માંડવી તાલુકાના કાકરાપાર અને બડતલ ગામની આંગણવાડીઓ પર પોષણ સંગમ કાર્યક્રમનું કરાયું આયોજન
‘પોષણ સંગમ કાર્યક્રમ’ અંતર્ગત સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવતા કાકરાપાર અને બડત ગામની આંગણવાડીના લગભગ 150થી વધુ બાળકો માટે ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સર્વિસ (ICDS)ના સહયોગથી RBSK ટીમ દ્વારા આરોગ્ય તપાસ કરવામાં આવી હતી. જેમાં બાળકોનું વજન અને ઊંચાઈ માપવા સાથે જ લોહીનું પરીક્ષણ કરવામાં આવ્યું, જેથી બાળકમાં લોહીનું પ્રમાણ ઓછું હોય તો તેને ધ્યાનમાં લઈને તાત્કાલિક આરોગ્ય અને અન્ય સેવા પૂરી પાડી શકાય. જે બાળકોમાં લોહીની ઉણપ જોવા મળતી હતી તેમને તાત્કાલિક માંડવી આરોગ્ય કેન્દ્ર પર ખસેડવામાં આવી રહ્યા હતા. જેથી બાળકોનું સ્વાસ્થ્ય સુધરી શકે.
આ સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ. નરેન્દ્રભાઈ ચૌધરી દ્વારા કરવામાં આવ્યું હતું જેમાં ડૉ. હિરલબેન, ડૉ. કુલદીપસિંહ વાંસિયા, ડૉ. મિતાલીબેન, મુખ્ય સેવિકાબેન, CDPO બેન, CHO, MPHW, FHW તથા આશા વર્કર બહેનોએ ભાગ લીધો હતો. THOએ કાર્યક્રમને અંતે જણાવ્યુ હતું કે, બાળકો દેશનું ભવિષ્ય છે અને તેમની આરોગ્ય રક્ષા ખૂબ જરૂરી છે કેમકે તંદુરસ્ત બાળક દેશનું ભવિષ્ય તંદુરસ્ત બનાવે છે.
મે મહિનામાં ગાંધીનગર ખાતે મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરિયાએ પોષણ સંગમ કાર્યક્રમનો રાજ્ય વ્યાપી શુભારંભ કરાવ્યો હતો. મહિલા અને બાળ વિકાસ વિભાગ તથા આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના સંયુક્ત પ્રયાસોથી કુપોષિત બાળકો માટે સમુદાય આધારિત વ્યવસ્થાપન (C-MAM) કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેને રાજ્ય સરકાર દ્વારા ‘પોષણ સંગમ’ નામ આપવામાં આવ્યું છે. આ કાર્યક્રમ અંતર્ગત રાજ્યના 6 વર્ષ સુધીના તમામ બાળકોનું નિયમિત રીતે વજન-ઉંચાઇ માપણી, ભૂખ પરીક્ષણ, તબીબી ચકાસણી અને તેના આધારે યોગ્ય સ્તર પર પોષણ અને આરોગ્ય વિષયક સેવાઓ ઉપલબ્ઘ કરાવી અતિ કુપોષિત બાળકોને સુપોષિત કરવા માટે ઝૂંબેશ સ્વરૂપે કામગીરી કરવામાં આવી રહી છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp