સુરત: MLA અરવિંદ રાણાએ વધુ એક લેટર બોમ્બ ફોડ્યો! મેયર Vs ધારાસભ્યના ‘યુધ્ધ’માં ભાજપ હાઈકમાન્ડ બેકફૂટ પર, કોંગ્રેસ માટે ‘જલેબી પાર્ટી’
12/19/2024
Gujarat
સુરત, MLA vs Mayor: તળ સુરતીઓ માટે હમણાં લોકલ લેવલે જાણે યુક્રેન-રશિયા વોરની સમકક્ષ ગણાય એવા ‘પત્ર યુદ્ધ’ના સાક્ષી બનવાનું આવ્યું છે. તળ સુરત, એટલે કે કોટ વિસ્તાર-સેન્ટ્રલ ઝોનના ધારાસભ્ય અને શહેરના મેયર વચ્ચે છેલ્લા પાંચેક દિવસથી એવો ‘પત્રવ્યવહાર’ ચાલી રહ્યો છે, જે ભારતીય જનતા પક્ષ માટે ‘સિરીયલ બોમ્બિંગ’ સમાન નીવડશે! લગાતાર બોમ્બ વર્ષામાં પક્ષની પ્રતિષ્ઠાનું ભયજનક ધોવાણ થઇ રહ્યું છે. સુરત ભાજપ એકમે આ અગાઉ આવી ‘લેટર વોર’ ક્યારેય જોઈ હોવાનું યાદ નથી. આઘાતજનક બાબત એ છે કે પ્રજાને સમજ નથી પડી રહી કે આમાં સરકાર પક્ષે કોણ છે અને વિરોધ પક્ષે કોણ છે!
અરવિંદ રાણાનો બીજો પત્ર વધુ ખતરનાક!
૧૩ ડિસેમ્બરના રોજ સુરત પૂર્વ બેઠકના ધારાસભ્ય શ્રી અરવિંદ રાણાએ શહેરના મેયર શ્રી દક્ષેશ માવાણીને પત્ર લખીને પોતાના વિસ્તારની સમસ્યાઓ વિષે ફરિયાદ કરી હતી. કોટ વિસ્તારને રસ્તા બનાવવા માટે વધુ બજેટ ફાળવવાની પણ વાત કરી હતી. સામાન્ય રીતે આવી બાબતો સંકલન સમિતિની બેઠકમાં ચર્ચાતી હોય છે. ખાસ કરીને કોર્પોરેશન અને વિધાનસભા, એમ બંને જગ્યાએ એક જ પક્ષની સરકાર હોય, તો ધારાસભ્યે આવો લેટર લખવાની જરૂ જ ન પડવી જોઈએ. તેમ છતાં ધારાસભ્ય અરવિંદ રાણાએ મેયરને પત્ર લખ્યો, એટલું જ નહિ પણ મીડિયામાં પણ વહેતો કર્યો. આવા પગલાને કારણે એ જ વખતે પાર્ટી શિસ્તના લીરા ઉડાડતી ચર્ચાઓ ચાલુ થઇ હતી.
સ્વાભાવિક છે કે પોતાના જ પક્ષના ધારાસભ્યના આવા પત્ર બાદ મેયરે પણ જવાબી પત્ર લખ્યો, જેમાં કોટ વિસ્તારમાં થયેલા કામો, ખર્ચાયેલા રૂપિયા અને ભવિષ્યમાં થનારા કામોની ઊંડી માહિતી અપાઈ હતી.
ધારાસભ્ય શ્રીને આ માહિતીથી સંતોષ થશે અને આખા પ્રકરણનું પીંડુ વળી જશે, એમ મનાતું હતું. પણ આવી ધારણા ખોટી પડી, અને શિસ્તબદ્ધ પક્ષની ઈમેજ જાળવવા મથી રહેલા ભાજપના ધારાસભ્યે ગઈકાલે બીજો લેટરબોમ્બ ફોડી નાખ્યો! પત્ર વાંચતા સમજાય છે કે ધારાસભ્યે આ બીજો પત્ર લખતી વખતે બોલપેન ઉપર વધુ જોર આપીને, વધુ કચકચાવીને લખવામાં પાછું વળીને જોયું નથી.
મેયર ઉપર કટાક્ષ... પણ હિજરતનો મુદ્દો આશ્ચર્યજનક રીતે ગાયબ!
