RBIની પ્રેસ કોન્ફરન્સ : વિડીયો KYC મંજૂરી, સ્વાસ્થ્ય ક્ષેત્રે 50 હજાર કરોડની લોન જોગવાઈ

રીઝર્વ બેન્કની પ્રેસ કોન્ફરન્સ : વિડીયો KYC મંજૂરી, સ્વાસ્થ્ય ક્ષેત્રે 50 હજાર કરોડની લોન જોગવાઈ

05/05/2021 Business

SidhiKhabar

SidhiKhabar

RBIની પ્રેસ કોન્ફરન્સ : વિડીયો KYC મંજૂરી, સ્વાસ્થ્ય ક્ષેત્રે 50 હજાર કરોડની લોન જોગવાઈ

નવી દિલ્હી : ભારતીય રીઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે આજે પૂર્વઆયોજન વગર પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. તેમણે કોરોનાની મહામારીને લઈને દેશની અર્થવ્યવસ્થાને અસર ન પડે તે માટે રીઝર્વ બેન્ક દ્વારા લેવામાં આવેલા કેટલાક નિર્ણયોની જાહેરાત કરી હતી. દેશમાં એક તરફ મહામારીમાં સ્વાસ્થ્ય પ્રણાલી અસ્થિર બની ગઈ છે ત્યારે બીજી તરફ કાળાબજાર જેવા ગુનાઓ વધતાં જરૂરિયાતવાળા દર્દીઓ સુધી દવાઓ મોડી પહોંચે છે. કેટલાક રાજ્યોએ લગાવેલા લોકડાઉનને કારણે લોકોની આર્થિક સ્થિતિને અસર થતાં દેશની અર્થવ્યવસ્થા ઉપર ઉભા થયેલા સંકટ સામે પહોંચી વળવા રીઝર્વ બેન્કે કેટલીક જોગવાઈઓની જાહેરાત કરી છે.

આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસે મીડિયાને સંબોધતાં કહ્યું કે, રીઝર્વ બેન્ક કોરોનાની સ્થિતિ ઉપર સતત નજર રાખી રહી છે. તેમણે કહ્યું કે, કોરોનાની પહેલી લહેર બાદ અર્થવ્યવસ્થામાં સારી રીકવરી જોવા મળી હતી. પરંતુ બીજી લહેરની તીવ્રતા અને વ્યાપકતા જોતાં ઝડપી કાર્યવાહી કરવાની જરૂર ઉભી થઈ છે. ગવર્નરે કહ્યું કે, દુનિયાના અન્ય દેશોની તુલનાએ ભારતમાં અર્થવ્યવસ્થામાં ઝડપથી રીકવરી આવી છે. તેમણે આગળ કહ્યું કે, હવામાન ખાતાની આગાહી મુજબ ચોમાસું સારું જશે જેથી ગ્રામિણ ક્ષેત્રોમાં માગમાં તેજી આવવાની શક્યતાઓ છે.

સપ્લાય ચેન તૂટવાને કારણે દાળ અને તેલીબિયાંના ભાવમાં વધારો થયો

શક્તિકાંત દાસે કહ્યું કે, ભારતમાં માર્ચ-એપ્રિલમાં નિકાસનું પ્રમાણ વધ્યું છે. ભારત સરકારના આંકડાઓ મુજબ દાળ-દ્વિદળ અને તેલીબિયાં સહિતની ખાદ્ય સામગ્રીની કિંમતોમાં વધારો નોંધાયો છે. આ ભાવ વધારો કોરોનાને કારણે સપ્લાય ચેનની સિરીઝ તૂટવાને કારણે થયો છે.

નાના કરજદારોને 25 કરોડ રૂપિયા સુધી લોન સ્ટ્રકચરીંગની સુવિધા

ગવર્નરે કહ્યું કે, આરબીઆઈએ એકાકી અને નાનાં કરજદારો માટે લોન સ્ટ્રક્ચરીંગની બીજી વિન્ડો ખોલી છે. જેના અંતર્ગત 25 કરોડ રૂપિયા સુધીના કરજદારો જેમણે અગાઉ લોન સ્ટ્રક્ચરીંગની સુવિધા નહોતી મળી તેમને હવે આ સુવિધા મળશે.

સ્વાસ્થ્ય સુવિધાઓ માટે 50 હજાર કરોડની વિશેષ લિક્વીડીટી જોગવાઈ

રીઝર્વ બેન્કે માર્ચ 2022 સુધી કોરોના સંબંધિત સ્વાસ્થ્ય સુવિધાઓ માટે 50,000 કરોડ રૂપિયાની વિશેષ લિક્વીડીટી સુવિધાની જોગવાઈ કરી છે. તેના દ્વારા બેન્ક રેપો રેટ ઉપર વેક્સિન ઉત્પાદકોને, ટ્રાન્સપોર્ટરોને અને નિકાસકારોને સરળ હપ્તે લોન ઉપલબ્ધ કરાવશે. આ ઉપરાંત હોસ્પિટલો, હેલ્થકેર સર્વિસ પ્રોવાઈડર્સને પણ આનો લાભ મળશે.

રાજ્યો માટે ઓવરડ્રાફ્ટ સુવિધા, વિડીયો KYCને મંજૂરી

ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે, રાજ્યો માટે ઓવરડ્રાફ્ટની સુવિધા પૂરી પાડવામાં આવશે. ઓવરડ્રાફ્ટ સુવિધાની અવધિ પણ 36 દિવસથી વધારીને 50 દિવસની કરી નાખવામાં આવી છે. આ ઉપરાંત વર્તમાન સ્થિતિને ધ્યાનમાં લઈને આરબીઆઈએ વિડીયો દ્વારા કેવાયસી (નો યોર કસ્ટમર) સુવિધાને અને 1 ડીસેમ્બર 2021 સુધી લિમિટેડ કેવાયસીને મંજૂરી આપી છે.   


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top