નાગપુર હિંસા કેસનો માસ્ટરમાઇન્ડ ફહિમ ખાન પકડાયો, જાણો કોણ છે આ શખ્સ?
પોલીસે મહારાષ્ટ્રના નાગપુરમાં થયેલી હિંસા પાછળનો મુખ્ય સૂત્રધાર માનવામાં આવતા ફહીમ શમીમ ખાનની ધરપકડ કરી છે. તેને 21 માર્ચ સુધી પોલીસ કસ્ટડીમાં મોકલી દેવાયો છે. ફહીમ ખાન માઇનોરિટી ડેમોક્રેટિક પાર્ટી (MDP)નો શહેર પ્રમુખ છે. તેણે કેન્દ્રીય મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા નીતિન ગડકરી સામે નાગપુરથી લોકસભા અને વિધાનસભાની ચૂંટણી પણ લડી છે. બંને ચૂંટણીઓમાં તેની ડિપોઝિટ જપ્ત થઈ ગઈ હતી.
પોલીસ FIRમાં, આરોપીઓની યાદીમાં અન્ય લોકોના નામ સાથે જ ફહીમનું નામ ઉલ્લેખિત છે. એવો આરોપ છે કે શરૂઆતમાં તેણે પોલીસ સ્ટેશને પહોંચીને લોકોને બજરંગ દળ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને લોકોને ઉશ્કેર્યા હતા.
નાગપુર પોલીસ કમિશનર રવિન્દ્ર સિંઘલે ફહિમ ખાનને લઇને જણાવ્યું હતું કે, હિંસામાં કેટલાક લોકોની ભૂમિકા છે કે પછી તેમણે લોકોને ઉશ્કેર્યા છે, તે જાણવા માટે તપાસ કરવામાં આવી રહી છે. અમે તપાસ કરી રહ્યા છીએ કે આ કેસમાં કોઈ એક વ્યક્તિ હતી કે સંગઠન. અમે તમામ એન્ગલથી તપાસ કરી રહ્યા છીએ. FIRમાં અત્યારે જે પણ આરોપીઓના નામ છે, એ બધા નાગપુરના છે. કેટલાક એન્ગલ છે જે અમને નજરે પડ્યા છે કે, કેટલાક લોકો બહારથી આવ્યા હતા. કેટલાક લોકો નાગપુર શહેરમાંથી પણ આવ્યા હતા.
સોમવારે (17 માર્ચ) મહારાષ્ટ્રમાં વિશ્વ હિન્દુ પરિષદ (VHP) અને બજરંગ દળે ઔરંગઝેબની કબર હટાવવાની માગણી સાથે પ્રદર્શન કર્યું હતું. દરમિયાન, નાગપુરમાં એક અફવા ફેલાઈ ગઈ કે ધાર્મિક પ્રતિકોવાળી ચાદર સળગાવી દેવામાં આવી છે. તેને લઇને વિરોધ પ્રદર્શન શરૂ થયા અને તેણે હિંસાનું સ્વરૂપ લઇ લીધું. ઘણા વાહનોને આગ ચાંપી કરી દેવામાં આવી. હિંસામાં ઘણા પોલીસકર્મીઓ અને સામાન્ય લોકો ઇજાગ્રસ્ત થયા હતા.
હિંસાના કેસમાં પોલીસે અત્યાર સુધીમાં 3 પોલીસ સ્ટેશનમાં 6 FIR નોંધી છે અને 51 લોકોની ધરપકડ કરી છે. પોલીસે 1250 લોકો સામે FIR નોંધી છે, જેમાંથી અત્યાર સુધીમાં 100-200 લોકોની ઓળખ થઈ ગઈ છે. નાગપુર પોલીસનું સાયબર યુનિટ સોશિયલ મીડિયા પર વીડિયો વાયરલ કરનારા લોકોની પણ તપાસ કરી રહ્યું છે. 100-150 CCTV કેમેરાના ફૂટેજની પણ તપાસ કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp