મોરેટોરિયમ પીરિયડમાં ૩ મહિનાનો વધારો, ૪૦ બેઝીસ પોઈન્ટસ રેટ કટ

મોરેટોરિયમ પીરિયડમાં ૩ મહિનાનો વધારો, ૪૦ બેઝીસ પોઈન્ટસ રેટ કટ : મોટી જાહેરાત

05/22/2020 Business

SidhiKhabar

SidhiKhabar

મોરેટોરિયમ પીરિયડમાં ૩ મહિનાનો વધારો, ૪૦ બેઝીસ પોઈન્ટસ રેટ કટ

માત્ર દેશનું જ નહિ પરંતુ આખી દુનિયાનું અર્થતંત્ર કોવીડ-૧૯ ને પગલે ડામાડોળ થઇ ચૂક્યું છે. મોટુ અર્થતંત્ર ધરાવતો દરેક દેશ આજે મહિનાઓ લાંબા લોકડાઉન્સને કારણે ભયંકર આર્થિક તંગીમાં સપડાયો છે. નાણાની પ્રવાહિતા કોઈ પણ બિઝનેસ માટે માતાના દૂધની ગરજ સારે છે. જે રીતે નવજાત બાળકો માતાના દૂધ વિના કુપોષિત રહી જાય છે, એમ જ નાણાની પ્રવાહિતા સૂકાઈ જવાથી બિઝનેસ અને એના પગલે આખું અર્થતંત્ર કુપોષિત અવસ્થામાં આવી પહોંચે છે. હાલમાં વિશ્વના તમામ અર્થતંત્રો આવા જ કુપોષણનો સામનો કરી રહ્યા છે.

ભારતમાં સરકાર વીસ લાખ કરોડનું પેકેજ ઓલરેડી જાહેર કરી ચૂકી છે. પરંતુ આ પેકેજ કેટલું અસરકારક નીવડશે એ વિષે હજી પ્રશ્નો છે જ. સાથે જ એક બહુ મોટો વર્ગ એવો છે જે જુદા જુદા કારણોસર લોન લઈને બેઠો છે. આજે ચોમેર નાણાની તંગી વર્તાઈ રહી છે અને નોકરીઓ અને પગાર ઉપર કાપ મૂકાયાના સમાચારો આવી રહ્યા છે ત્યારે લોનના હપ્તા ભરનારા આ વર્ગની ઊંઘ હરામ થઇ ચૂકી છે. જ્યાં ઘર ખર્ચ માંડ નીકળતો હોય ત્યાં લોનના હપ્તા કઈ રીતે ભરવા, એ પ્રશ્ન બિઝનેસમેનથી માંડીને સામાન્ય નોકરીયાત સુધીના બધાને સતાવી રહ્યો છે.

આવા સમયે આરબીઆઈ દ્વારા વગર કોઈ માંગણીએ પહેલ કરાઈ છે. મોરેટોરિયમ ટાઈમ જે પહેલા ત્રણ મહિના પૂરતો જ હતો, એ હવે લંબાવીને છ મહિના જેટલો કરાયો છે. મોરેટોરિયમ પીરિયડનો અર્થ એવો હરગીઝ નથી કે તમને આ સમય દરમિયાન વ્યાજ નહિ ભરવું પડે! તમને લોનની બાકી રકમ ઉપર વ્યાજ તો લાગશે જ, પરંતુ ફરજીયાત હપ્તા ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. આ સમય દરમિયાન તમે લોનનો એક્કેય હપ્તો નહિ ભરો તો ય બેંક તમારી સિક્યોરીટી/મિલકત ઉપર જપ્તી નહિ લાવે. જો કે મોરેટોરિયમ પીરિયડ પૂરો થયા બાદ તો તમારે બાકીની લોન વ્યાજ સહિત ભરવી જ પડશે. પરંતુ હાલ જ્યારે પૈસાનો પ્રવાહ અટકી પડ્યો છે, એવા સમયે લોનના હપ્તામાંથી મુક્તિ મળે એ જ બહુ મોટી રાહત છે. છ મહિના પછી જ્યાર ઇકોનોમીમાં સુધારો આવશે ત્યારે આ બધું વ્યાજ અને બાકીની લોનના હપ્તા ભરી શકાશે.


આરબીઆઈ ગવર્નર શક્તિકાંતાદાસની પ્રેસ કોન્ફરન્સમાં પાંચ મહત્વપૂર્ણ જાહેરાતો :

આરબીઆઈ ગવર્નર શક્તિકાંતાદાસની પ્રેસ કોન્ફરન્સમાં પાંચ મહત્વપૂર્ણ જાહેરાતો :

આરબીઆઈ દ્વારા અર્થતંત્રને બળ આપવા માટેના પગલા લેવાવા માંડ્યા છે. આ હેઠળ આજે સવારે ૧૦ વાગ્યે આરબીઆઈ ગવર્નર શક્તિકાંતાદાસની પ્રેસ કોન્ફરન્સમાં કુલ પાંચ મુદ્દાઓ રજૂ કરાયા :

  1. રેપોરેટ ૪૦ બેસીસ પોઈન્ટસની કપાત. આનાથી બેન્ક્સને ફ્રેશ લોન્સ ઉપર વ્યાજદર ઘટાડવાની સ્પેસ મળશે.
  2. લોન મોરેટોરિયમ જે પહેલા ૩ મહિના પૂરતું હતું, એમાં બીજા ત્રણ મહિના લંબાયા છે. અર્થાત હવે છ મહિના સુધી મોરેટોરિયમનો લાભ ઉઠાવી શકાશે.
  3. ફુગાવાનો દર ૨૦૨૦ના પ્રથમ છ માસ દરમિયાન મજબુત રહેશે, પણ ત્યાર પછી એમાં ઘટાડો નોંધાવાની શક્યતાઓ છે. જો એવું થાય તો વધૂ રેટ કટ્સ જોવા મળશે.
  4. ૨૦૨૦-૨૧ દરમિયાન ભારતનો જીડીપી ગ્રોથ રેટ નેગેટીવ જ જોવા મળશે.
  5. રાજ્યોને તેમજ બિઝનેસ એક્સપોર્ટ-ઈમ્પોર્ટને મદદ થાય એવા પગલા આવનારા સમયમાં ભરાશે.

નિષ્ણાંતોએ આ પગલાઓને-ખાસ કરીને રેટ કટના પગલાને સુખ આશ્ચર્ય ગણાવ્યું હતું. આ જાહેરાતોને પગલે અર્થતંત્રમાં વિશ્વાસનું વાતાવરણ ઉભું કરવામાં મદદ મળશે અને બજારમાં પણ એક પોઝિટીવ સેન્ટીમેન્ટ જોવા મળી શકે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top