Mumbai 26/11 Attacks: મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડને જલદી જ લાવવામાં આવશે દિલ્હી! અમેરિકાની કોર્ટમાં ભારતની મોટી જીત
Tahawwur Rana: પાકિસ્તાની મૂળના કેનેડિયન બિઝનેસમેન તહવ્વુર રાણાને ટૂંક સમયમાં ભારત લાવવામાં આવી શકે છે. તેને રાજદ્વારી પ્રક્રિયા દ્વારા ભારતને સોંપવાની તૈયારી ચાલી રહી છે. તે 26/11ના મુંબઇ હુમલામાં સામેલ હતો. ઑગસ્ટ 2024માં અમેરિકન કોર્ટે આ મામલે પોતાનો ચૂકાદો આપ્યો હતો. કોર્ટે તેને ભારત-અમેરિકા પ્રત્યાર્પણ સંધિ હેઠળ ભારત મોકલવાની મંજૂરી આપી હતી. હવે રાણાને ટૂંક સમયમાં ભારત લાવવાની ઝુંબેશ તેજ થઇ ગઇ છે.
અમેરિકી અદાલતે મુંબઇ હુમલામાં સંડોવાયેલા તહવ્વુર રાણાને ભારતને પ્રત્યાર્પણ ન કરવાની અરજી ફગાવી દીધી હતી. કોર્ટે કહ્યું કે ભારતે રાણા વિરુદ્ધ પૂરતા પુરાવા રજૂ કર્યા છે. મુંબઇ પોલીસે 26/11 હુમલાના કેસમાં ચાર્જશીટમાં રાણાનું નામ સામેલ કર્યું હતું. તેના પર પાકિસ્તાનની ઇન્ટર-સર્વિસ ઇન્ટેલિજન્સ (ISI) અને આતંકવાદી સંગઠન લશ્કર-એ-તૈયબાનો સક્રિય સભ્ય હોવાનો આરોપ છે.
ચાર્જશીટમાં કહેવામાં આવ્યું છે કે તહવ્વુર રાણાએ મુંબઇ હુમલાના માસ્ટરમાઇન્ડ ડેવિડ કોલમેન હેડલીને મદદ કરી હતી, જેણે હુમલા માટે મુંબઇમાં સ્થળોની રેકી કરી હતી. કોર્ટે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે પ્રત્યાર્પણ સંધિમાં નોન-બિસ આઇડેમ (Non Bis Idem) છે. એ ત્યારે લાગૂ થાય છે, જ્યારે આરોપી પહેલાથી જ તેજ ગુનામાં દોષિત અથવા નિર્દોષ ઠર્યો હોય. ભારતમાં રાણા સામેના આરોપો અમેરિકન કોર્ટમાં દાખલ કરાયેલા આરોપો કરતા અલગ છે, તેથી નોન બિસ આઇડેમ અપવાદ લાગુ પડતી નથી. 26/11ના મુંબઇ આતંકી હુમલાના લગભગ એક વર્ષ બાદ રાણાની શિકાગોમાં FBI દ્વારા ધરપકડ કરવામાં આવી હતી.
તહવ્વુર રાણા અને તેના સહયોગી ડેવિડ કોલમેન હેડલીએ મળીને મુંબઇ હુમલાના લક્ષ્યાંકો શોધીને પાકિસ્તાની આતંકવાદીઓ માટે બ્લૂ પ્રિન્ટ તૈયાર કરી હતી. રાણા હાલ લોસ એન્જલસ જેલમાં છે. અમેરિકામાં રાણાને તેની સામેના આરોપોમાંથી મુક્ત કરવામાં આવ્યો છે, પરંતુ ભારતની પ્રત્યાર્પણ અરજીના કારણે તેને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો નથી.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp