Israel-Iran Conflict: ‘ઈરાન બાદ ઉડશે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણા..’, ઇઝરાયલી એક્સપર્ટનો દાવો, શું પાકિસ્તાની આર્મી ચીફ આ જ ભય સતાવી રહ્યો છે?
Israel-Iran Conflict: ઈરાન પર મિસાઈલોના વરસાદ બાદ પાકિસ્તાનમાં ભયનો માહોલ છે. તેનું કારણ એક ઈઝરાયલી નિષ્ણાતનો દાવો છે, જેણે ઈસ્લામાબાદની ઊંઘ હરામ કરી દીધી છે. ઈઝરાયલી લેખક અને આંતરરાષ્ટ્રીય બાબતોના નિષ્ણાત મેઇર મસરીએ દાવો કર્યો છે કે ઈરાન બાદ હવે ઈઝરાયલની નજરો હવે પાકિસ્તાનના પરમાણુ કાર્યક્રમ પર ટકી ગઈ છે. એટલે કે, ઈરાન બાદ પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાઓ પર હુમલો થઈ શકે છે. આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને ઈઝરાયલ વચ્ચે તણાવ ચરમસીમાએ છે. બંને તરફથી દિવસ-રાત મિસાઈલોનો વરસાદ થઈ રહ્યો છે. ઈઝરાયલી વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂનો એક જૂનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ ઈરાન બાદ પાકિસ્તાન પર હુમલો કરવાની વાત કરતા સાંભળવા મળે છે.
આ વીડિયો અને મસરીના નિવેદન બાદ પાકિસ્તાનમાં સોશિયલ મીડિયા પર ચર્ચા તેજ થઈ ગઈ છે. લોકો સવાલ પૂછી રહ્યા છે કે શું ઈઝરાયલ ખરેખર હવે પાકિસ્તાનના પરમાણુ ઠેકાણાઓને નિશાન બનાવી શકે છે? શું આ માત્ર મનોવૈજ્ઞાનિક દબાણ છે કે કોઈ વાસ્તવિક તૈયારી ચાલી રહી છે? પાકિસ્તાનના લશ્કરી વર્તુળોમાં પણ હલચલ જોવા મળી રહી છે. કેટલાક અહેવાલો અનુસાર, પાકિસ્તાની આર્મી ચીફ અસીમ મુનીરે આંતરિક બેઠકોમાં સુરક્ષા તૈયારીઓની સમીક્ષા કરી છે. ઓપરેશન સિંદૂર બાદ જ પાકિસ્તાનની વાયુસેના હાઈ એલર્ટ પર છે.
કૂટનીતિક બાબતોના નિષ્ણાતો માને છે કે પાકિસ્તાનનો પરમાણુ કાર્યક્રમ લાંબા સમયથી આંતરરાષ્ટ્રીય સમુદાયની દેખરેખ હેઠળ છે. પરંતુ ઇઝરાયલને ડર છે કે પાકિસ્તાનનો આ કાર્યક્રમ કટ્ટરપંથી તાકતોના હાથમાં આવી શકે છે, અથવા તે ત્રીજા દેશના માધ્યમથી ઇરાનની મદદ માટે આવી શકે છે. મેઈર મસરીનું આ નિવેદન મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે ઇઝરાયલી વિદેશ નીતિ સાથે જોડાયેલા રહ્યા છે અને ત્યાંની રણનીતિક વિચારસરણીને સારી રીતે સમજે છે. તેમણે કહ્યું છે કે ઇરાન બાદ જો કોઈ દેશ ઇઝરાયલ માટે જોખમ બની શકે છે, તો તે પાકિસ્તાન છે.
હાલમાં, ઇઝરાયલ તરફથી આ અંગે કોઈ સત્તાવાર પ્રતિક્રિયા તો નથી આવી, પરંતુ પાકિસ્તાનની સંસદમાં પરમાણુ કાર્યક્રમને લઈને ઘણા પ્રકારની વાતો કહેવામાં આવી છે. કેટલાક નેતાઓએ એવો દાવો પણ કર્યો હતો કે જો ઇરાન પર હુમલો કરવામાં આવશે, તો પાકિસ્તાન ઈરાનની મદદ માટે ઇઝરાયલ પર પરમાણુ બોમ્બ ફેંકશે, પરંતુ પાકિસ્તાનના વિદેશ મંત્રીએ તેને વાહિયાત નિવેદન ગણાવીને ફગાવી દીધા. બીજી તરફ, ટ્રમ્પે અસીમ મુનીરને લંચ માટે આમંત્રણ આપ્યું અને તેને સારી રીતે સમજાવ્યો. પરંતુ જો મસરીના દાવામાં થોડી પણ સત્યતા હોય, તો પશ્ચિમ એશિયા બાદ દક્ષિણ એશિયામાં પણ મોટી ઉથલ-પાથલ થઈ શકે છે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp