IPL 21ની બાકીની મેચો જૂના યજમાન UAEમાં જ રમાશે, BCCIની બેઠકમાં નિર્ણય, જાણો ક્યારે યોજાશે

IPL 21ની બાકીની મેચો જૂના યજમાન UAEમાં જ રમાશે, BCCIની બેઠકમાં નિર્ણય, જાણો ક્યારે યોજાશે

05/29/2021 Sports

SidhiKhabar

SidhiKhabar

IPL 21ની બાકીની મેચો જૂના યજમાન UAEમાં જ રમાશે, BCCIની બેઠકમાં નિર્ણય, જાણો ક્યારે યોજાશે

નવી દિલ્હી : ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઈપીએલ) ક્યાં રમાશે તેની અટકળો ઉપર પૂર્ણવિરામ મૂકાયું છે. ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)એ આજે એક બેઠક યોજીને નિર્ણય લીધો છે કે આઈપીએલની ચૌદમી સિઝનની બાકી રહેલી મેચો સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં જ રમાશે. હજી 31 મેચો રમવાની બાકી છે જે યુએઈમાં સપ્ટેમ્બર-ઓક્ટોબરમાં રમાશે. આઈપીએલમાં કોરોનાની એન્ટ્રી થતાં 4 મેએ તેને સ્થગિત કરી દેવાઈ હતી.

બીસીસીઆઈના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ આ વાતની જાણકારી આપતાં કહ્યું છે કે, બીસીસીઆઈએ આજે બપોરે 12 વાગ્યે એક વિશેષ સામાન્ય બેઠક બોલાવીને કેટલાક અગત્યના મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી. આ બેઠક માટે બીસીસીઆઈ અધ્યક્ષ સૌરવ ગાંગુલી શુકવારે રાતે કોલકાતાથી મુંબઈ પહોંચ્યા હતા. આ બેઠકમાં આઈપીએલ 21ના બાકીના 31 મેચોને યુએઈમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. સ્થગિત થયા પહેલાં 2 મે સુધી આઈપીએલ 21ના 29 મેચ રમાયા હતા.

બીસીસીઆઈએ જારી કરેલી પ્રેસ રિલીઝમાં કહેવામાં આવ્યું છે કે, સપ્ટેમ્બર-ઓક્ટોબર મહિનામાં ભારતમાં ચોમાસાની સિઝન હોવાથી આઈપીએલ 21ના બાકીના મેચો યુએઈમાં રમાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ નિર્ણય સ્પેશિયલ જનરલ મિટિંગમાં લેવામાં આવ્યો છે જેમાં સભ્યોએ સર્વસંમતિથી આ વાતને સમર્થન આપ્યું છે.

સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ, આઈપીએલના 18 થી 20 સપ્ટેમ્બર દરમિયાન ફરીથી શરૂ થશે અને 10 ઓક્ટોબર સુધી પૂરા થવાનું કહેવાઈ રહ્યું છે. આ દરમિયાન ફાઈનલ સહિતના 4 પ્લે ઓફ મેચ ઉપરાંત 10 મેચ ડબલ હેડર (દિવસમાં બે મેચ) અને 7 સિંગર હેડર (દિવસમાં એક મેચ) મેચ રમાઈ શકે છે.

ઉલ્લેખનીય છે કે કોરોનાને કારણે ગયા વર્ષે આઈપીએલની તેરમી સિઝન પણ યુએઈમાં જ યોજાઈ હતી. યુએઈમાં મુખ્ય ત્રણ સ્ટેડીયમ છે. શેખ ઝાયદ સ્ટેડીયમ (અબુ ધાબી), દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડીયમ અને શારજાહ  ક્રિકેટ સ્ટેડીયમ. આ ત્રણેય સ્ટેડીયમનું અંતર બહુ દૂર નથી એટલે ખેલાડીઓને એક સ્થાનેથી અન્ય સ્થાને જવું સરળ રહે છે.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top