ધનબાદ જજ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું, સરકારને કર્યો આ આદેશ

ધનબાદ જજ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું, સરકારને કર્યો આ આદેશ

07/30/2021 National

SidhiKhabar

SidhiKhabar

ધનબાદ જજ હત્યા કેસમાં સુપ્રીમ કોર્ટે સ્વયં સંજ્ઞાન લીધું, સરકારને કર્યો આ આદેશ

નવી દિલ્હી: ઝારખંડના ધનબાદમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજની હત્યા (Judge Murder case) મામલે સુપ્રીમ કોર્ટે (Supreme Court) સુઓમોટો (Suomoto) નોટીસ લીધી છે. ચીફ જસ્ટિસ એનવી રમન્નાની અધ્યક્ષતાવાળી ખંડપીઠે ઝારખંડના મુખ્ય સચિવ અને રાજ્ય પોલીસ વડાને નિર્દેશ કર્યો છે કે તેઓ એક અઠવાડિયાની અંદર તપાસનો રિપોર્ટ સોંપે. જોકે, કોર્ટે કહ્યું છે કે તેઓ ઝારખંડ હાઈકોર્ટની કાર્યવાહીમાં કોઈ હસ્તક્ષેપ કરી રહ્યા નથી.

ન્યુઝ એજન્સી એએનઆઈએ સુપ્રીમ કોર્ટની ખંડપીઠને ટાંકીને જણાવ્યું છે કે, ચીફ જસ્ટિસની અધ્યક્ષતાવાળી ખંડપીઠે આ મામલે સુઓમોટો નોટીસ લીધી છે અને કહ્યું છે કે કોર્ટની અંદર અને બહાર અનેક જ્યુડિશિયલ અધિકારીઓ અને ન્યાયાધીશ ઉપર કથિત હુમલાઓ થયાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જેથી કોર્ટ ન્યાયિક અધિકારીઓની સુરક્ષા અને સલામતી સુનિશ્ચિત કરવા માગે છે.

આ પહેલા ગઈકાલે સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશનના પ્રમુખ અને વરિષ્ઠ વકીલ વિકાસ સિંહે ચીફ જસ્ટિસ સમક્ષ આ કેસને લઈને રજૂઆત કરી હતી કે સુપ્રીમ કોર્ટ આ મામલે સુઓમોટો દાખલ કરે અને સુનાવણી હાથ ધરે. તેમણે કહ્યું હતું કે, એક ન્યાયાધીશ મોર્નિંગ વોક માટે નીકળ્યા હોય અને પાછળથી કોઈ વાહન ટક્કર મારી જાય તે બાબત આઘાતજનક છે. તેઓ ગેંગસ્ટરોની જામીન અરજી મામલે સુનાવણી હાથ ધરી રહ્યા હતા. આ ન્યાયિક સ્વતંત્રતા ઉપર થયેલો હુમલો છે.’

તેમણે કહ્યું હતું કે, આ કેસ સીબીઆઈને સોંપાવો જોઈએ. ગેંગસ્ટરોની જામીન અરજી ફગાવી દેનારાઓની આ રીતે હત્યા થશે તો આ દેશમાં ન્યાયતંત્ર જેવું કશું બચશે જ નહીં. જોકે, CJI દ્વારા કહેવામાં આવ્યું હતું કે ઝારખંડ હાઈકોર્ટે આ મામલે સંજ્ઞાન લીધું છે. સુપ્રીમ કોર્ટની તપાસની જરૂર કદાચ ન પણ પડે.’

ઉલ્લેખનીય છે કે ઝારખંડના ધનબાદમાં ડિસ્ટ્રીક્ટ કોર્ટના જજ ઉત્તમ આનંદ સવારે મોર્નિંગ વોક ઉપર નીકળ્યા હતા ત્યારે તેમને પાછળથી એક ઓટો રિક્ષા દ્વારા ટક્કર મારી દેવામાં આવી હતી. ત્યારબાદ તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પરંતુ માથાના ભાગેથી વધુ લોહી વહી જવાના કારણે તેમનું મૃત્યુ થઇ ગયું હતું.

જ્યાં સુધી સીસીટીવી કેમેરા ફૂટેજ સામે ન આવ્યા ત્યાં સુધી માનવામાં આવી રહ્યું હતું કે આ માત્ર એક અકસ્માત છે પરંતુ સીસીટીવી ફૂટેજમાં સાજિશપૂર્વક હત્યા કરવામાં આવી હોય તેમ સ્પષ્ટ જણાઈ રહ્યું છે. સીસીટીવી ફૂટેજમાં જોવા મળે છે કે, ન્યાયાધીશ ઉત્તમ આનંદ રસ્તાની ડાબી તરફ જોગિંગ કરતા જઈ રહ્યા હતા. ત્યારે જ તેમની પાછળ ઓટોરિક્ષા આવે છે. જેની ડ્રાઈવર સીટ ઉપર બે લોકો બેઠેલા દેખાય રહ્યા છે. ઓટો અચાનક રસ્તા ઉપર ડાબી તરફ વળે છે અને ત્યારબાદ જોગિંગ કરી રહેલા ન્યાયાધીશ તરફ આગળ વધે છે. પાછળથી એક ટક્કર મારી તેમને રસ્તાની બાજુમાં ફેંકી દે છે અને ત્યારબાદ પૂરપાટ ઝડપે આગળ નીકળી જાય છે.

ન્યાયાધીશ ઉત્તમ આનંદ ચર્ચિત રંજય સિંહ હત્યાકાંડની સુનાવણી કરી રહ્યા હતા. રંજયસિંહ ધનબાદના બાહુબલી નેતા અને ઝરિયાના પૂર્વ વિધાયક સંજીવસિંહના નજીકના માનવામાં આવતા. કેટલાક દિવસો પહેલા જ જજ ઉત્તમ આનંદે આ કેસમાં શૂટરોની જામીન અરજી ફગાવી દીધી હતી.


તમારા મોબાઈલ પર તમામ પ્રકારના લેટેસ્ટ ન્યૂઝના અપડેટ્સ મેળવવા માટે નીચે અપેલા બટન પર ક્લિક કરીને અમારા વોટ્સેપ ગ્રુપમાં જોડાવ.

Join WhatsApp

Comments

Top