કોંગ્રેસ નેતા ડૉ. શમા મોહમ્મદ તેમની એક સોશિયલ મીડિયા પોસ્ટને કારણે ભારે મુશ્કેલીમાં મુકાયા છે. ક્રિકેટ ચાહકોથી લઈને રાજકીય પક્ષો પણ તેમની આ ટિપ્પણી માટે તેમની ટીકા કરી રહ્યા છે. શમા મોહમ્મદે હવે આ સમગ્ર મામલે સ્પષ્ટતા આપી છે, જોકે આ દરમિયાન તેમણે એ વાત પર પણ ભાર મૂક્યો હતો કે રોહિત શર્મા એક ખેલાડી તરીકે ઓવરવેટ છે.
રવિવારે (2 માર્ચ) ચેમ્પિયન્સ ટ્રોફીમાં ભારત-ન્યૂઝીલેન્ડ મેચ દરમિયાન, શમા મોહમ્મદે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર લખ્યું, 'રોહિત શર્મા ખેલાડી તરીકે મોટો છે. તેણે વજન ઘટાડવાની જરૂર છે! અને તેમાં કોઇ શંકા નથી કે ભારતના અત્યાર સુધીના કેપ્ટનોમાંથા વધારે અનઇમ્પ્રેસિવ કેપ્ટન છે.
શમાની આ ટિપ્પણી પર, જ્યારે એક પાકિસ્તાની પત્રકારે રોહિત શર્માને વર્લ્ડ ક્લાસ પર્ફોર્મર કહ્યો, ત્યારે શમાએ જવાબ આપ્યો કે, 'ગાંગુલી, તેંદુલકર, દ્રવિડ, ધોની, કોહલી, કપિલ દેવ, શાસ્ત્રી જેવા ભૂતપૂર્વ કેપ્ટનોની તુલનામાં રોહિતમાં એવું શું વર્લ્ડ ક્લાસ છે?' એક સરેરાશ કેપ્ટન હોવા ઉપરાંત, તે એક સરેરાશ ખેલાડીપણ છે, જેને ભારતનો કેપ્ટન બનવાનું સૌભાગ્ય મળ્યું હતું.
શમાની ટિપ્પણી સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ ભારતીય ક્રિકેટ ચાહકોએ તેમની આકરી ટીકા કરવાનું શરૂ કરી દીધું. કેટલાકે રોહિત શર્માના આંકડા બતાવ્યા, જ્યારે કેટલાકે કેપ્ટન તરીકેનો તેમની જીતનો રેકોર્ડ બતાવ્યો. આ બધા વચ્ચે, ભાજપે તો એમ પણ કહ્યું કે શું કોંગ્રેસ હવે રાહુલ ગાંધીને ક્રિકેટના મેદાનમાં લાવવા માગો છો? ભાજપના પ્રવક્તા પ્રદીપ ભંડારીએ તેને દરેક દેશભક્તનું અપમાન ગણાવ્યું.
ઈન્ડિયા એલાયન્સ પાર્ટી શિવસેના (UBT)ના સાંસદ પ્રિયંકા ચતુર્વેદીએ પણ શમા મોહમ્મદની ટિપ્પણીનો વિરોધ કર્યો. તેમણે X પર લખ્યું, 'હું ક્રિકેટની મોટી ચાહક નથી, પરંતુ રમતમાં મારી મર્યાદિત રુચિ હોવા છતા હું કહી શકું છું કે રોહિત શર્મા, ભલે તેનું વજન વધ્યું હોય કે ન વધ્યું હોય, તેણે ભારતીય ટીમને નવી ઊંચાઈઓ પર પહોંચાડી છે.' તેમની પ્રતિબદ્ધતા જ મહત્ત્વ ધરાવે છે.
પોતાને ચારેય બાજુથી ઘેરાતા જઇને, શમા મોહમ્મદે પોતાનો ખુલાસો રજૂ કર્યો. તેમણે કહ્યું, 'આ ખેલાડીઓની ફિટનેસ અંગે એક સામાન્ય ટ્વીટ હતી.' આ બોડી શેમિંગની વાત નહોતી. મને લાગ્યું કે તેનું વજન વધારે છે, એટલે મેં ટ્વીટ કર્યું. મને કોઈ કારણ વગર નિશાન બનાવવામાં આવી રહી છે. જ્યારે મેં તેની સરખામણી ભૂતપૂર્વ કેપ્ટનો સાથે કરી, ત્યારે તેને પણ ખોટી રીતે લેવામાં આવ્યું. લોકશાહીમાં બોલવાનો અધિકાર છે. મેં ફક્ત મારી વાત રાખી.