રશિયાએ યુક્રેનમાં વધુ એક શહેર કબજે કરવાનો દાવો કર્યો, કિવએ કોઈ પ્રતિક્રિયા ન આપી
રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ ભયાનક બની રહ્યું છે. યુદ્ધની વચ્ચે રશિયા દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે. રશિયાએ કહ્યું છે કે તેણે યુક્રેનના ખૂબ જ મહત્વપૂર્ણ શહેર કુરાખોવ પર કબજો કરી લીધો છે.રશિયાના સંરક્ષણ મંત્રાલયે સોમવારે દાવો કર્યો હતો કે રશિયન સૈનિકોએ પૂર્વી યુક્રેનમાં મહિનાઓની લડાઈ બાદ મુખ્ય શહેર કુરાખોવ પર કબજો કરી લીધો છે. કુરાખોવ એ પૂર્વીય ફ્રન્ટ લાઇન પર યુક્રેનિયન સૈન્ય માટે એક મહત્વપૂર્ણ ગઢ છે. તેમાં ઔદ્યોગિક વિસ્તાર અને થર્મલ પાવર પ્લાન્ટ છે. તે પૂર્વ અને દક્ષિણ યુક્રેનને જોડતા હાઇવે પર સ્થિત છે. રશિયા-યુક્રેન યુદ્ધના લગભગ ત્રણ વર્ષ પૂરા થવા વચ્ચે રશિયાએ આ દાવો કર્યો છે. જો કે આ દાવા અંગે કિવ તરફથી કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી.
એક દિવસ પહેલા, રશિયન સંરક્ષણ મંત્રાલયે કહ્યું હતું કે યુક્રેનની સેનાએ રશિયાના કુર્સ્ક સરહદ વિસ્તારમાં એક નવું આક્રમણ શરૂ કર્યું છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના બે સપ્તાહ બાદ શપથ લેવાના કારણે યુદ્ધમાં અનિશ્ચિતતા છે. કોઈપણ સંભવિત શાંતિ વાટાઘાટો પહેલા યુદ્ધ ક્ષેત્રમાં જમીન મેળવવા માટે બંને પક્ષો દ્વારા પ્રયાસો તેજ થયા છે.
ટ્રમ્પે યુદ્ધ સમાપ્ત કરવાના તેમના ધ્યેયને પૂર્ણ કરવાની તેમની યોજનાઓની વિગતવાર માહિતી આપી નથી, પરંતુ વ્હાઇટ હાઉસમાં તેમની હાજરી યુદ્ધની સ્થિતિ પર નોંધપાત્ર અસર કરે તેવી શક્યતા છે. દરમિયાન, યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કી હવાઈ સુરક્ષાને મજબૂત કરવા માટે તેમના સાથીઓ પાસેથી મદદની અપેક્ષા રાખી રહ્યા છે. તેમણે કહ્યું છે કે તે જર્મનીમાં આ અઠવાડિયે યોજાનારી બેઠકમાં તેના સાથી દેશોને તેમની હવાઈ સંરક્ષણ વધારવા માટે બોલાવશે.
તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.
Join WhatsApp