નવજોત સિંહ સિદ્ધુ પાછા ભાજપમાં જોડવાના કે શું? 11:00 વાગ્યે કરશે પ્રેસ કોન્ફરન્સ, સોશિયલ મીડિયા પર કરી પોસ્ટ
પંજાબ કોંગ્રેસના વરિષ્ઠ નેતા નવજોત સિંહ સિદ્ધુએ સોશિયલ મીડિયા પર કંઈક એવી પોસ્ટ કરી છે જેનાથી અટકળો તેજ થઈ ગઈ છે. મંગળવારે (29 એપ્રિલ) તેમણે ટ્વીટ કરતા લખ્યું કે, આવતીકાલે (30 એપ્રિલ) તેઓ તેમના જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા જઈ રહ્યા છે. આ માટે, તેમણે પત્રકારોને અમૃતસરના 110 હોલી સિટી ખાતેના તેમના નિવાસસ્થાને આવવા આમંત્રણ પણ આપ્યું.
તેમની પોસ્ટ પર યુઝર્સ વિવિધ પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. કેટલાક લોકો પૂછી રહ્યા છે કે શું તમે ફરીથી ભાજપમાં જોડાશો? તો કેટલાક લોકો તેમને શુભકામનાઓ પણ આપી રહ્યા છે. એક યુઝરે પૂછ્યું કે શું તેઓ IPL ટીમમાં કોચિંગ સ્ટાફ તરીકે સામેલ થશે? નવજોત સિંહ સિદ્ધુએ X પર લખ્યું કે, ‘મારા જીવનમાં એક નવો અધ્યાય શરૂ કરવા માટે, હું એક પ્રેસ કોન્ફરન્સ કરવા જઈ રહ્યો છું. આ પ્રેસ કોન્ફરન્સ આવતીકાલે, 30 એપ્રિલે સવારે 11:00 વાગ્યે મારા અમૃતસર નિવાસસ્થાન 110 હોલી સિટી ખાતે થશે. બધા પત્રકારોને આમંત્રણ છે. એક યુઝરે તેમની પોસ્ટ પર પૂછ્યું, શું તમે નવી પાર્ટીમાં જોડાવા જઈ રહ્યા છો? એકે પૂછ્યું કે ભાજપમાં કે આમ આદમી પાર્ટીમાં સામેલ થશો? એકે પૂછ્યું કે શું તેઓ કોંગ્રેસ છોડી રહ્યા છે?
સિદ્ધુ લાંબા સમયથી સક્રિય રાજકારણથી દૂર છે. ગયા વર્ષે નવેમ્બરમાં તેમણે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું. તેમાં, જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે શું તેઓ સક્રિય રાજકારણમાં પાછા ફરશે, ત્યારે તેમણે જવાબ આપ્યો કે આ નિર્ણય પાર્ટી હાઇકમાન્ડે લેવાનો છે. ગયા વર્ષની લોકસભા ચૂંટણીમાં પણ સિદ્ધુએ પાર્ટી માટે કોઈ રેલી કરી નહોતી. પંજાબમાં યોજાયેલી 4 પેટાચૂંટણીઓમાં પણ તેઓ પાર્ટી માટે પ્રચાર કરતા જોવા મળ્યા નહોતા.
સિદ્ધુએ વર્ષ 2016માં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારબાદ, તેઓ વર્ષ 2017માં કોંગ્રેસમાં જોડાયા. તેમણે અમૃતસર પૂર્વ બેઠક પરથી ચૂંટણી લડી અને જીત્યા બાદ, તેઓ કોંગ્રેસ સરકારમાં મંત્રી પણ બન્યા. તેમણે 2019માં મંત્રી પદ પરથી રાજીનામું આપી દીધું હતું.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp