આજથી સંસદનું ચોમાસું સત્ર : આ મુદ્દાઓ ઉપર સરકારને ઘેરવાની તૈયારીમાં વિપક્ષ

આજથી સંસદનું ચોમાસું સત્ર : આ મુદ્દાઓ ઉપર સરકારને ઘેરવાની તૈયારીમાં વિપક્ષ

07/19/2021 National

SidhiKhabar

SidhiKhabar

આજથી સંસદનું ચોમાસું સત્ર : આ મુદ્દાઓ ઉપર સરકારને ઘેરવાની તૈયારીમાં વિપક્ષ

નવી દિલ્હી: આજથી સંસદનું ચોમાસું સત્ર (Monsoon Session) શરૂ થવા જઈ રહ્યું છે. આ સત્ર આગામી ૧૩ ઓગસ્ટ સુધી ચાલશે. આજથી શરૂ થતા સત્રમાં સરકાર (Government) અને વિપક્ષ (Opposition) વચ્ચે કોરોના મહામારી (Covid-19), ખેડૂત આંદોલન (Farmers Protest), પેટ્રોલ-ડિઝલના ભાવમાં વધારો અને કોરોના રસીકરણ વગેરે જેવા મુદ્દાઓને લઈને ઉગ્ર ચર્ચા જોવા મળી શકે છે. ઉપરાંત ગઈકાલથી દેશભરમાં ચર્ચામાં રહેલા પેગાસસ (Pegasus) મુદ્દે પણ સરકાર-વિપક્ષ આમનેસામને જોવા મળશે.

વિપક્ષી દળો સરકારને કોરોનાની બીજી લહેરના મેનેજમેન્ટ, ખેડૂત આંદોલન, બેરોજગારી, પેટ્રોલ-ડિઝલના સતત વધતા ભાવ અને ચીન સાથે સરહદ પર ઘર્ષણને લઈને ઘેરવાની તૈયારીમાં છે. જ્યારે બીજી તરફ, સરકારના મંત્રીઓએ પણ વિપક્ષના જવાબ આપવા માટે તૈયારી કરી લીધી છે. નોંધવું મહત્વનું છે કે હાલમાં જ કેન્દ્રમાં મંત્રીમંડળમાં મોટાપાયે ફેરફાર કરવામાં આવ્યા છે જેથી અનેક મોટા ખાતાના મંત્રીઓ પણ બદલાઈ ગયા છે.

અનેક વિપક્ષી દળોના સાંસદોએ એડજર્નમેન્ટ પ્રસ્તાવ આપ્યા છે અને વિવિધ મુદ્દે ચર્ચા કરવાની માગ કરી છે. આરજેડી તરફથી સંસદમાં કોરોના સંકટ ઉપર ચર્ચા કરવાની માગ કરવામાં આવી છે. સાંસદ મનોજ ઝાએ નોટીસ આપીને કોરોનાથી મૃત્યુના આંકડા પર ચર્ચા કરવા માટે કહ્યું છે.

જ્યારે તૃણમૂલ કોંગ્રેસ તરફથી પેટ્રોલ, ડીઝલના વધતા ભાવ, ખેડૂત આંદોલન અને કૃષિ કાયદાઓ, રસીકરણ અને અર્થવ્યવસ્થા વગેરે જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરવા માટે ગૃહને જણાવવામાં આવ્યું છે. ઉપરાંત, આમ આદમી પાર્ટીના નેતા ભગવંત માને કૃષિ કાયદાઓ અને ખેડૂત આંદોલન મુદ્દે નોટીસ આપી છે અને ચર્ચા કરવા માટે કહ્યું છે.

આ ઉપરાંત, ‘આપ’ સાંસદ સંજય સિંઘે કથિત પેગાસસ જાસૂસી મામલે રાજ્યસભામાં ચર્ચા કરાવવા માટેની માંગ કરી છે. ‘પેગાસસ’ સ્પાયવેર ગઈકાલથી ચર્ચામાં છે. ગઈકાલે ભારતના ‘ધ વાયર’ અને વિદેશના કેટલાક મીડિયા સંસ્થાનોએ રિપોર્ટ પ્રકાશિત કરીને દાવો કર્યો કે ઇઝરાયેલ સ્થિત NSO કંપનીનું સ્પાયવેર પેગાસસ દ્વારા ભારતના ૪૦ જેટલા પત્રકારો અને મંત્રીઓ સહિત અનેક લોકોની જાસૂસી કરવામાં આવી રહી હતી. જોકે, ભારત સરકારે જવાબ આપતા કહ્યું છે કે, આ પ્રકારના રિપોર્ટ પાયાવિહોણા છે અને સરકાર તરફથી કોઈ અધિકૃત દખલગીરી થઇ નથી.

આ ચોમાસું સત્ર દરમિયાન સરકાર તરફથી ૨૯ બિલ રજૂ કરવામાં આવશે. ઉપરાંત ૬ વિધેયકો જેને બિલમાં રૂપાંતર કરવા માટે રજૂ કરવામાં આવશે. લોકસભા સવારે ૧૧ વાગ્યેથી ૧ અને બપોરે ૨થી ૬ વાગ્યા સુધી મળશે.

(Photo Credit: Moneycontrol)

તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top