રાણા સાહેબે મેયરને પાઠવેલા બીજા પત્રની શરૂઆતમાં જ મેયરને “બોલ્ડ એન્ડ સ્માર્ટ” ગણાવ્યા છે. જો કે પત્ર વાંચતા સમજાય છે કે આવા શબ્દો દ્વારા મેયરશ્રી ઉપર આકરો કટાક્ષ કરાયો છે. સેન્ટ્રલ ઝોનમાં રસ્તા બનાવવાની ઝડપ ઓછી છે, જેના પરિણામે લોકોને હાલાકી પડતી હોવાની ધારાસભ્યની વાતમાં તથ્ય છે. પણ ધારાસભ્ય જ્યારે પત્રમાં એવો સૂર વ્યક્ત કરે, કે મેયરે જવાબી પત્ર લખવાને બદલે મને રૂબરૂ ચર્ચા માટે બોલાવ્યો હોત, તો વિકાસની ચર્ચા કરી શકાઈ હોત, ત્યારે તેઓ ભૂલી જાય છે કે રૂબરૂ મળીને ચર્ચા કરવાને બદલે ‘લેટરબોમ્બ’ ફોડવાની શરૂઆત રાણાસાહેબે પોતે જ કરી છે!
જો કે ધારાસભ્ય અરવિંદ રાણાએ લખેલા આ બીજા પત્રમાં એક મોટું આશ્ચર્ય જોવા મળ્યું હતું! પહેલા પત્રના ચોથા નંબરના મુદ્દામાં એવું કહેવાયેલું કે સેન્ટ્રલ ઝોનના લોકો સુવિધાઓને અભાવે હિજરત કરી રહ્યા છે. પરંતુ એ પછી હિજરતના ‘ખરા કારણો’ વિશેની ચર્ચા શરુ થયા બાદ બીજા પત્રમાં હિજરતવાળી વાતનો કોઈ જ ઉલ્લેખ કરવામાં નથી આવ્યો! જો ખરેખર સુવિધાઓને અભાવે જ હિજરત થતી હોય, તો પહેલા પત્રના આ મુદ્દાને બીજા પત્રમાં પણ ‘માસ્ટર સ્ટ્રોક’ની માફક વાપરવાની જરૂર હતી. પણ કોણ જાણે કે, એ મુદ્દો જ પડતો મૂકી દેવાયો!
અરવિંદ રાણાનો દાવો છે કે સેન્ટ્રલ ઝોનમાં જે સીસી રોડ થયા છે, એ કોર્પોરેશન દ્વારા ફાળવાયેલી ગ્રાન્ટમાંથી નહિ, બલકે ધારાસભ્ય તરીકેની પોતાની ગ્રાન્ટમાંથી થયા છે. મજાની વાત એ છે કે કોઈ વિસ્તારમાં થયેલા કામ માટે પાર્ટીને જશ મળવો જોઈએ, એના બદલે ‘કોની ગ્રાન્ટમાંથી કામ થયું’ એ વિષે જાહેરમાં ચાલતી ખેંચતાણ ચાલતી જોઈને હાઈકમાન્ડ શું વિચારતું હશે?
હાઈકમાન્ડ કેમ મૌન? કોંગ્રેસ માટે તો જાણે ‘જલેબીની પાર્ટી’ થઇ ગઈ!
એક આ પ્રશ્ન પણ લોકો, ખાસ કરીને કાર્યકરોને સતાવી રહ્યો છે, કે પ્રદેશ પ્રમુખ સુરતના જ હોવા છતાં, ભાજપ જેવી શિસ્તબદ્ધ ગણાતી પાર્ટીમાં આવી લેટરવોર કેમ લંબાઈ રહી છે? સામાન્ય સંજોગોમાં જો કોઈ કાર્યકર કે નેતા પાર્ટી લાઈનથી વિરુદ્ધ કશુંક કરે, તો પાર્ટી હાઈકમાન્ડ દ્વારા તરત એની કડક નોંધ લેવાતી હોય છે. પરંતુ આ કિસ્સામાં ધારાસભ્યે જે ઉપરાછાપરી પત્રો લખ્યા, એ વિષે હાઈકમાંડે હજી સુધી ભેદી મૌન શા માટે ધારણ કરી રાખ્યું હશે?
બીજી તરફ વિપક્ષ કોંગ્રેસને તો આ પત્રયુદ્ધ જલેબીની પાર્ટી સમાન ગળ્યું લાગે, એ સ્વાભાવિક છે. વિપક્ષ નેતા અસલમ સાયકલવાળા ધારાસભ્યના દરેલ પત્ર બાદ મીડિયા બાઇટ્સ આપી રહ્યા છે. ધારાસભ્યશ્રી રાણા સાહેબના પત્રના એક-એક મુદ્દા ભવિષ્યમાં કોંગ્રેસ માટે બહુ કામના હથિયાર સાબિત થશે એમ લાગે છે. આવનારા કોર્પોરેશન અને ત્યારબાદના વિધાનસભા ઇલેક્શન સુધીનું ભાથું કોંગ્રેસને ધારાસભ્યના પત્રોમાંથી મળી ગયું છે!
જુઓ વિડીયો
આ બધા વચ્ચે બિચારી પ્રજાને (તેમજ સંખ્યાબંધ પાયાના કાર્યકરોને સુધ્ધાં) સમજ નથી પડતી કે આમાં સરકાર પક્ષે કોણ છે અને વિપક્ષમાં કોણ છે!
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp