સરકારના લવ જેહાદ વિરોધી કાયદાને હાઈકોર્ટમાં પડકાર : આગામી દિવસોમાં સુનાવણી શક્ય

સરકારના લવ જેહાદ વિરોધી કાયદાને હાઈકોર્ટમાં પડકાર : આગામી દિવસોમાં સુનાવણી શક્ય

07/20/2021 Gujarat

SidhiKhabar

SidhiKhabar

સરકારના લવ જેહાદ વિરોધી કાયદાને હાઈકોર્ટમાં પડકાર : આગામી દિવસોમાં સુનાવણી શક્ય

ગાંધીનગર: રાજ્ય સરકારે ગત વિધાનસભાના બજેટ સત્રમાં (Gujarat Assembly Budget session) લવ જેહાદ વિરોધી વિધેયક (Law Against Love Jehad) પાસ કર્યું હતું. ત્યારબાદ રાજ્યપાલની મંજૂરી મળ્યા બાદ ગત જૂન મહિનાની 15 તારીખથી રાજ્યમાં આ કાયદો અમલમાં આવ્યો છે તેમજ આ કાયદાની જોગવાઈઓ હેઠળ રાજ્યમાં અનેક કેસ પણ નોંધાયા છે. ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં (Gujarat High Court) સરકારના આ લવ જેહાદ વિરોધી કાયદાને પડકારતી અરજી કરવામાં આવી છે.

અરજદારે અરજીમાં રજૂઆત કરી છે કે વ્યક્તિએ કયો ધર્મ પાળવો અને કયો ધર્મ અપનાવવો એ તેમની અંગત બાબત છે. સાથે વિધર્મી વ્યક્તિઓના લગ્ન વિષયક કિસ્સાઓમાં સરકારની મંજૂરી જરૂરી હોવાની બાબતને પણ પડકારવામાં આવી છે. ગુજરાત હાઈકોર્ટે આ અરજી સ્વીકારી છે, જેથી શક્યતા છે કે આગામી દિવસોમાં આ અંગે હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવામાં આવે.

અરજીમાં કહેવામાં આવ્યું છે કે બંધારણથી વિપરીત કાયદો લાવીને સરકાર નાગરિકોના હકો ઉપર તરાપ મારી શકે નહીં. સાથે જ અરજ કરવામાં આવી છે કે આ અરજીની સુનાવણી ઝડપી કરવામાં આવે. ગુજરાત હાઈકોર્ટે અરજી સ્વીકારીને સુનાવણી કરવાની પરવાનગી આપી છે.

યુપી, એમપી બાદ આ કાયદો બનાવનારું ગુજરાત ત્રીજું રાજ્ય

ઉલ્લેખનીય છે કે ઉત્તર પ્રદેશ (UP) અને મધ્ય પ્રદેશ (MP) સરકાર બાદ ગુજરાતની વિજય રૂપાણી સરકારે (Vijay Rupani Sarkar) પણ લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં મૂક્યો છે. ‘ધર્મ સ્વાતંત્ર્ય (સુધારા) અધિનિયમ ૨૦૨૧’ નામથી બનાવવામાં આવેલો આ કાયદો અગાઉના ધર્મ પરિવર્તન વિરોધી કાયદામાં કરવામાં આવેલો સુધારો છે. જે લવ જેહાદની પ્રવૃત્તિ પર અંકુશ મુકે છે.

રાજ્યમાં લવ જેહાદ વિરોધી કાયદો અમલમાં મુકાયા બાદ કોઈ પણ વ્યક્તિ લગ્નની લાલચે ધર્મ પરિવર્તન કરાવી શકે નહીં તેમજ ધર્મપરિવર્તનના હેતુથી લગ્ન કરી શકે નહીં. અને જો તે તેમ કરે તો તે માટે સજાની જોગવાઈ છે. જો કોઈ વ્યક્તિ સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કરવા માંગતો હોય તો તેણે જિલ્લા મેજીસ્ટ્રેટની પરવાનગી લેવી જરૂરી થઇ પડશે.

ગુજરાત સરકારે આ કાયદામાં ૫ વર્ષ સુધી સજા અને રૂ. ૨ લાખ સુધીના દંડની તેમજ સગીર વયની યુવતીઓ સાથેના કિસ્સામાં ૭ વર્ષ સુધીની સજા અને રૂ. ૩ લાખ દંડની જોગવાઈઓ કરી છે. ઉપરાંત અનુસુચિત જાતિ, જનજાતિની યુવતીઓ સાથેના ગુનામાં ૭ વર્ષની જોગવાઈ કરવામાં આવી છે. આ કાયદા હેઠળ વ્યક્તિ પોતે અથવા તેના લોહીના સબંધો ધરાવનાર વ્યક્તિ ફરિયાદ કરી શકે છે, તેમજ આ કેસમાં ડીવાયએસપીથી ઉપરની કક્ષાના અધિકારીઓ જ તપાસ કરી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top