોજ, ટ્રમ્પ વહીવટીતંત્રએ યુનિવર્સિટીના 2.2 અબજ ડોલરના બહુ-વર્ષીય અનુદાન અને 60 અબજ ડોલરના કોન્ટ્રાક્ટ પર રોક લગાવી દીધી હતી.
ન્યાયાધીશ બરોઝે પોતાના નિર્ણયમાં સ્પષ્ટપણે જણાવ્યું હતું કે ટ્રમ્પ વહીવટીતંત્રનું આ પગલું ઘણા કાયદાઓનું ઉલ્લંઘન કરે છે. આ નિર્ણયમાં વહીવટી પ્રક્રિયા અધિનિયમ, અમેરિકન બંધારણનો પ્રથમ સુધારો અને નાગરિક અધિકાર અધિનિયમ 1964ના શીર્ષક VI નો સમાવેશ થાય છે. વહીવટીતંત્રએ યહૂદી-વિરોધના બહાના હેઠળ હાર્વર્ડ પર વૈચારિક હુમલો કર્યો. ન્યાયાધીશે એ પણ સ્વીકાર્યું કે હાર્વર્ડે અગાઉ કેટલાક દ્વેષપૂર્ણ વર્તનને સહન કર્યું હોવા છતા તે હવે તેને રોકવા માટે પગલાં લઈ રહ્યું છે અને જરૂર પડ્યે વધુ કડક પગલાં લેવા તૈયાર છે.
ન્યાયાધીશે હાર્વર્ડ દ્વારા દાખલ કરાયેલ સારાંશ ચુકાદાની માગણી સ્વીકારી, એટલે કે ટ્રાયલ વિના યુનિવર્સિટીની તરફેણમાં નિર્ણય આપ્યો. તેમણે કહ્યું કે શૈક્ષણિક સ્વતંત્રતા અને અભિવ્યક્તિની સ્વતંત્રતાનું રક્ષણ કરવાનું કામ કોર્ટનું છે. તો વાતની ખાતરી કરવી જોઈએ કે મહત્ત્વપૂર્ણ સંશોધન મનસ્વી રીતે બંધ ન થાય, ભલે સરકાર તેની ઇચ્છા લાદવાનો પ્રયાસ કરે.
ટ્રમ્પ વહીવટીતંત્રએ આ નિર્ણય સ્વીકારવાનો ઇનકાર કરી દીધો. વ્હાઇટ હાઉસના પ્રવક્તા લિઝ હ્યુસ્ટને કહ્યું કે હાર્વર્ડને કરદાતાઓના પૈસા પર કોઈ બંધારણીય અધિકાર નથી અને ભવિષ્યમાં તે અનુદાન માટે અયોગ્ય રહેશે. તેમણે દાવો કર્યો હતો કે હાર્વર્ડ વર્ષોથી તેના કેમ્પસમાં વિદ્યાર્થીઓને ઉત્પીડનથી બચાવવામાં નિષ્ફળ ગઈ છે અને ભેદભાવ વધવા દીધો છે. શિક્ષણ વિભાગના પ્રવક્તા મેડી બીડરમેને પણ આ નિર્ણયને નકારતા કહ્યું કે આ નિર્ણય આશ્ચર્યજનક નથી.
ન્યાયાધીશ બરોઝ પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, આ એજ ન્યાયાધીશ, જેમણે અગાઉ હાર્વર્ડની ગેરકાયદેસર જાતિ-આધારિત પ્રવેશ નીતિઓ (જેને સુપ્રીમ કોર્ટે ઉથલાવી દીધી હતી)ને સમર્થન આપ્યું હતું, તેઓ હવે ટ્રમ્પ વહીવટીતંત્રના પગલાંને ખોટા ગણાવી રહ્યા છે. તેમણે કહ્યું કે દેશની યુનિવર્સિટીઓમાં સુધારાનો માર્ગ લાંબો છે, પરંતુ તે જરૂરી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp